પિતાએ બમ્પ કૂદાવતા ટ્રેકટરમાંથી પડી ગયેલી દીકરીનું મોત:માતાની નજર સામે જ ટાયર ફરી વળ્યું, ગાંધીનગરના સેક્ટર-24ની ઘટના

Spread the love

 

 

ગાંધીનગર

ગાંધીનગરમાં આજે સવારે એક કાળજુ કંપાવી દે તેવી ઘટના બની છે. સેક્ટર-24 સાઈબાબા ચાર રસ્તા પાસે ટ્રેક્ટર ચલાવતા પિતાએ ગફલતભરી રીતે બમ્પ કુદાવતા 6 વર્ષની દીકરી ઉછળીને રોડ પર પટકાઈ હતી. એજ ઘડીએ માતાની નજર સામે ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા દીકરીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અંગે સેકટર 21 પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

પિતા સાથે ટ્રેકટરમાં માતા અને ચાર સંતાનો સવાર હતા પ્રાપ્ત વિગતો મુજબ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રામપુરી ગામનો વતની અને હાલ ગાંધીનગરમાં બોરિંગ ટ્રેક્ટર ચલાવતો પરિવાર વહેલી પરોઢિયે સેક્ટર-27 તરફ જઈ રહ્યો હતો. એ વખતે ટ્રેક્ટર બાલુ પુનીયા ચારેલ હંકારી રહ્યા હતા. જ્યારે તેમની પત્ની સોમીલાબેન અને ચાર બાળકો ટ્રેક્ટર પર બેઠા હતા.

બમ્પ કૂદાવતા ટ્રેકટરમાંથી પડી ગયેલી 6 વર્ષીય દીકરી પર વ્હીલ ફરી વળ્યું આ દરમિયાન સેક્ટર-24 સાઈ બાબા મંદિર પાસે આવેલા બમ્પ પરથી પિતાએ ટ્રેક્ટર પૂરઝડપે કુદાવતા બાજુમાં બેઠેલી 6 વર્ષની દીકરી કલ્પા રોડ પર નીચે પટકાઈ હતી. જોકે પિતા ટ્રેક્ટર ઉભું રાખે તે પહેલા જ પાછળનું ટાયર માસૂમ દીકરીના માથા પરથી ફરી વળ્યું હતું. આ દ્રશ્ય જોઈ માતાએ હૈયાફાટ રૂદન કરી મૂક્યું હતું.

બાળકીને વધુ સારવાર મળે તે પહેલા જ મોત જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાદમાં લોહીલુહાણ હાલતમાં બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ અંગે દીકરીને ગુમાવનાર સોમીલાબેને પતિની બેદરકારી અને ગફલતભરી ડ્રાઈવિંગને કારણે આ અકસ્માત સર્જાયો હોવાની ફરિયાદ નોંધાવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *