ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી મોટા મની લોન્ડરિંગ કેસ (Money Laundering) નો પર્દાફાશ થયો છે. એક સામાન્ય તપાસથી શરૂ થયેલો આ કેસ હવે 550 કરોડ રૂપિયાના મહાકૌભાંડમાં ફેરવાઈ ગયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક 28 વર્ષીય રેપિડો બાઈક ચાલકની ધરપકડ કરી છે, જે આખા રેકેટનો મહત્વનો હિસ્સો સાબિત થયો છે.
કોણ છે આ પ્રદીપ ઓડ?
આરોપી પ્રદીપ ઓડ, જે દિવસભર રેપિડો બાઈક ચલાવીને મહિને માંડ 10 થી 12 હજાર રૂપિયા કમાતો હતો, તેના બેંક ખાતાઓમાં કરોડો રૂપિયાની ઉથલપાથલ જોઈને તપાસ એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી. તેના પર આરોપ છે કે તેના બેંક ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજીના નાણાં અને શેરબજારમાં હેરાફેરી કરવા માટે થતો હતો. જોકે, પ્રદીપે આ મામલે કબૂલાત કરતા દાવો કર્યો છે કે તેને માત્ર બેંક ખાતું ખોલાવવાના બદલામાં 25,000 રૂપિયા અને ચેક પર સહી કરવાના 400 રૂપિયા મળતા હતા; વાસ્તવમાં તેને એ વાતની જાણ પણ નહોતી કે તેના નામે રહેલા ખાતામાં કરોડોનું જંગી ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે.
ત્રણ બોગસ કંપનીઓ અને 550 કરોડનો વહીવટ
ED ની તપાસમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં આરોપીના નામે અને ડમી દસ્તાવેજોના આધારે કુલ ત્રણ બોગસ કંપનીઓ ખોલવામાં આવી હતી. આ કંપનીઓમાં પ્રદીપ એન્ટરપ્રાઇઝ ઉપરાંત કમલેશ કુમાર કલાલના નામે ‘કમલેશ ટ્રેડિંગ’ અને રોનક રમેશ ઓડના નામે ‘રોનક ટ્રેડર્સ’નો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ કથિત રીતે નાણાકીય ગેરરીતિઓ માટે કરવામાં આવ્યો હતો.
વર્ષ 2024માં માત્ર એક જ વર્ષની અંદર આ કંપનીઓના ખાતામાં કુલ 550 કરોડ રૂપિયા જમા અને ઉધાર થયા હતા. આ નાણાંનો ઉપયોગ ગેરકાયદે સટ્ટાબાજી (જેમ કે 1xBet), શેરના ભાવ કૃત્રિમ રીતે વધારવા અને અંગત ખર્ચાઓ માટે કરવામાં આવ્યો હતો.
શેરબજારમાં મોટું કૌભાંડ
આ નેટવર્ક દ્વારા પેની સ્ટોક એટલે કે સાવ સસ્તા શેરના ભાવ રાતોરાત કૃત્રિમ રીતે વધારી દેવામાં આવતા હતા. ઉદાહરણ તરીકે જોઈએ તો, એક કંપનીના શેરના ભાવમાં માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં 10000% જેટલો તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો, જેને પગલે સેબી (SEBI) એ તાત્કાલિક અસરથી તેનું ટ્રેડિંગ સસ્પેન્ડ કરી દીધું હતું. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે મુરાય ઓર્ગેનાઇઝર લિમિટેડ અને પ્રધાન લિમિટેડ જેવી કંપનીઓના શેરમાં મોટાપાયે શંકાસ્પદ રોકાણ કરવામાં આવ્યું હતું.
Money Laundering: મુખ્ય સુત્રધાર કોણ?
તપાસમાં સામે આવ્યું છે કે આ આખું રેકેટ કિરણ પરમાર ઉર્ફે લાલા ચલાવતો હતો. મહાદેવ, જુગલ, રવિ અને જીવરાજ નામના શખ્સો પણ સિમ કાર્ડ અને બેંક ખાતા મેનેજ કરવામાં મદદ કરતા હતા. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને થોડા પૈસા આપી તેમના નામે ખાતા ખોલાવી આ કૌભાંડ આચરવામાં આવતું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હવે BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.