કુવૈતમાં અમેરિકન ફાઈટર જેટ F-15 ક્રેશ થયું; જે ઈરાને તોડી પાડ્યાની આશંકા; બેરુતમાં ઈઝરાયલના હુમલા

Spread the love

 

મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ ફાટી નીકળ્યું છે. અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પરના હુમલાનો આજે બીજો દિવસ છે અને સ્થિતિ પળેપળે વધુ ભયાનક બની રહી છે. ઈરાને વળતા પ્રહારમાં કુવૈત અને બહેરીન જેવા દેશોમાં અમેરિકી સૈન્ય ઠિકાણાઓને નિશાન બનાવ્યા છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકાને મોટો ઝટકો લાગ્યો છે. કુવૈતમાં અમેરિકન ફાઈટર જેટ F-15 ક્રેશ થઈ ગયું છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વિમાનને તોડી પાડવામાં આવ્યું છે જેની પાછળ ઇરાનનો હાથ હોઈ શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની ગંભીરતાને લઈને વોશિંગ્ટન પોસ્ટ (The Washington Post) ના અહેવાલમાં કેટલાક ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે. પેન્ટાગોન અને ટ્રમ્પ વહીવટીતંત્રના સભ્યોમાં એવી આશંકા વધી રહી છે કે ઈરાન સાથેનું આ યુદ્ધ “નિયંત્રણ બહાર” (Spiral out of control) જઈ શકે છે. અમેરિકી સૈન્ય નેતાઓ ચિંતિત છે કે જો આ લડાઈ આગામી કેટલાક અઠવાડિયા સુધી સતત ચાલતી રહેશે, તો તેનાથી અમેરિકાના હવાઈ સંરક્ષણ (Air Defense) ના સાધનો અને ઈન્વેન્ટરી પર મોટું દબાણ આવી શકે છે. લાંબા સમય સુધી ચાલનારા સંઘર્ષને કારણે સંસાધનોની અછત સર્જાય તેવી શક્યતાને પગલે સૈન્ય વ્યૂહરચનાકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઈરાન સમર્થક હિઝબુલ્લાહ સંગઠન પણ હવે આ યુદ્ધમાં ખુલીને સામે આવી જતાં ઈઝરાયલ પર બેફામ હુમલા કરી રહ્યું છે. તેના બાદથી ઈઝરાયલે પણ હિઝબુલ્લાહને ટારગેટ કરતાં વળતો પ્રહાર કર્યો છે. આ દરમિયાન ઈઝરાયલ તરફથી લેબેનોનમાં બેરુત શહેરને ખાલી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો જેથી નાગરિકોની જાનહાનિ ટાળી શકાય. ઈઝરાયલના આદેશને પગલે બેરુતમાં નાસભાગ જેવી અફરાતફરી સર્જાઈ હતી અને ભયાનક ટ્રાફિક જામીના દૃશ્યો સર્જાયા હતા. સાઈપ્રસે પુષ્ટી કરી છે કે અમારે ત્યાં એક બ્રિટિશ સૈન્ય ઠેકાણે ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. જોકે તેનાથી કોઈ મોટું નુકસાન થયું નથી. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ પણ નથી. આ ઘટના પ્રાદેશિક સુરક્ષા અને રાજકીય સ્થિરતાના સંદર્ભમાં ચિંતાનો વિષય બની ગયા છે. બીજી બાજુ ફ્રાન્સે આ યુદ્ધમાં અમેરિકા અને ઈઝરાયલને ટેકો કરતાં યુદ્ધજહાજ રવાના કરી દીધું છે જે મધ્યપૂર્વમાં યુદ્ધની સ્થિતિને વધુ ભડકાવનારું પગલું સાબિત થઇ શકે છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઈરાન વિરુદ્ધ એર સ્ટ્રાઈકનો વીડિયો શેર કર્યો હતો. જેમાં ઈરાની એરબેઝ, મિસાઈલ લોન્ચ સાઈટ, ડ્રોન સાઇટ અને અન્ય સૈન્ય ઈમારતો પર હુમલો બતાવાયો છે. ઉલ્લેખનીય છે કે ખામેનેઈના મોત બાદ લેબેનોનના હિઝબુલ્લાહ સંગઠને પણ ઈઝરાયલ અને અમેરિકાના ઠેકાણાઓને નિશાન બનાવતા રોકેટ અને મિસાઈલ હુમલા કરવાનું શરુ કરી દીધું છે જેના લીધે ઈઝરાયલની મુશ્કેલી વધી ગઈ હતી. જોકે હવે ઈઝરાયલે તેમના હુમલાનો જવાબ આપતા લેબેનોનની રાજધાની બેરુતમાં પ્રચંડ હુમલો કર્યો હતો જેના દૃશ્યો સામે આવ્યા છે.
ઈરાને કુવૈતમાં અમેરિકી સૈન્ય મથકો પર અનેક ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલો દાગી છે. IRGCનો દાવો છે કે તેમણે કુવૈતનું ‘અલી અલ-સલેમ’ એરબેઝ સંપૂર્ણપણે બંધ કરાવી દીધું છે. બીજી તરફ, UAEમાં હુમલાના કારણે એમેઝોનની ક્લાઉડ યુનિટ AWS ના ડેટા સેન્ટરમાં આગ લાગી છે, જેનાથી ઈન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાઈ છે. બહેરીનમાં પણ અમેરિકી નૌકાદળના અડ્ડા પર હુમલા બાદ આકાશમાં કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ ઈરાનના 9 મોટા નૌસૈનિક જહાજો ડુબાડી દીધા છે અને તેમનું નેવી હેડક્વાર્ટર ધ્વસ્ત કરી દીધું છે. ટ્રમ્પે એક ઈન્ટરવ્યુમાં સંકેત આપ્યો કે આ ઓપરેશન આગામી 4 અઠવાડિયા કે તેથી ઓછા સમયમાં પૂર્ણ કરી લેવામાં આવશે. અત્યાર સુધી અમેરિકાએ ઈરાનના 1000 થી વધુ ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો છે.ઈઝરાયલી સેનાએ રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ તેહરાન પર મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં એક હોસ્પિટલ અને ઈરાનના સરકારી ટીવી મુખ્યાલયને નુકસાન થયું છે, જેના કારણે ટીવી પ્રસારણ બંધ થઈ ગયું છે. નેતન્યાહુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “અમે આતંકી શાસનને જડમૂળથી ઉખેડી નાખવાનું વચન આપ્યું હતું અને તે અમે કરીને જ રહીશું.”ઈરાનના IRGC એ દાવો કર્યો છે કે તેમના મિસાઈલ અને ડ્રોન હુમલામાં અત્યાર સુધીમાં 560 અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. તેમણે અમેરિકન યુદ્ધ જહાજ ‘USS અબ્રાહમ લિંકન’ પર ચાર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હોવાનું પણ જણાવ્યું છે, જોકે અમેરિકાએ આ દાવાને નકારી કાઢ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *