Gj 18 આઈબી નો અધિકારી કેતન 80000 ની લાંચ લેતા ઝડપાયો, પ્રથમ વખત એસીબી ની જાળમાં મોટો પોપટ આવ્યો

Spread the love

 

ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આજે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગોઠવવામાં આવેલા એક છટકામાં સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરોમાં ફરજ બજાવતો એક અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. સાણંદ સેન્ટરના સિનિયર ઇન્ટેલીજન્સ ઓફીસર કેતન ગીરીશભાઇ દવેએ એક જાગૃત નાગરિકના પોલીસ પ્રોટેક્શનને રીન્યુ કરવા માટે પોઝિટિવ અભિપ્રાય આપવાના બદલામાં 80 હજાર રૂપિયાની માંગણી કરી હતી, જે રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને દબોચી લીધો છે. ગુજરાતમાં આ કદાચ IBનો પ્રથમ PI હશે જે લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હોય.

પોલીસ પ્રોટેકશનની અરજી બાબતે સકારાત્મક અભિપ્રાય આપવા બદલ લાંચ માગી

આ કેસની વિગત એવી છે કે, ફરિયાદીને અગાઉથી જ પોલીસ પ્રોટેક્શન મળેલું હતું. આ પ્રોટેક્શનની મુદ્દત વધારવા એટલે કે રીન્યુ કરાવવા માટે ફરિયાદીએ વિધિવત અરજી કરી હતી. આ સરકારી પ્રક્રિયાના ભાગરૂપે આરોપી કેતન દવેએ આ અરજી પર સકારાત્મક અભિપ્રાય મોકલી આપવા માટે ફરિયાદી પાસે નાણાંની માંગ કરાઈ હતી.

તેણે પોઝીટીવ અભિપ્રાય આપવા ફરિયાદી પાસે 80,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જોકે જાગૃત નાગરિકે આ લાંચ આપવાને બદલે ગાંધીનગર એસીબી એકમનો સંપર્ક સાધી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેના પગલે ગાંધીનગર એસીબી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

80 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો આ દરમિયાન ગાંધીનગરના સરગાસણ ચોકડી પાસે આવેલા સૌરાષ્ટ્ર ગાંઠીયા રથની સામે રોડ પર જ્યારે ફરિયાદી પોતાની ગાડીમાં હાજર હતા.ત્યારે આરોપી કેતન ત્યાં પહોંચ્યો હતો.

બાદમાં ગાડીની અંદર જ આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી. જેવી આરોપીએ 80 હજારની રકમ હાથમાં લીધી તેવી જ વોચમાં રહેલી એસીબીની ટીમે ત્રાટકીને તેને રંગેહાથ પકડી લીધો હતો.

આ સમગ્ર ટ્રેપની કામગીરી ગાંધીનગર એસીબી એકમના ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચાવડા દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં મદદનીશ નિયામક એ.કે. પરમારના સુપરવિઝન હેઠળ અને અમદાવાદના નાયબ નિયામક હરેશ મેવાડાના

કેતન દવે હાલ સાણંદ સેન્ટર ખાતે કાર્યરત

આ અંગે સૂત્રોએ જણાવ્યું કે, ફરિયાદી એક રાજકીય વ્યક્તિ છે. જેમના પોલીસ પ્રોટેક્શન માટેની મુદત વધારવા માટે અરજી કરવામાં આવી હતી. જે અરજીના પોઝિટિવ અભિપ્રાય માટે દવે કેતને લાંચ માંગી હતી. વર્ષ 2010માં કેતન પોલીસ ખાતામાં પીએસઆઇ તરીકે જોડાયો હતો. બાદમાં પ્રમોશન મેળવીને પોલીસ ઇન્સ્પેક્ટર બન્યો હતો. જે હાલમાં અમદાવાદ રિજિયન સાણંદ સેન્ટર ખાતે એક ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સિનિયર ઈન્ટેલિજન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.

ડીવાયએસપીનું પ્રમોશન મળે તે પહેલા જ એસીબીની ટ્રેપમાં ફસાયો

આ અંગે સૂત્રોએ કહ્યું કે, ઈન્ટેલિજન્ટ બ્યુરોનો લાંચિયો પીઆઇ કેતન દવે સરગાસણ ટીપી 9 ખાતે શાંતિવિલા બંગલોની સામે આવેલી સેન્ટ્રોઈડ વિન્ટેજ નામની સોસાયટીમાં રહે છે. હાલમાં ગાંધીનગરની ટીમ દ્વારા તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન રોકડ રકમ, દાગીના ઉપરાંત તેની પ્રોપર્ટી સહિતની નાનામાં નાની તપાસ કરવામાં આવી રહી છે. ફરિયાદી એક સામાજિક કાર્યકર તેમજ રાજકીય ક્ષેત્રે પણ સંકળાયેલો છે. જેણે પોતાના વતન સાણંદમાં પોલીસ પ્રોટેક્શન રીન્યુ કરાવવા માટે અરજી આપી હતી. ભૂતકાળમાં ફરિયાદીએ એક IAS અધિકારી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી.

અને આઇએસ અધિકારીને જેલની હવા પણ ખાવી પડી છે. જે ફરિયાદના અનુસંધાને આ ફરિયાદીને પોલીસ પ્રોટેકશન આપવામાં આવેલું હતું. જેના રીન્યુ માટે પી.આઇ. કેતન દવેએ લાંચ માગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *