શહેરમાં ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનના કામ લબડી ગયા, અડધી દાઢી મૂકીને એજન્સી ગાયબ

Spread the love

 

ગાંધીનગરમાં ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી ઇવી પોલિસીને પ્રથમ ગ્રાસે જ મક્ષીકા જેવો ઘાટ થયો છે.

આ પોલિસી હેઠળ શહેરમાં 15 સ્થળોએ ઇવી ચાર્જીંગ સ્ટેશનો અને બેટરી સ્વાઇપીંગ સ્ટેશન ઉભા કરવા માટે ટેન્ડર આપવામાં આવ્યાના બે વર્ષ બાદ પણ આ મામલે કોઇ પ્રગતિ થઇ નથી. હાલ આ સમગ્ર પ્રોજેક્ટ ડખામાં પડ્યો છે.

ઉંચા ભાવ ભરીને ટેન્ડર લેનાર એજન્સી ચાર સ્ટેશનો બનાવ્યા બાદ કામગીરી અધૂરી છોડીને પલાયન થઇ ગઇ છે. જે ચાર સ્ટેશનો શરૂ કરાયા હતા એ પણ હાલમાં બંધ છે.

એજન્સી દ્વારા કોઇ પ્રતિભાવ નહીં મળતા આખરે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરની શરતોના ભંગ બદલ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરીને એચ-2 ટેન્ડર ભરનાર અદાણી ટોટલ એનર્જીસ ઇમોબિલિટી કંપનીને શહેરમાં કુલ 15 ઇ- ચાર્જિંગ સ્ટેશનોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની કામગીરી સોંપવા કવાયત હાથ ધરવામાં આવી છે.

શહેરમાં ઇવી ચાર્જિંગ સ્ટેશનનું માળખુ તૈયાર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયાના અંતે માર્ચ 2024માં NCELL EMOBILITY કંપનીને પ્રથમ તબક્કે 5 સ્થળોએ ચાર્જીંગ સ્ટેશન ઉભા કરવાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.

કંપનીએ જુલાઇ 2025થી મહાનગરપાલિકાને ટેન્ડરની શરત મુજબ રેવન્યુ શેરીંગની રકમ ચૂકવવાનું પણ બંધ કરી દીધું હતું.

મહાનગરપાલિકા દ્વારા આ કંપની સાથે પત્રવ્યહાર, ઇમેઇલ અને ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઇ પ્રતિભાવ મળતો નથી. કંપનીની ઓફિસ પણ બંધ થઇ ગઇ હોવાનું જણાયું છે.

કંપનીએ શરૂ કરેલા 4 ચાર્જિંગ સ્ટેશનો પણ બંધ છે. જેથી હવે મહાનગરપાલિકા દ્વારા આ કંપની સાથેના કરાર પૂર્ણ કરીને તેની ડિપોઝીટ જપ્ત કરાશે. તેણે ઉભા કરેલા ચાર્જિંગ સ્ટેશન પણ સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવશે. ટેન્ડરમાં એચ-2 આવેલી અદાણી કંપની સાથે પરામર્શ શરૂ કર્યો છે. જે માટે કમિશનરને સત્તા આપવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

પોલિસીમાં મહત્ત્વના બે વર્ષ બગાડ્યા છતાં માત્ર રૂ. 6 લાખની ડિપોઝિટ જપ્ત કરાશે

મહાપાલિકા દ્વારા ઇવી પોલિસી હેઠળ માળખુ ઉભું કરવા આ ટેન્ડર આપ્યું હતું. બે વર્ષ સુધી આ કંપનીએ કામમાં ગંભીર બેદરકારી દાખવી છતાં કોઇ પગલાં લેવાયા નહીં, 8 મહિનાથી મહાપાલિકાને શેરીંગની રકમ જમા કરાવી નથી. બંને વર્ક ઓર્ડરની શરતોનું પાલન કર્યું નથી, વીજ બિલ પણ ભર્યું નથી. આટલી ગંભીર બેદરકારી છતાં મહાપાલિકા દ્વારા માત્ર ડિપોઝિટ જપ્ત કરાશે જે ફક્ત 6 લાખ છે. આ સિવાય ભવિષ્યના ટેન્ડરમાં NCELL EMOBILITY કંપનીને પ્રતિબંધિત કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *