પિતાએ દીકરી-પ્રેમીને મોતને ઘાટ ઉતારી લાશો કૂવામાં ફેંકી દીધી

Spread the love

જેમાં નાના અંગીયા અને ખાંભલા ગામના યુવક-યુવતી ભાગી ગયા બાદ યુવતીના પિતાએ ફોસલાવી બન્નેને પરત બોલાવ્યા હતા. જે બાદ યુવતીના પિતાએ પોતાના ભાણેજ સાથે મળી બન્નેની ગળુ દબાવી હત્યા નીપજાવી હતી અને સીમમાં આવેલા કુવામાં મૃતદેહો નાખી દીધા હતા.

આ મામલે નખત્રાણા પોલીસ મથકે યુવક અને યુવતીની ગુમનોંધ લખાયા બાદ પોલીસે યુવતિના પિતાની ઉલટ તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી અને ડબલ મર્ડરની ઘટના પરથી પરદો ઉચકાતા શુક્રવારે 39 દિવસ બાદ બન્નેના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જે મામલે આરોપી પિતા અને તેના ભાણેજને રાઉન્ડઅપ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા તાલુકાના ખાંભલા ગામની 19 વર્ષીય યુવતી નાથીબેન ઉર્ફે સોનુ વંકા રબારી અને નાના અંગીયા ગામના 21 વર્ષીય નવીન જીવાભાઈ રબારીની ગળુ દબાવી હત્યા કરી દેવામાં આવી હતી. સમગ્ર મામલે નખત્રાણા પોલીસ મથકના પીઆઈ જે.ડી.સરવૈયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, બન્ને યુવક-યુવતી વચ્ચે પ્રેમસબંધ હોતા ગત 3 ફ્રેબ્રુઆરીના તેઓ ભાગી ગયા હતા.

રાત્રે આઠ વાગ્યા સુધી દીકરી ઘરે ન આવતા યુવતીના પિતાએ તેની તપાસ કરી હતી ત્યારે યુવક અને યુવતી કોટડા(જ)થી મળી આવ્યા હતા. જે બાદ યુવતીના આરોપી પિતા વંકા પના રબારી અને તેના ભાણેજ પબા ગાભા રબારીએ બન્નેને ફોસલાવી પરત બોલાવ્યા હતા અને ખાંભલા-કોટડા ગામની વચ્ચે રોડ નજીક બન્નેનું ગળુ દબાવી હત્યા કરી દીધી હતી.

જે બાદ વારાફરતી બન્નેના મૃતદેહને બાઈક પર ઉઠાવી સીમ વિસ્તારમાં આવેલા 100 ફૂટ ઊંડા કુવામાં નાખી દઈ પુરાવાનું નાશ કર્યો હતો. પોલીસે ગુમનોંધને આધારે આ મામલે તપાસ હાથ ધરી બન્નેના પરિવારજનોની પૂછપરછ કરી હતી. એ દરમિયાન યુવતીના પિતા પર પોલીસને શંકા ગઈ હતી અને ઉલટ તપાસ કરતા ડબલ મર્ડરની ઘટના પરથી પડદો ઉચકાયો હતો.

જે બાદ નખત્રાણાના ઇન્ચાર્જ ડીવાયએસપી ગૌતમ વિવેકાનંદ, નખત્રાણા એસડીએમની હાજરીમાં પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમે શુક્રવારે ખાંભલા ગામની સીમમાં આવેલ કુવામાં શોધખોળ હાથ ધરતા હત્યાના 39 દિવસ બાદ મૃતક પ્રેમી યુગલના મૃતદેહ મળી આવ્યા હતા.

જેને કુવામાંથી બહાર કાઢી પોલીસે સ્થળ પર પંચનામું કરી બન્ને આરોપીઓને રાઉન્ડઅપ કરી લઇ હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ મામલાના મૃતક યુવાનના ભાઇનું ગત તા. 28-10-2025 માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ટૂંકા ગાળામાં બે પુત્રો ગુમાવતા પિતા પર આભ ફાટ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *