
ગુજરાતના વાલ્મિકી સમાજ દ્વારા પોતાની લાંબા સમયની પડતર માંગણીઓ અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આગામી આજે (24 ફેબ્રુઆરી) બપોરે પાટનગર ગાંધીનગર ખાતે એક વિશાળ અધિકાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતના નેજા હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને યુવાનો ઉમટી પડશે. આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદી સહિતની પડતર માંગણીઓ મુદ્દે ગુજરાત વાલ્મિકી સમાજ દ્વારા અધિકાર સભા યોજવામાં આવનાર છે. વાલ્મિકી સમાજની વર્ષો જૂની અને મુખ્ય માંગણીઓમાંની એક કોન્ટ્રાક્ટ પ્રથાની નાબૂદી છે. સમાજનું કહેવું છે કે, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને સરકારી કચેરીઓમાં સફાઈ કામદારોનું કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ શોષણ થઈ રહ્યું છે. આ પ્રથા સદંતર બંધ કરી કામદારોને કાયમી કરવામાં આવે અને તેમને મળવાપાત્ર તમામ સરકારી લાભો સીધા પ્રાપ્ત થાય તેવી માંગણી બુલંદ કરવામાં આવશે. સમાજના અગ્રણીઓના જણાવ્યા મુજબ, સફાઈ કામગીરીમાં પ્રવર્તતી રોસ્ટર પ્રથાને કારણે સમાજના હકોનું હનન થઈ રહ્યું છે, જેને નાબૂદ કરવાની જરૂર છે. આ ઉપરાંત 2012માં વિદ્યા સહાયકની જે 2 સીટો રદ કરવામાં આવી હતી, તેને તાત્કાલિક અસરથી પુનઃ શરૂ કરવાની માગ છે. ઉપરાંત 2023માં જે 50% ભરતી પ્રક્રિયા અચાનક બંધ કરી દેવામાં આવી હતી, તેને પણ ફરી શરૂ કરી યુવાનોને રોજગારી આપવાની રજૂઆત કરવામાં આવશે. આ અધિકાર સભા બપોરે 2 કલાકે સેક્ટર-6 સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે યોજાશે. સભાના અંતે સમાજના પ્રતિનિધિ મંડળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવશે, જેમાં સમાજની શૈક્ષણિક, આર્થિક અને સામાજિક ઉન્નતિ માટેના પડતર પ્રશ્નોના કાયમી ઉકેલની માંગણી કરવામાં આવશે. સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ બૌરૈયા અને અન્ય હોદ્દેદારોએ રાજ્યના ગામેગામથી સમાજના લોકોને આ સભામાં જોડાવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, આ લડત માત્ર માંગણીઓ માટે નથી પણ વાલ્મિકી સમાજના સ્વાભિમાન અને હક માટેની છે.
શાંતિપૂર્ણ રીતે યોજાનારી આ સભા દ્વારા સરકાર સુધી સમાજનો અવાજ પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમને પગલે ગાંધીનગર પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ કરવામાં આવી છે, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.