રૂ. 7.31 કરોડના ખર્ચે બનનારા ત્રણ માળના સ્પોર્ટસ કોમ્પલેક્સમાં
જિમ્નેશિયમ, યોગા અને વિવિધ રમતો માટે સુવિધા
શહેરના શાહપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ભવાનીસિંહ ચૌહાણ પાર્ટી પ્લોટ બંધ કરી તેની જગ્યાએ નવું અધ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે. શહેરના મધ્ય વિસ્તારમાં રૂ. 7.31 કરોડના ખર્ચે ત્રણ માળનું અધ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. જિમ્નેશિયમ, યોગા હોલ, પાર્કિંગ સહિતની સુવિધા વાળું અધ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે. પાર્ટી પ્લોટનું નવીનીકરણ કરવા માટેની મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ પાર્કિંગની સમસ્યા અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખી અને ત્યાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે શહેરના શાહપુર વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના લાલા કાકા હોલ ની બાજુમાં જ ભવાનીસિંહ ચૌહાણ પાર્ટી પ્લોટ આવેલો છે જે પાર્ટી પ્લોટ જર્જરીત હાલતમાં અને તેનું નવીનીકરણ કરવાની જરૂરિયાત હતી પરંતુ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યા બાદ ત્યાં નવું અધ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો જેના માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. દ્વારા તેની ડિટેલમાં ડિઝાઇન વગેરે તૈયાર કરવામાં આવ્યું હતું પાર્ટી પ્લોટનો વિસ્તાર કુલ 2593 ચોરસ મીટર છે જેમાં બે માળનું પાર્કિંગની સુવિધા વાળું સ્પોટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોર પર 669 ચોરસ મીટરમાં જીમનેશિયમ, યોગા હોલ, એડમીન રૂમ, લેડીસ એન્ડ જેન્ટ્સ ચેન્જ રૂમ વોશરૂમ વગેરે બનાવવામાં આવશે જ્યારે પ્રથમ માળ ઉપર 669 ચોરસ મીટર વિસ્તારમાં ટેબલ ટેનિસ કોર્ટ, કરાટે, જુડો, ડોર ગેમ અને વોશરૂમ બનાવવામાં આવશે જ્યારે બીજા માળ ઉપર 669 ચોરસ મીટર વિસ્તારમાં ડબલ હાઈટેડ બેડમિન્ટન કોર્ટ, ઇન્ડોર ગેમ્સ વગેરે કરવામાં આવશે જ્યારે ત્રીજા માળ ઉપર પણ આટલા ચોરસ મીટરમાં વોશ રૂમ સાથેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. 857 ચોરસ મીટરમાં ટુ-વ્હીલર અને ફોરવીલર પાર્કિંગ સહિતની સુવિધાઓ હશે. ગ્રીન સ્પેસ એરિયા પણ રાખવામાં આવશે. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં 7.31 કરોડના ખર્ચે અધ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે જેથી આગામી બે વર્ષમાં આ જગ્યા પર નવું સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થશે જેનાથી શાહપુર દરીયાપુર સહિતના વિસ્તારના એક લાખથી વધુ યુવાનોને લાભ થશે.

