ગુજરાત વિધાનસભામાં બજેટ પરની સામાન્ય ચર્ચા પર જવાબ આપતા મંત્રી અર્જુન મોઢવાડીયા
ગાંધીનગર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : ગુજરાત વિધાનસભામાં બજેટ પરની સામાન્ય ચર્ચા પર જવાબ આપતા વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે અત્યારે વિશ્વમાં સેમિકંડક્ટર અને ટેકનોલોજીનો નવો યુગ ચાલી રહ્યો છે. ભારત હવે સેમિકંડક્ટર મેન્યુફેક્ચરિંગમાં પ્રવેશ કરી રહ્યું છે.
જે અત્યાર સુધી માત્ર અમુક દેશો પૂરતું મર્યાદિત હતું. વિશ્વની ટોચની 5- 6 હાઈટેક ઇન્ડસ્ટ્રીઝમાંથી 4 ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શનિવારે સાણંદમાં ‘માઈક્રોન’ (Micron) સેમિકંડક્ટર ફેસિલિટીનું ઉદઘાટન એ ભારતના ટેકનોલોજિકલ ઇતિહાસની મોટી ઘટના હશે. આ વિકાસને પરિણામે અમેરિકામાં ભણેલા અને ત્યાં સ્થાયી થયેલા ભારતીય યુવાનો અને CEO-એક્ઝિક્યુટિવ્સ હવે ગુજરાત પરત આવી રહ્યા છે, જે એક મોટું પરિવર્તન છે.
મંત્રીએ ગૃહમાં કહ્યું કે, કોવિડ-19 દરમિયાન જ્યારે દુનિયાની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ હતી, ત્યારે દેશના વૈજ્ઞાનિકોના પ્રયત્નોથી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે ત્રણ-ત્રણ વેક્સિન તૈયાર કરી અને 140 કરોડ નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન આપી છે. આ પડકારને તકમાં બદલીને ભારતે વિશ્વના અન્ય દેશોને પણ વેક્સિનની મદદ કરી હતી.
મંત્રી મોઢવાડિયાએ ગૃહમાં વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મોટા નિર્ણયો લીધા છે. રાજ્યમાં રૂ.15000 કરોડ રૂપિયાની મગફળીની ખરીદી કરવામાં આવી હતી.
આ ઉપરાંત, વરસાદી આફત સમયે લાંબી સર્વેની પ્રક્રિયામાં સમય બગાડ્યા વિના 16000 ગામડાઓના ખેડૂતોને મદદ પહોંચાડવા માટે 11000 કરોડ રૂપિયા સીધા તેમના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. આ સિવાય ટેકનોલોજીના યુગમાં સિસ્ટમ એટલી આધુનિક છે કે હવે ખેડૂતોને સાત-બાર (૭/૧૨) કે આઠ-અ (8-અ) ના ઉતારા માટે સરકારી કચેરીએ જવું પડતું નથી, બધું જ ઓનલાઇન ઉપલબ્ધ છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત મજબૂત નાણાકીય વ્યવસ્થાપન ધરાવે છે. ગુજરાતનું બજેટ હવે રૂ.4 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. ગુજરાતની આર્થિક શિસ્ત અન્ય રાજ્યો કરતા ઘણી સારી છે. ગુજરાતનો ‘કમિટેડ એક્સપેન્ડિચર’ એટલે કે પગાર, પેન્શન અને વ્યાજ માત્ર 47 ટકા છે.તેની સરખામણીમાં પંજાબ જેવા રાજ્યોમાં આ ખર્ચ 85 ટકા જેટલો ઊંચો છે.
ગુજરાતનો GSDP રેશિયો અને આવકના સ્ત્રોતો મજબૂત હોવાથી રાજ્યને વધુ દેવું લેવાની જરૂર પડતી નથી. રાજ્યમાં બુલેટ ટ્રેન, આધુનિક બસ સ્ટેશનો, એરપોર્ટ અને રેલવે સ્ટેશનોના નવીનીકરણ જેવા મોટા પ્રોજેક્ટ્સ દ્વારા નવી પેઢીને દિશા આપવામાં આવી રહી છે. સ્વચ્છતાને વધુ પ્રાધાન્ય આપવાના મંત્ર સાથે પોરબંદરને પ્રથમ ODF શહેર જાહેર કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત આજે રોકાણનું હબ બન્યું છે. વિદેશી રોકાણમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે તેમજ વાસ્તવિક રોકાણમાં પ્રથમ નંબરે છે. ગુજરાત કૃષિ અને સંશોધન ક્ષેત્રે પણ અગ્રેસર છે. તેમણે કહ્યું કે ગુજરાત સંપત્તિનું સર્જન કરનારનું હંમેશાં સન્માન કરે છે ત્યારે ગુજરાત કેમિકલ ઉત્પાદનમાં પણ અગ્રેસર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની ગિફ્ટ સિટી આર્થિક ક્ષેત્રે વિશ્વના દેશો સાથે હરિફાઈ કરી રહ્યું છે.
મંત્રીએ કહ્યું કે ડેરી ક્ષેત્રે આજે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. ગુજરાતની અમૂલ બ્રાન્ડ માત્ર રાજ્ય કે દેશ પૂરતી મર્યાદિત ન રહેતાં સમગ્ર વિશ્વમાં ગુજરાતની આગવી ઓળખ બની છે. આ જ રીતે વડાપ્રધાનના દૃષ્ટિવંત નેતૃત્વમાં સુરતનું ડાયમંડ બુર્સ મુંબઈની લગોલગ ઊભું છે. એટલું જ નહીં, ડાયમંડની એક્સપોર્ટ અને રોજગારી આપવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે.
મોઢવાડિયાએ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે રાજ્યમાં થયેલા વિકાસની વિગતો આપતાં જણાવ્યું કે દેશભરના કુલ ઉત્પાદનમાં 33 ટકા સાથે ગુજરાત પ્રથમ સ્થાને છે, જ્યારે દેશમાં સૌથી વધુ 28 ટકા નિકાસ કરનારુ રાજ્ય પણ ગુજરાત જ છે. આ જ પ્રકારે, અંદાજે ૩૭ ટકા કપાસના ઉત્પાદન સાથે ગુજરાત ટેક્સટાઇલ ઉદ્યોગનું હબ બન્યું છે.
મારુતિ સુઝુકી અને હોન્ડા જેવી કંપનીઓનાં વિશ્વના સૌથી મોટા મેન્યુફેક્ચરિંગ હબ ગુજરાતમાં આવેલા છે. આશરે 10 લાખ જેટલી કાર અને ઈલેક્ટ્રિક વ્હિકલના ઉત્પાદન સાથે મારુતિ સુઝુકીનો અમદાવાદનો હાંસલપુર પ્લાન્ટ અને વિઠલાપુર સ્થિત હોન્ડાનો પ્લાન્ટ વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરતાં પ્લાન્ટ છે. જે સ્થાનિકોને રોજગારીની સાથે સંલગ્ન લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપે છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે વિકાસના દરેક ક્ષેત્રમાં દેશમાં અગ્રેસર છે. શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે 62 હજાર કરોડ રૂપિયાનું માતબર બજેટ ફાળવ્યું છે, જે ઘણા મોટા રાજ્યોના કુલ ખર્ચ કરતાં પણ વધારે છે. સરકારની નીતિ એવી છે કે આર્થિક રીતે પછાત હોય કે SC, ST, OBC વર્ગના વિદ્યાર્થીઓનું પૈસાના અભાવે કોઈનું શિક્ષણ અટકવું ન જોઈએ.
આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ માટે 7690 કરોડ અને શહેરી વિકાસ માટે 36 હજાર કરોડની જોગવાઈ સાથે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાનું લક્ષ્ય છે.
ગુજરાતનું રોડ નેટવર્ક આજે દેશમાં સર્વશ્રેષ્ઠ છે. ભૂપેન્દ્રપટેલની સરકારમાં અમદાવાદ-રાજકોટ, રાજકોટ-દ્વારકા અને જેતપુર-સોમનાથ જેવા પાંચ મોટા એક્સપ્રેસ-વે રૂ.1 લાખ કરોડના ખર્ચે બની રહ્યા છે, જે રાજ્યની મજબૂત આર્થિક સ્થિતિ અને દીર્ઘદૃષ્ટિનો સચોટ પુરાવો છે. ટીકા કરનારાઓએ સમજવું જોઈએ કે રાજ્યનો વિકાસ ત્યારે જ થાય જ્યારે તેનું નેતૃત્વ સક્ષમ હોય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ દ્વારા વિશ્વને ઊર્જા ક્ષેત્રે નવી દિશા આપી છે, તેમાં પણ ગુજરાત આજે રિન્યુએબલ એનર્જીમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. AI- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી આધુનિક ટેકનોલોજીમાં પણ ભારત અને ગુજરાત આજે વિશ્વના નેતાઓ સાથે ખભેખભો મિલાવીને આગળ વધી રહ્યા છે, જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે તેમ મંત્રીએ ગૃહમાં જવાબ આપતાં ઉમેર્યું હતું.