જીન્સ-ટીશર્ટ પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર પણ સરકારની ‘વોચ’… સરકારી કર્મચારીઓ માટે નવા નિયમો લાગુ

Spread the love

 

હિમાચલ પ્રદેશ સરકારે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે નવો ડ્રેસ કોડ લાગુ કર્યો છે. આ અંતર્ગત ઓફિસ અને કોર્ટમાં ફોર્મલ અને શાલીન કપડાં પહેરવા ફરજિયાત છે. જીન્સ અને ટી-શર્ટને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. સરકારી કર્મચારીઓને વ્યાવસાયિક અને સાફ-સુથરા લુક સાથે ઓફિસમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

જીન્સ અને ટી-શર્ટ પર સંપૂર્ણ પ્રતિબંધ
પુરુષ કર્મચારીઓ માટે શર્ટ અને ટ્રાઉઝર અથવા કોલરવાળા શર્ટ સાથે પેન્ટ પહેરવું જરૂરી છે. સાથે જ યોગ્ય શૂઝ પહેરવા પડશે. મહિલા કર્મચારીઓને સાડી, ફોર્મલ સૂટ, સલવાર-કુરતા, ચુડીદાર અથવા દુપટ્ટા સાથે યોગ્ય ફૂટવેર પહેરવાની સલાહ આપવામાં આવી છે. સરકારી આદેશમાં જણાવાયું છે કે, આ સૂચનાઓ અગાઉ 2017માં આપવામાં આવી હતી, પરંતુ ઘણા કર્મચારીઓ અત્યાર સુધી તેનું પાલન કરી રહ્યા નહોતા.

સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે સૂચનાઓ
સાથે જ સરકારે સોશિયલ મીડિયા પર કર્મચારીઓના વર્તનને લઈને નવી ગાઈડલાઈન પણ જાહેર કરી છે. કર્મચારીઓને પરવાનગી વગર સરકારી નીતિઓ પર ટિપ્પણી કરવા અને સત્તાવાર માહિતી શેર કરવા પર રોક લગાવી દેવામાં આવી છે. રાજકીય કે ધાર્મિક વિચારો વ્યક્ત કરવા પણ પબ્લિક ફોરમ કે સોશિયલ મીડિયા પર પરવાનગી વગર મનાઈ છે.

 

સરકારે સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ જાહેર નિવેદન અથવા અભિપ્રાયથી સરકારી નીતિઓની ટીકા થઈ શકે છે અથવા સરકારો વચ્ચેના સંબંધો પર અસર પડી શકે છે. આ માટે વિભાગોને સૂચના આપવામાં આવી છે કે, તેઓ નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરે.

ઉલ્લંઘન બદલ થશે કાર્યવાહી
કોઈપણ ઉલ્લંઘન બદલ શિસ્તભંગના પગલાં લેવામાં આવી શકે છે, જે ઉલ્લંઘનની ગંભીરતાના આધારે નક્કી કરવામાં આવશે. આ નવો નિર્દેશ સરકારી કર્મચારીઓના વ્યાવસાયિક આચરણ અને સરકારી સેવાની ગરિમા જાળવી રાખવાના હેતુથી લાગુ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *