વડોદરામાં ICICI બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં અજાણ્યા શખ્સે 200ના દરની 7 ડુપ્લિકેટ નોટ જમા કરાવી, મેનેજરે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરી

Spread the love

 

 

કેટલાક તત્વો દ્વારા નકલી ચલણી નોટો ઘુસાડીને ભારતીય અર્થતંત્રને ખોખલુ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ICICI બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં રૂ. 200ની 7 નકલી નોટ જમા થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેને પગલે બેંક મેનેજરે આ મામલે DCB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
ICICI બેંકની વાઘોડિયા રોડ શાખાના બ્રાન્ચ મેનેજર હીરેનભાઈ રમણીકલાલ શાહ (ઉંમર.37)એ DCB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, અમારી બેંકની શાખામાં ત્રણ CDM મશીનો છે, જેમાં ગ્રાહકો 24 કલાક રોકડ જમા કરી શકે છે અને ઉપાડ પણ કરી શકે છે. આ મશીનોનું કેશ પ્રોસેસિંગ અને મેન્ટેનન્સનું કામ વેન્ડર કંપની CMS સર્વિસ પ્રા. લિ. કરે છે, જેનું કેશ પ્રોસેસિંગ સેન્ટર અટલાદરા ખાતે આવેલું છે. તા. 24 ફેબ્રુઆરીના રોજ કેશ પ્રોસેસિંગ સેન્ટરના હેડ સૌરભપ્રસાદે બેંકને ઈમેલ કરીને જણાવ્યું હતું કે, CDM મશીનમાં રૂ. 200ની 7 નોટો ડુપ્લિકેટ તરીકે નીકળી છે.
વેન્ડર કંપનીના કર્મચારી વિપુલ ગોસાઈએ બેંકને જણાવ્યું હતું કે, આ નોટો સાથે એક સ્લિપ મળી છે, જેમાં કસ્ટમર કોડ અને ડુપ્લિકેટ નોટોના નંબરો લખેલા છે. બેંકની સેન્ટ્રલ ટીમની તપાસમાં ખુલાસો થયો કે, આ ડિપોઝિટ સ્વિગી કંપનીના કસ્ટમર કોડવાળા શખ્સ CDM મશીનમાં રૂપિયા જમા કરાવવા આવ્યો હતો. જેમાં કુલ રૂ. 1700 જમા કરાવવામાં આવ્યા હતા, જેમાંથી રૂ. 300 એકાઉન્ટમાં જમા થયા, પરંતુ રૂ. 1400 (રૂ. 200ના દરની 7 નોટ) રિજેક્ટ થઈને રિજેક્શન ટ્રેમાં રહી ગયા હતા.
બેંકે CCTV ફૂટેજ તપાસતાં તા. 14 ફેબ્રુઆરી રાત્રે 10:17 વાગ્યે એક અજાણ્યા વ્યક્તિને મશીનમાં રોકડ જમા કરતો જોવા મળ્યો છે. આ નોટો પર ‘કાઉન્ટરફિટ બેન્કનોટ ઇમ્પાઉન્ડેડ ICICI બેંક લિમિટેડ’ અને ‘ફોર્જ્ડ નોટ ઇમ્પાઉન્ડેડ ICICI બેંક લિમિટેડ વાઘોડિયા બ્રાન્ચ’ના સ્ટેમ્પ મારેલા છે. નોટો પર RBIના સામાન્ય મુદ્રણ અને સુરક્ષા લક્ષણો છે, પરંતુ તે બનાવટી હોવાનું પુષ્ટિ થઈ છે.
RBIના નિયમો અનુસાર 5 કે, તેથી વધુ નકલી નોટો મળવા પર કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર પડે છે. આથી બેંકે આ 7 નકલી નોટો સાથે DCB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને ડિપોઝિટ કરનાર વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *