ઈરાન યુદ્ધની સૌથી મોટી અસર સૌરાષ્ટ્રના આ બિઝનેસ પર પડી, 10 દિવસમાં આવી પડશે મોટું સંકટ

Spread the love

 

ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગુજરાતની સીફુડ ઇન્ડસ્ટ્રી પર પડી છે. છેલ્લા કેટલાક દિવસોમાં એક્સપોર્ટ માટે ઉપયોગમાં લેવાતા કન્ટેનરના ભાડામાં ભારે વધારો થયો છે. તો બીજી તરફ, વિદેશમાંથી આવતા કન્ટેનરોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. આ કારણે ગુજરાતની સીફુડ કંપનીઓ અને દરિયાકાંઠાના માછીમારોમાં ચિંતામાં મૂકાયા છે.

વિદેશથી આવતા કન્ટેનરોની સંખ્યામાં પણ ઘટાડો
ગુજરાત દરિયાકાંઠા પર આધારિત સીફુડ એક્સપોર્ટ ઈન્ડસ્ટ્રી માટે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. દર વર્ષે ગુજરાતમાંથી અંદાજે 7 હજારથી વધુ કન્ટેનરોમાં લગભગ દોઢ લાખ ટન જેટલો સીફુડ ખાડી દેશો સહિત અનેક દેશોમાં નિકાસ થાય છે. પરંતુ છેલ્લા ત્રણથી ચાર દિવસમાં શિપિંગ કન્ટેનરના ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે. સાથે જ વિદેશથી આવતા કન્ટેનરોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે, જેના કારણે એક્સપોર્ટ પર અનિશ્ચિતતા ઉભી થઈ છે.

કન્ટેનર રેટમાં લગભગ 15 થી 20 ટકા વધારો થયો
આ વિશે સી ફૂડ એક્સપોર્ટ એસો. ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ જગદીશ ફોફંડી જણાવે છે કે, હાલમાં કન્ટેનર રેટમાં લગભગ 15 થી 20 ટકા વધારો થયો છે અને જો પરિસ્થિતિ યથાવત રહેશે તો આ વધારો 30 થી 60 ટકા સુધી પહોંચી શકે છે. ગુજરાતના એક્સપોર્ટ યુનિટો નાના હોવાથી અને કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા સીમિત હોવાથી વધુ મુશ્કેલી ઊભી થઈ શકે છે.”

પરિસ્થિતિ નહિ સુધરે તો સીફૂડ સ્ટોરેજ ફુલ થઈ જશે
ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ જો આગામી 10 દિવસમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ સુધરે નહીં તો સીફુડ કંપનીઓના કોલ્ડ સ્ટોરેજ ફુલ થઈ જવાની શક્યતા છે. જેના કારણે તૈયાર માલની નિકાસ અટકી શકે છે અને ઉદ્યોગને આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે. સાથે જ માછલી એવી વસ્તુ છે, જે લાંબો સમય ટકી રહી શકે નહિ. તેથી માછલીઓના ખરાબ થઈ જવાની શક્યતાઓ વધારે છે.

 

 

રોજગારી મેળવતા હજારો લોકો પર અસર
સામાન્ય રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં માછલીની આવક ઓછી હોય છે, પરંતુ માર્ચ મહિનાથી દરિયામાં માછલીનું ઉત્પાદન વધતું હોય છે. આવી સ્થિતિમાં જો નિકાસ વ્યવસ્થા ખોરવાય તો તેની સીધી અસર દરિયાકાંઠાના માછીમારો અને સીફુડ ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો લોકો પર પડશે.

જો આગામી દિવસોમાં ખાડી દેશોમાં ચાલી રહેલી પરિસ્થિતિમાં સુધારો નહીં આવે તો ગુજરાતની સીફુડ ઇન્ડસ્ટ્રી માટે આ મોટી આર્થિક પડકારરૂપ સ્થિતિ બની શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *