
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)ના વર્તમાન ઉત્તર-દક્ષિણ કોરિડોરને GIFT સિટીથી IIT સર્કલ શાહપુર સુધી વિસ્તારવાને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટની કુલ અંદાજિત કિંમત ₹1,067.35 કરોડ છે. આ વિસ્તાર 3.33 કિલોમીટર લાંબો હશે અને એમાં ત્રણ એલિવેટેડ સ્ટેશનનો સમાવેશ થશે. આ મેટ્રો ફેઝ-2Bની કામગીરી લગભગ 4 વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. 5 ગામના 20 હજાર લોકો અને સ્ટુડન્ટ્સને ફાયદો થશે. પ્રોજેક્ટના બાંધકામ દરમિયાન આશરે 1,000 નોકરીનું સર્જન થવાની શક્યતા છે, જ્યારે પૂર્ણ થયા બાદ સંચાલન અને જાળવણી માટે લગભગ 250 લોકોને રોજગાર મળશે. આ ઉપરાંત અન્ય સંલગ્ન પ્રવૃત્તિઓ દ્વારા પરોક્ષ રોજગારની તકો પણ વધશે. અંદાજ મુજબ 2029માં આ વિસ્તારિત કોરિડોર પર રોજના 23,702 યાત્રી મુસાફરી કરશે, જે 2041 સુધીમાં વધીને 58,059 થઈ જશે. આનાથી ટ્રાફિકમાં ઘટાડો થશે અને પર્યાવરણને પણ ફાયદો થશે. ગિફ્ટ સિટી શાહપુરથી આઇઆઇટી પાલજ સુધીના રૂટ પર આવતા અને તેની આસપાસના અનેક વિસ્તારોને મેટ્રો પરિવહનનો લાભ મળશે.જેમકે પાલજ આઇઆઇટી કેમ્પસ અને આ ગામના રહીશોને સીધો લાભ મળશે. જ્યારે બાસણ, લેકાવાડા અને ચિલોડાના લોકોને પણ મેટ્રોનો લાભ થશે. જ્યારે વલાદ પણ ગિફ્ટ સિટી અડીને આવેલ ગામ છે. આમ આ ગામોના રિયલ એસ્ટેટ અને પરિવહન ક્ષેત્રે મોટો ઉછાળો આવી રહ્યો છે. હવે મેટ્રો પસાર થતા હજારો નોકરિયાત આસપાસના ગ્રામજનોને સીધો લાભ થશે. PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અમદાવાદ-ગાંધીનગર મેટ્રો નેટવર્ક માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ મેટ્રો ફેઝ-2Bના ભાગરૂપે GIFT સિટીથી IIT શાહપુર સુધી મેટ્રો ટ્રેન દોડશે. આ પ્રોજેક્ટ અમદાવાદ અને GIFT સિટી વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવશે. આ માર્ગ પર આવેલી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને વાણિજ્યિક કેન્દ્રોને સીધો લાભ મળશે. બિઝનેસ, રોજગાર અને શિક્ષણ સંબંધિત મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે. આ નિર્ણય અમદાવાદ મેટ્રો ફેઝ-2Bના ભાગરૂપે લેવામાં આવ્યો છે, જે રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ આપશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વર્તમાન સ્થિતિએ ગુજરાત મેટ્રોના 68.28 કિમી અમદાવાદ મેટ્રો ફેઝ-I {APMCથી મોટેરા સ્ટેડિયમ (નોર્થ-સાઉથ કોરિડોર) અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર)} અને ફેઝ-II (મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર અને GNLUથી ગિફ્ટ સિટી), કુલ 53 સ્ટેશનો સાથે સપ્ટેમ્બર-2022 (ફેઝ-I) અને જાન્યુઆરી-2026 (ફેઝ-II)થી સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યા છે. એનો લાભ દરરોજ અંદાજે 1.60 લાખ લોકોને સરળ અવરજવર માટે મળે છે. ગીફ્ટસીટીમાં મેટ્રો રેલ સેવા દોડતી કરવામાં આવતા આસાપાસના પાંચ ગામના 20000 લોકોને તેનો સીધો લાભ મળી રહેશે. કેમ કે ગીફ્ટસીટીની મધ્યમાં આવેલા પિરોજપુર અને રતનપુરની 5000 વસ્તીને લાભ મળશે. ઉપરાંત આસપાસના શાહપુરની 5000, વલાદની 7000, લવારપુરની 3000 વસ્તીને પણ તેનો લાભ મળશે. મેટ્રો રેલના વિસ્તરણથી નવા સ્ટેશન્સની આસપાસ રિયલ એસ્ટેટને પણ પ્રોત્સાહન મળશે. કનેક્ટિવિટીમાં સુધારો થવાની સાથે આસપાસના વિસ્તારોમાં વ્યવસાયિક અને રહેણાંક એકમોની માંગ ઉભી થશે, જેના લીધે રોકાણની નવી તકો પેદા થશે. એક વાજબી પરિવહન વિકલ્પ શહેરને મળવાથી, મેટ્રો રેલ જીવનની ગુણવત્તાને વધારવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવશે. મુસાફરોના સમય અને ખર્ચની બચત તેમજ ખાનગી વાહન પરની નિર્ભરતા ઓછી થવાથી, નાગરિકોના સ્વાસ્થ્ય, સુખાકારી તેમજ લોકોની આર્થિક સુરક્ષા પર લાંબાગાળાની અસર થશે. આવનારા સમયમાં, ગુજરાતમાં એક ટકાઉ અને મજબૂત પરિવહન નેટવર્ક બનાવવાની દિશામાં, મેટ્રોનું વિસ્તરણ માત્ર શરૂઆત છે. આગામી સમયમાં મેટ્રોના વ્યાપક વિસ્તરણની કામગીરી અત્યારે પ્રક્રિયામાં છે જેનાથી એક એવી ઇન્ટીગ્રેટેડ સિસ્ટમ બનશે જે રાજ્યના નાગરિકોને દાયકાઓ સુધી સેવા આપશે. વૈશ્વિક અર્બન સેન્ટર બનવાની ગુજરાતની યાત્રામાં, અમદાવાદ મેટ્રો રેલ એક્સ્ટેન્શન એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન બન્યું છે.