ગુજરાતમાં વર્તમાન બેરોજગારીની ગંભીર સ્થિતિ અંગે ગુજરાત હાઇકોર્ટે અત્યંત માર્મિક ટિપ્પણી કરી છે. દેશના વિવિધ રાજ્યોમાં તોફાનોથી થતા જાનમાલના નુકસાન અને તેમાં પોલીસની ભૂમિકા અંગે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો જાહેરહિતની અરજી (PIL) પર સુનાવણી કરવામાં આવી હતી.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા દાખલ કરાયેલ સુઓમોટો જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે પોલીસ ભરતીના આંકડા રજૂ કર્યા હતા. આ આંકડા સાંભળીને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે સરકારને ટકોર કરતા કહ્યું કે, ફેઝ-2 ભરતી પ્રક્રિયામાં જો દસ લાખ ફોર્મ ભરાયા હોય તો તે પરથી વિચારો કે કેટલી બેરોજગારી પ્રવર્તી રહી છે.
પોલીસ ભરતીની વર્તમાન સ્થિતિ અને આંકડા
રાજ્ય સરકાર તરફથી હાઈકોર્ટમાં આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ ભરતીના ફેઝ-1માં ૧૫ લાખ જેટલા ફોર્મ આવ્યા હતા, જ્યારે ફેઝ-2માં ૧૦ લાખથી વધુ ફોર્મ ભરાયા હતા. હાલની ભરતી પ્રક્રિયાની વિગતો નીચે મુજબ છે:
- કોન્સ્ટેબલની ભરતી: વર્તમાન ભરતીમાં 10,902 કોન્સ્ટેબલની પોસ્ટમાંથી 9,724 ની નિમણૂકને મંજૂરી મળી ગઈ છે. બાકીના ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે.
- PSI ભરતી: પોલીસ વિભાગમાં PSI ની 472 જેટલી પોસ્ટ માટે લેવાયેલી લેખિત પરીક્ષામાં 82,727 ઉમેદવારો બેઠા હતા. તેનું પરિણામ ગત 26 ડિસેમ્બરે જાહેર થયું હતું, પરંતુ ઉમેદવારોની રિ-ચેકિંગની અરજીઓ આવતા હાલ પ્રક્રિયા ચાલુ છે. આ પ્રક્રિયા માર્ચ, 2029 સુધીમાં પૂર્ણ થશે.
- પ્રમોશન અને ફિઝિકલ ટેસ્ટ: છેલ્લા 16 મહિનામાં પ્રમોશન દ્વારા 12,350 જગ્યાઓ ભરવામાં આવી છે. આ ઉપરાંત, PSI સહિત કુલ 13,591 કર્મચારીઓની ભરતી માટે હાલ રાજ્યના 15 ગ્રાઉન્ડ પર ફિઝિકલ ટેસ્ટ ચાલી રહ્યા છે, જે માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે.
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે સરકારને આ ભરતી પ્રક્રિયા ચાલુ રાખવાની તાકીદ કરી છે અને કેસની વધુ સુનાવણી આગામી મે મહિનામાં મુકરર કરી છે.
કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન પેટે સરકારે રેકોર્ડબ્રેક સમયમાં કુલ રૂ. 8,740 કરોડની સહાય ચૂકવી
રોજગાર કચેરીઓમાં યુવાનોનો મોહભંગ
બીજી તરફ, ગુજરાત વિધાનસભામાં શનિવારે કોંગ્રેસના સભ્યોએ ઉઠાવેલા સવાલોના જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રીએ આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે, રાજ્યના 28 જિલ્લામાં 2.05 લાખ શિક્ષિત સહિત કુલ 2.14 લાખથી વધુ બેરોજગાર લોકો નોંધાયેલા છે.
એક દાયકા પૂર્વે રાજ્યની વિવિધ રોજગાર વિનિમય કચેરીમાં 5 લાખથી વધુ શિક્ષિત બેરોજગારો નોંધાતા હતા, અને વર્ષ 2015-16 માં આ આંકડો 6 લાખની આસપાસ હતો. પરંતુ ત્યારબાદ આ ગ્રાફ સતત નીચે આવી રહ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે રાજ્યના યુવાનોમાં એવી દૃઢ માન્યતા ઘર કરી ગઈ છે કે “રોજગાર કચેરીમાં નામ નોંધાવો કે ન નોંધાવો, નોકરી જ ક્યાં મળે છે?” નામ નોંધાવવા છતાં નોકરી મળવાની અનિશ્ચિતતા હોવાને કારણે શિક્ષિત યુવાનોના નામ નોંધાવવાના વલણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.