મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નરસિંગપુર ગામે પિતા-પુત્રના પવિત્ર સંબંધને લજવતો એક અત્યંત કરુણ કિસ્સો પ્રકાશમાં (Mahisagar Crime News) આવ્યો છે. પિતાએ જ આવેશમાં આવી પોતાના સગા પુત્રને માથાના ભાગે લાકડીના જીવલેણ ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. આ મામલે મૃતકના સગા કાકાએ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
લગ્નની માંગણી બની મોતનું કારણ
પ્રાપ્ત વિગતો અનુસાર નરસિંગપુર પારંગી ફળીયામાં રહેતા મોહનભાઇ કચરાભાઈ ભાભોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. 16/02/2026ના રોજ રાત્રીના સમયે તેમના ભાઈ રમેશભાઈ કચરાભાઈ ભાભોરના ઘરેથી જોરજોરથી બોલાચાલીનો અવાજ સંભળાયો હતો.
તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, રમેશભાઈનો પુત્ર પ્રકાશભાઈ તેના પિતાને “તમે મારા લગ્ન કેમ કરાવતા નથી? મારુ લગ્ન કરાવી દો” તેમ કહીને ઉગ્ર દલીલો કરી રહ્યો હતો. આ તકરાર દરમિયાન ઉશ્કેરાયેલા પિતા રમેશભાઈએ ભાન ભૂલીને આવેશમાં આવી પુત્ર પ્રકાશના માથાના ભાગે લાકડીનો જોરદાર ફટકો મારી દીધો હતો.
8 દિવસની સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા
ઘટના બાદ માથાના ભાગે ગંભીર ઇજા થવાથી પ્રકાશ ગંભીર હાલતમાં ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સંતરામપુર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે, સ્થિતિ વધુ નાજુક જણાતા તેને વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં આઠ દિવસ સુધી જિંદગી અને મોત વચ્ચે જંગ લડ્યા બાદ આખરે પ્રકાશનું કરુણ મોત નીપજ્યું હતું.
પોલીસ કાર્યવાહી અને પંથકમાં ગમગીની
આ ચકચારી ઘટના અંગે મૃતકના કાકા મોહનભાઇ ભાભોરે પોતાના જ સગા ભાઈ રમેશભાઈ કચરાભાઈ ભાભોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સંતરામપુર પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપી પિતાની અટકાયત માટેની અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પુત્રના લગ્ન ન થવાની સામાન્ય બાબતે પિતા દ્વારા કરવામાં આવેલી આ ઘાતકી હત્યાથી નરસિંગપુર સહિત સમગ્ર સંતરામપુર પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે અને લોકમુખે આ પિતાના કૃત્યની ફિટકાર વરસી રહ્યો છે.