
અમેરિકન બંધારણમાં ટેરિફ નાંખવાનો અધિકાર માત્ર સંસદને અપાયેલો છે. પ્રમુખ ટ્રમ્પને ટેરિફ નાંખવાનો કોઈ કાયદાકીય અધિકાર જ નથી. ટ્રમ્પે દુનિયાના દેશો પર નાંખેલા રેસિપ્રોકલ સહિતના ટેરિફ ગેરકાયદે છે. અમેરિકન સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખુબ ગુસ્સામાં આવી ગયા છે અને તેમણે કોર્ટનો ગુસ્સો વિશ્વ પર ઉતારવાનું શરૂ કરી દીધું છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે (20 ફેબ્રુઆરી)એ ટેરિફ મામલે ચુકાદો આપ્યાના થોડી જ મિનિટોમાં ટ્રમ્પે વોશિંગ્ટનથી પ્રેસ કોન્ફરન્સ કરીને વિશ્વ પર 10 ટકા ટેરિફ ઝિંકવાની જાહેરાત કરી હતી, આટલું ઓછું પડ્યું હોય આ ઓછું હોય તેમ જાહેરાત કર્યાના થોડાજ કલાકોમાં ટ્રમ્પે ગ્લોબલ ટેરિફ વધારીને 15 ટકા કરી નાખ્યો હતો. ત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ટ્રમ્પે સોમવારે (23 ફેબ્રુઆરી) વધુ એક ચેતવણીરૂપ નિવેદન કરી વિશ્વભરનું ટેન્શન વધારી દીધું છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાથી નારાજ થયેલા ટ્રમ્પે આજે સ્પષ્ટ કહ્યું છે કે, અમેરિકન સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ, ટેરિફ બાબતે જો કોઈ દેશ રમત રમવાનો પ્રયાસ કરશે તો તે દેશ પર પહેલાં કરતાં વધુ ટેરિફ ઝીંકવામાં આવશે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર સ્પષ્ટ કહ્યું છે કે, આવા દેશોએ ખૂબ જ વધુ ટેરિફનો સામનો કરવો પડશે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખે ટ્રુથ પર ચેતવણી આપી છે કે, ‘જો કોઈ દેશ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો લાભ ઉઠાવીને રમત રમવાનો પ્રયાસ કરશે, ખાસકરીને તે દેશ, જેમણે વર્ષો અને દાયકાઓથી અમેરિકાને લૂંટ્યું છે, તો આવા દેશો પર પહેલેથી જ વધુ ટેરિફ લાદવામાં આવશે. આનાથી પણ વધુ ખતરનાક એ થશે કે, આવા દેશો પર ટ્રેડ ડીલ હેઠળ હાલનો જે ટેરિફ નિર્ધારીત કરાયો છે, તેનાથી પણ વધુ ટેરિફ લાદવામાં આવશે.’