મધ્ય પૂર્વમાં ઈરાન અને અન્ય દેશો વચ્ચે વધતા જતા યુદ્ધના તણાવને કારણે સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં વસતા હજારો ભારતીયો પોતાના વતન પરત ફરવા માટે વલખા મારી રહ્યા છે. પરંતુ આ કપરા સમયમાં માનવતા દાખવવાને બદલે કેટલીક ખાનગી એરલાઇન્સ કંપનીઓ સામાન્ય જનતાની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવી ‘ઉઘાડી લૂંટ’ ચલાવી રહી હોવાની વિગતો સામે આવી છે.
દુબઈથી ભારત પરત આવવા માંગતા મુસાફરોએ આક્ષેપ કર્યો છે કે સ્પાઈસ જેટ એરલાઇન્સ મુસાફરો પાસેથી મનસ્વી રીતે ભાડું વસૂલી રહી છે. સામાન્ય દિવસોમાં દુબઈથી મુંબઈનું જે ભાડું 10 થી 15 હજાર રૂપિયાની આસપાસ હોય છે, તે અત્યારે વધીને 87,000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. યુદ્ધના ભય વચ્ચે વતન આવવા મજબૂર બનેલા મધ્યમ વર્ગીય પરિવારો માટે આટલી મોટી રકમ ખર્ચવી અશક્ય બની રહી છે.
તાજેતરમાં જ દુબઈથી મુંબઈ પરત ફરેલા મુસાફરોએ એરપોર્ટ પર પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ત્યાં સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ છે. અમે ગમે તેમ કરીને વતન પહોંચવા માંગતા હતા, પરંતુ એરલાઇન્સે તકનો લાભ ઉઠાવી ટિકિટના ભાવમાં રાતોરાત વધારો કરી દીધો છે. અમારે મજબૂરીમાં એક ટિકિટના 87,000 રૂપિયા ચૂકવવા પડ્યા છે. આ મદદ કરવાનો સમય છે કે લૂંટવાનો?
એક તરફ જ્યારે ભારતીયો વિદેશમાં મુસીબતમાં મુકાયા છે, ત્યારે ભારત સરકાર અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય આ મામલે મૌન સેવી રહ્યા હોય તેવું જણાય છે. ફ્લાઈટના ટિકિટ દરો પર સરકારનું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ જોવા મળી રહ્યું નથી. મુસાફરોનો આરોપ છે કે સરકાર ખાનગી એરલાઇન્સની આ મનમાની સામે ‘મૂક પ્રેક્ષક’ બનીને તમાશો જોઈ રહી છે. આવી કટોકટીની સ્થિતિમાં એરલાઇન્સ પર લગામ કસવાને બદલે તેમને ખુલ્લો દોર આપવામાં આવ્યો હોવાની લાગણી લોકોમાં પ્રવર્તી રહી છે.
હજારો ભારતીયો હજુ પણ દુબઈ અને અન્ય ખાડી દેશોમાં ફસાયેલા છે. જે લોકો પાસે પૂરતા નાણાં નથી, તેઓ એરપોર્ટ પર રાતો વિતાવી રહ્યા છે અને સસ્તી ટિકિટની આશા રાખી રહ્યા છે. જો સરકાર દ્વારા તાત્કાલિક દખલગીરી કરવામાં નહીં આવે અને એરલાઇન્સને હાડે હાથ લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. યુદ્ધ જેવી સ્થિતિ વખતે જ્યારે લોકોના જીવ જોખમમાં હોય ત્યારે વ્યવસાયિક નફો બાજુ પર રાખીને સેવાભાવ દર્શાવવો જોઈએ. શું સરકાર સ્પાઈસ જેટ જેવી એરલાઇન્સ સામે કોઈ કડક કાર્યવાહી કરશે? કે પછી સામાન્ય ભારતીયો આ જ રીતે ‘લૂંટાતા’ રહેશે? તે જોવું રહ્યું.