અસલી સોનાની ચેન લઈને નકલી કહી પૈસા પડાવ્યા

Spread the love

 

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં સોની પિતા-પુત્રએ વેપારીની સોનાની ચેન નકલી હોવાનું કહીને પડાવી લીધી હતી. સોનીએ પોતાની પાસે ધિરાણનું લાઇસન્સ ન હોવા છતાં પણ સોનાની ચેન ગીરવે લઈને પૈસા આપ્યા હતા. જે બાદ ચેન નકલી હોવાનું કહી પૈસા પાછા લઇ લીધા હતા. વેપારીએ સોનાની ચેન પરત માંગણી કરતા સોનીએ ચેન પરત આપી નહોતી. આ બાબતે વેપારીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જ્વેલર્સ માલિક પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નારોલમાં રશ્મી પર્લ ફ્લેટમાં રહેતા અને મેટલ સ્ક્રેપનો વ્યવસાય કરતા ધ્રુવિલ સોનીનો ખાસ મિત્ર પક્ષાલ શાહ છે. પક્ષાલ સાથે ઘર જેવા સંબંધ હોવાથી તેની સાથે આર્થિક લેવડદેવડ થતી હોય છે. એક અઠવાડિયા પહેલા પ્રક્ષાલને પૈસાની જરૂર હોવાથી તેણે ધ્રુવિલ પાસે પૈસા માંગ્યા હતા, પરંતુ ધ્રુવિલે કહ્યું હતું મારી પાસે અત્યારે રોકડની સગવડ નથી જો તારે પૈસાની જરૂર હોય તો હું મારી સોનાની ચેન ગીરવે મૂકી અને તને પૈસા આપું. જ્યારે સગવડ થાય ત્યારે ચેન છોડાવી પૈસા આપી દેજે. જેથી આ બાબતે પક્ષાલે સંમતિ આપતા નારોલ વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી જ્વેલર્સ નામની દુકાને ધ્રુવિલ સોની ગયા હતા. જોકે મા લક્ષ્મી જ્વેલર્સ પાસે પૈસાની સગવડ ન હોવાથી તેઓ ત્યાંથી પરત આવી ગયા હતા.
બાદમાં તેઓ નારોલ ડીવાઇન સ્કૂલ પાસે આવેલી ક્રિષ્ના જ્વેલર્સમાં ગયા હતા. જ્યાં રોહિત પ્રજાપતિ હાજર હતા અને તેમને સોનાની 31 ગ્રામની 22 કેરેટની સોનાની ચેન બતાવી હતી. રોહિતભાઈએ વજન અને ટચ કરી બાદમાં સોનાની ચેનના 2.60 લાખ રૂપિયા મળશે તેમ કહ્યું હતું અને વ્યાજ કપાશે જેથી વ્યાજના કાપીને 2.53 લાખ રૂપિયા ધ્રુવિલ સોનીને આપ્યા હતા. જેની ગીરો ચિઠ્ઠી આપી હતી અને ત્યારબાદ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. એક કલાક પછી રોહિતભાઈએ ફોન કર્યો હતો કે, જે તમે સોનાની ચેન આપી છે તે ખોટી છે જેથી ધ્રુવિલે કહ્યું હતું, કે તમારી પહેલા મહાલક્ષ્મી જ્વેલર્સ પાસે બતાવી હતી અને ત્યાં સોનાની ચેન હોલમાર્ક વાળી અસલી હોવાનું કહ્યું હતું. આજ સોનાની ચેન ઉપર તેમણે વર્ષ 2024 અને 2025માં ખાનગી ફાઈનાન્સ કંપનીમાંથી લોન પણ લીધી છે. જો તમને સોનાની ચેન નકલી લાગતી હોય તો તમને હું પૈસા પરત આપી દઉં અને મારી ચેન પરત આપી દો. જેથી તેઓ ફરી ક્રિશ્ના જ્વેલર્સમાં ગયા હતા જ્યાં સોનાની ચેન રોહિતભાઈ દ્વારા તે કાલે સવારે લેવા આવજો એવું કહ્યું હતું. જેથી બે લાખ રૂપિયા રોકડા પરત આપી દીધા હતા. બાકીના પૈસા બીજા દિવસે સવારે આપીશ એવું કહ્યું હતું.
રાત્રે રોહિતભાઈ એના મોબાઈલ ફોન પરથી ધ્રુવિલ સોનીને ફોન આવ્યો હતો અને તેમના પિતાએ વાત કરી હતી કે મારા છોકરાને કેમ ખોટી ચેન આપી છે. મહાલક્ષ્મી જ્વેલર્સ વાળાને પણ ફોન કરી ધમકાવ્યા હતા. કાલે સવારે પૈસા આપી જજે નહીં તો મોટી બબાલ થઈ જશે એવી રીતે ધમકાવ્યો હતો. બીજા દિવસે સવારે બાકીના પૈસા ઓનલાઈન ક્રિષ્ના જ્વેલર્સમાં રોહિતભાઈને ટ્રાન્સફર કર્યા હતા જ્યારે તેની સોનાની ચેન પરત માંગી તો એવું કહ્યું હતું કે, નીચે વિનાયક જ્વેલર્સ નામની મારા પિતાની દુકાન છે ત્યાંથી લઈ લો. જ્યારે રોહિતભાઈના પિતા મોહનલાલ પાસે સોનાની ચેન માંગવા ગયા તો સોનાની ચેન તારી નકલી છે તને પરત નહીં મળે એવું કહ્યું હતું. બીજા દિવસે રોહિતભાઈએ તેમના સોનીના ગ્રુપમાં મેસેજ કર્યો કે, તેઓને ખોટી ચેન આપી છે આ બાબતની જાણ મહાલક્ષ્મી જ્વેલર્સ વાળાએ ધ્રુવિલ સોનીને કરી હતી. તમારી સોનાની ચેન પણ ઓગાળી દીધી છે એવું કહ્યું હતું. મહાલક્ષ્મી જ્વેલર્સના રમેશભાઈ થકી રોહિતભાઈ અને તેના પિતા સાથે ફોન ઉપર વાત કરી સોનાની ચેન આપવા વાત કરી હતી, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો. જેથી નારોલ પોલીસ સ્ટેશનમાં ધ્રુવિલ સોનીએ પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની પાસે ધિરાણનું લાઇસન્સ પણ નથી અને સોનાની ચેન પરત આપી નથી તેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *