આખા ગુજરાતમાં સાયબર ફ્રોડના ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના હાઉઝટ સ્પોર્ટ કોર્નર નામની દુકાન ધરાવતા 62 વર્ષીય સંદીપ ગાંધી નામના વેપારીએ અજાણ્યા whatsapp નંબર ધારક વિરુદ્ધ રાજકોટ શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બીએનએસની કલમ 318 (4), તેમજ આઇટી એક્ટ સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો છે.
પોલીસને આપેલી ફરિયાદમાં સંદીપ ગાંધીએ જણાવ્યું છે કે, 26 ડિસેમ્બર 2025 ના રોજ અજાણ્યા whatsapp નંબર ધારક દ્વારા મને મારા whatsapp નંબર પર RTO TRAFFIC CHALLAN નામની એપ્લિકેશનની ફાઈલ મોકલવામાં આવી હતી. મને લાગ્યું હતું કે, મારા વાહનનો આરટીઓનું ચલણ આવેલું છે. તે જોવા માટે મેં ફાઈલ ઓપન કરી ડાઉનલોડ કરી હતી. પરંતુ તેમાં કંઈ બતાવતું ન હતું અને મારો મોબાઈલ ફોન હેંગ થઈ ગયો હતો.
આ દરમિયાન છ જાન્યુઆરી 2026ના રોજ હું મારી દુકાન ખાતેથી બેન્કમાં 41 હજાર રૂપિયાનો ચેક જમા કરાવવા ગયો હતો. તેમજ દુકાને પરત આવ્યો ત્યારે મારા બેન્ક એકાઉન્ટમાંથી મને અલગ અલગ ટ્રાન્ઝેક્શન થયા હોવાનો મેસેજ મળ્યો હતો. મારા બેન્ક એકાઉન્ટમાંથી કુલ ચાર જેટલા ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું હતું. અંતર્ગત કુલ 10,87,790 જેટલી રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી તે સંદર્ભે મેં 1930 પર જાણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પોલીસ વિભાગ દ્વારા અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી આપવામાં આવે છે કે, અજાણ્યા નંબર પરથી આવેલ ફાઈલ ડાઉનલોડ કરશો નહીં. તેમજ છેલ્લા ઘણા સમયથી સાયબર ફ્રોડ સાથે સંકળાયેલી ગેંગ લોકોને તેમના વોટ્સએપ નંબર પર RTO Challan નામની એપ્લિકેશન મોકલીને તેમના બેન્ક ખાતાનું એક્સેસ મેળવીને તેમાંથી અન્ય ખાતાઓમાં પૈસાઓ ટ્રાન્સફર કરે છે. ત્યારે લોકોએ આ પ્રકારના ફ્રોડથી બચવા માટે સતર્ક રહેવું આવશ્યક છે.