દર 3 દિવસે મર્ડર અને 30 કલાકે બળાત્કાર

Spread the love

રાજ્યના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં વધતા જતા ગુના અને કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે બેઠક કરવામાં આવી હતી. શહેરમાં જાહેરમાં મારામારીના કિસ્સાઓ વધી રહ્યા છે, દર 3 દિવસે મર્ડર થઈ રહ્યા છે અને દર 30 કલાકે બળાત્કારની એક ઘટના સામે આવી રહી છે તો પણ અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે કહ્યું હતું કે કહેતા ગર્વ થાય છે કે શહેરમાં ક્રાઈમ રેટ ખૂબ જ કાબૂ હેઠળ છે, ગુનાઓના ડિટેકશન પણ સારા થયા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં તાજેતરમાં જ જાહેરમાં મારામારીના અનેક બનાવો બન્યા છે. શહેરના સરસપુર વિસ્તારમાં લગ્નપ્રસંગમાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, 10થી 15 વાહનોમાં તોડફોડ કરાઈ હતી અને ભયનો માહોલ ઊભો થયો હતો. અમરાઈવાડી વિસ્તારમાં પણ જાહેરમાં અસામાજિક તત્ત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. ચાંદખેડા વિસ્તારમાં જાહેરમાં એક્ટિવા ઉપર ચારથી પાંચ લોકોએ ધોકા માર્યા હતા અને તોડફોડ કરી હતી, આવા અનેક જાહેરમાં મારામારીના બનાવો બન્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે ક્રાઈમ કોન્ફરન્સમાં વર્ષ 2023થી 2025 એમ ત્રણ વર્ષમાં અમદાવાદમાં ગુનાખોરીની સ્થિતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. શહેરમાં ડ્રગ્સ અને ટ્રાફિકની સમસ્યાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી છે, ખાસ કરીને સુભાષબ્રિજ બંધ થવાના કારણે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક જગ્યાએ કામો ચાલે છે તેના કારણે ટ્રાફિકની સમસ્યા વધી છે. ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે પોલીસ મહેનત કરી રહી છે, પરંતુ શહેરીજનોને અપીલ કરું છું કે લોકો વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે જેના કારણે થઈને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાશે. ટ્રાફિકબ્રિગેડની પણ નિમણૂક કરવામાં આવી છે. 450 ટ્રાફિકબ્રિગેડના જવાનોની ટ્રેનિંગ પૂર્ણ થઈ છે અને વધુ પોલીસ રોડ ઉપર મૂકી છે. પોલીસકર્મચારીઓની હાજરી માટે એપ પણ બની રહી છે. આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષા આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને પણ તકલીફ ન પડે તેના માટે ટ્રાફિક નડે નહીં અને સમયસર કોઈ સ્થળે પહોંચવા માટે સમયસર નીકળે.
પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને ભૂતકાળમાં જે ધમકીભર્યા ઈ-મેલ આવતા હતા, એને લઈને શિક્ષણ વિભાગ દ્વારા એસઓપી બનાવવામાં આવી છે. સારી રીતે પરીક્ષા યોજાશે. સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તમામ પ્રયત્નો શોધવાના ચાલી રહ્યા છે, પરંતુ પરીક્ષામાં કોઈ અડચણ ન આવે તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરમાં વધતા જતા સાયબર ક્રાઈમને ધ્યાનમાં રાખીને પણ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમ એક પડકાર છે, જે ધમકીભર્યા ઈ-મેલ આવતા હતા એમાં VPNનો ઉપયોગ કરવામાં આવે છે અને ખૂબ જ મુશ્કેલ છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે ભૂતકાળમાં તામિલનાડુનું મોડ્યૂલ પકડ્યું હતું, જે આખા ભારતમાં ઓપરેટ કરતું હતું. સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા હાલ શોધવાના પ્રયત્ન ચાલી રહ્યા છે. ધમકીભર્યા ઇ-મેલ આવે તો પરીક્ષામાં કોઈ અડચણ નહીં ઊભી થાય એે માટે પણ કામગીરી કરવામાં આવી છે. શહેરમાં CCTVના પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે. 24,000થી વધુ CCTV શહેરમાં લગાવવામાં આવ્યા છે. લોક ભાગીદારીથી આ CCTV લગાવવામાં આવ્યા છે, જેમાં 3000 CCTVના ફીડ કંટ્રોલરૂમમાં મળે છે, જેથી ઘણા બધા ગુનાઓના ડિટેકશન થયા છે. શહેરમાં રોડ ઉપરથી ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને પોલીસ-બંદોબસ્ત આપવા મામલે તેમણે જણાવ્યું હતું કે રોડ પરથી ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં પોલીસને અને કોર્પોરેશનને ફાયદો છે. બંદોબસ્ત આપવા માટે જ્યારે કહેવામાં આવે છે ત્યારે કોઈ કારણોસર બંદોબસ્ત આપી શકાતો નથી. જ્યારે બંદોબસ્ત આપવા માટે અરજી આપવામાં આવે છે ત્યારે તરત જ બંદોબસ્ત આપી દેવામાં આવે છે. ટ્રાફિકની સમસ્યા એનાથી દૂર થાય છે. પોલીસ કમિશનર દ્વારા શહેરમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને ઘણી બધી ચર્ચા કરવામાં આવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *