જમાઈની હત્યા નીપજાવનાર પિયરિયાઓની જામીન અરજી કોર્ટે નકારી

Spread the love

 

અમદાવાદના વાડજ પોલીસ મથકે વર્ષ 2025ના અંતમાં પુત્રવધુના પિયરીયાઓ સામે જમાઈની હત્યા કરવાનો ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે આરોપી નરેશ પરમાર અને મેહુલ પરમારે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને સીટી સેશન્સ કોર્ટે ફગાવી નાખી છે.
અરજદારો વતી રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસમાં ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે અને તપાસ પૂર્ણ થઈ ચૂકી છે. આરોપીઓની કસ્ટડીની હવે કોઈ જરૂર નથી. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી. મરણ જનાર પોતે માનસિક સારવાર કરાવતા હતા. તેઓ વ્યસની અને જનૂની સ્વભાવના હતા. તેઓએ જાતે કૂદીને આપઘાત કર્યો હતો. જ્યારે મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે સામે દલીલ કરી હતી કે, આરોપીઓએ મરણ જનારને પાંચમાં માળેથી નીચે ફેંકીને તેમની હત્યા કરી છે. તેમની ગુનામાં સક્રિય ભાગીદારી હોવાથી તેમને જામીન આપી શકાય નહીં. કેસને વિગતે જોતા ફરિયાદીના દીકરાએ લગભગ 10 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેઓના સમાજના રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા. તેઓ વાડજ ખાતે રહેતા હતા, પરંતુ તેમનું મકાન રી ડેવલપમેન્ટમાં જતા તેઓ શાહીબાગ ખાતે ભાડે રહેવા ગયા હતા. જ્યારે તેમના પુત્રવધુ ગોમતીપુરના રેડીમેડ કપડાના કામ સાથે સંકળાયેલી હતી. પુત્રવધુએ કહ્યું હતું કે, તેની પર 7 લાખનું દેવું થઈ ગયું છે, જેને ભરપાઈ કરે. ત્યારબાદ તે રિસાઈને પોતાની દીકરીને લઈને પિયર જતી રહી હતી. દીકરો રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. વહુ બાદમાં ઘરે આવી ગઈ હતી. ત્યારે દીકરાએ કહ્યું હતું કે, તે તેને લેવા આવત, શા માટે વહેલા આવી ગઈ ? બંને વચ્ચે નાના-મોટા ઝઘડા ચાલતા હતા. તે દરમિયાન બીજ ભરવા માટે તેઓ હાથીજણ મંદિરે જઈને ઘરે આવ્યા હતા. ત્યારબાદ અચાનક જ ફરિયાદીના પુત્રવધુના પિયરીયાઓ જેમાં પુત્રવધુના મમ્મી, તેમના જમાઈ, દીકરી, કાકાનો દીકરો વગેરે ઘરે આવ્યા હતા. જેઓએ તેમના પુત્રને ગાળો આપીને તેમની અને તેમના દીકરા સાથે મારામારી શરૂ કરી હતી. તેમને ખેંચીને મકાનના રસોડા પાસે આવેલી ચોકડીમાં લઈ ગયા હતા અને 5માં માળેથી નીચે ફેંકી દેતા નીચે પડવાથી લોહી લુહાણ હાલતમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *