ભારતમાં ઇન્ટરનેટ બ્લોક થઈ જાય તો? ગેસ, તેલ પછી ઇન્ટરનેટ નો વારો? દુનિયામાં અફરા તફરી જેવો માહોલ થશે?

Spread the love

 

અમેરિકા અને ઇઝરાઇલ દ્વારા ઇરાન સામે કરવામાં આવી રહેલા યુદ્ધને હવે ત્રણ અઠવાડિયા થઈ ગયા છે અને તેનો અંત ક્યાં છે તે હજી સ્પષ્ટ નથી. આ યુદ્ધને કારણે તેલ અને ગેસની તંગી સર્જાઈ છે અને હવે એક નવી ચિંતા ઉભી થઈ છે. ઇરાન પહેલાથી જ હોર્મુઝના જળમાર્ગને બંધ કરી ચૂક્યું છે, જેના કારણે વિશ્વમાં ઊર્જા સપ્લાય પર અસર પડી રહી છે. જોકે હવે આ હોર્મુઝના કારણે ઇન્ટરનેટ પર પણ જોખમ છે.

આ સમુદ્રના તળિયે ઇન્ટરનેટના કેબલ્સ આવેલા છે. જો ઇરાન તેલને ટાર્ગેટ કરી રહ્યું છે તો શું ઇન્ટરનેટ પણ ટાર્ગેટ કરશે ખરું? જો કર્યું તો દુનિયાભરમાં બ્લેકઆઉટ થઈ શકે છે અને ફાઇનાન્સ સિસ્ટમ પર પણ અસર પડી શકે છે.

દુનિયાભરના ઘણાં દેશોમાં ઇન્ટરનેટ કેબલ દ્વારા પહોંચાડવામાં આવે છે. ભારતના ઇન્ટરનેટના કેબલ આ જગ્યાએથી નથી આવતાં, પરંતુ અન્ય દેશોના કેબલ અહીંથી જાય છે. ઇરાનના સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સાથે હવે રેડ સીમાં આવેલ બાબ એલ-મંદેબ માર્ગ પર પણ ઇરાનને સપોર્ટ કરતાં અન્ય જૂથો હુમલો કરી શકે છે. વિશ્વના ડિજિટલ નેટવર્ક માટેના જરૂરી સમુદ્રી કેબલ્સ આ માર્ગમાંથી પણ પસાર થાય છે. આથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને બાબ એલ-મંદેબ બન્ને પર જો ઇન્ટરનેટ કેબલ ડેમેજ થાય તો એની અસર ખૂબ જ ગંભીર આવી શકે છે.

જહાજો નથી કરી રહ્યાં મુસાફરી

ઇરાને હોર્મુઝમાં સમુદ્રી માઇન્સ મૂકી છે, જેના કારણે શિપિંગ કંપનીઓ અને ઇન્સ્યોરન્સ કંપનીઓએ તમામ વહાણ વ્યવહાર બંધ કરી દીધો છે. આ માર્ગ જ્યાં સુધી સુરક્ષિત ન થાય ત્યાં સુધી કોઈ આ રસ્તે જવાનું રિસ્ક લેવા નથી માંગતું. બીજી તરફ યમનના હૂતી જૂથો રેડ સીમાંથી પસાર થતા જહાજો પર હુમલા કરી રહ્યા છે, જેના કારણે તે વિસ્તાર પણ જોખમભર્યો બની ગયો છે.

આ બન્ને માર્ગો સમુદ્રના તળિયામાં પથરાયેલા ફાઇબર-ઓપ્ટિક કેબલ્સના મોટા જાળ ઉપર આવેલાં છે. આ પાતળા કેબલ્સ હજારો કિલોમીટર સુધી ફેલાયેલા છે અને વિશ્વના લગભગ બધા ડેટા ટ્રાફિક એનો ઉપયોગ કરે છે. તેમાં વીડિયો કોલ્સ, ઈમેલ, બેન્કિંગ ટ્રાન્ઝેક્શન અને AI સેવાઓનો સમાવેશ થાય છે.

રેડ સી અને હોર્મુઝમાં છે ઓછામાં ઓછા 20 સમુદ્રી કેબલ્સ

રેડ સીમાં કુલ 17 સમુદ્રી કેબલ્સ છે, જે યુરોપ, એશિયા અને આફ્રિકા વચ્ચેના ઇન્ટરનેટ ટ્રાફિકનો મોટો ભાગ અહીંના કેબલ્સ દ્વારા વહન કરે છે. હોર્મુઝ વિસ્તારમાં આવેલા કેબલ્સ પણ એટલાં જ મહત્ત્વપૂર્ણ છે. પર્શિયન ગલ્ફમાં એક્ટિવ કેબલ્સમાં AAE-1, FALCON, Gulf Bridge International Cable System અને Tata-TGN Gulfનો સમાવેશ થાય છે. આ કેબલ્સ ભારતના આંતરરાષ્ટ્રીય ડેટા કનેક્શન માટે મહત્ત્વપૂર્ણ છે.

એમેઝોન, માઈક્રોસોફ્ટ અને ગૂગલ જેવી મોટી ટેક કંપનીઓએ યુએઈ અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં મોટા ડેટા સેન્ટરો બનાવવા માટે અબજો ડોલરનું રોકાણ કર્યું છે. તેમનો હેતુ આ વિસ્તારને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટેનું મોટું કેન્દ્ર બનાવવાનો હતો. સમુદ્રી કેબલ્સ આ ડેટા સેન્ટરોને એશિયા અને આફ્રિકા જેવા ખંડોમાં આવેલા યૂઝર્સ સાથે જોડે છે. આથી યુએઈ અને સાઉદી અરેબિયાના ડેટા સેન્ટરો માટે પણ આ કેબલ્સ ખૂબ જ મહત્ત્વના છે.

આ બન્ને માર્ગો યુદ્ધની વચ્ચે છે ત્યારે કેબલ્સની મરામત લગભગ અશક્ય બની ગઈ છે. કેબલ્સને ફિક્સ કરવા માટે જરૂરી વિશેષ જહાજો સુરક્ષિત રીતે આ વિસ્તારમાં પ્રવેશી શકતા નથી. આથી કોઈ અકસ્માત, માઇન વિસ્ફોટ અથવા ઈરાદાપૂર્વક કાપવાથી કેબલ્સ અઠવાડિયા કે મહીનાઓ સુધી બંધ રહી શકે છે. એક એક્સપર્ટ અનુસાર ‘જ્યાં સૈનિકો દ્વારા યુદ્ધ કરવામાં આવી રહ્યું હોય ત્યાં કેબલ જહાજો કામ કરવા જતાં નથી. તે ખૂબ જોખમી છે.’

અગાઉ પણ થયાં હતાં કેબલ્સ ડેમેજ

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ દરમિયાન 2024માં હૂતી દ્વારા કરવામાં આવેલા હુમલાઓને કારણે રેડ સીમાં અનેક કેબલ્સને નુકસાન થયું હતું. એશિયા અને આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સ્પીડ ખૂબ ઘટી ગઈ હતી અને સંપૂર્ણ મરામત માટે મહીનાઓ લાગી ગયા હતા. એક ઇન્ટરનેટ એનાલિસ્ટ અનુસાર જો બંને મહત્ત્વપૂર્ણ માર્ગો એકસાથે બંધ થઈ જાય, તો તે વૈશ્વિક સ્તરે મોટી બ્લેકઆઉટ જેવી ઘટના બની શકે.

હોર્મુઝના સૌથી સંકોચાયેલા ભાગમાં પાણીની ઊંડાઈ માત્ર લગભગ 200 ફૂટ છે, એટલે કેબલ્સ ખૂબ જ ઓછી ઊંડાઈ ધરાવતા વિસ્તારમાં છે. જ્યાં સુધી પ્રશ્ન છે કે ઇરાન કેબલ્સને નિશાન બનાવશે કે નહીં, તેની કોઈ ચોક્કસ માહિતી નથી, પરંતુ શક્યતા ચોક્કસ છે. ઇરાન સીધું અમેરિકા પર યુદ્ધ નથી કરી શકતું આથી તે આસપાસના દેશોની ઓઇલ કંપની પર એટેક કરી રહ્યું છે અને દરિયાનો માર્ગ બંધ કરી રહ્યું છે. આથી જો ઇરાને દુનિયાને વધુ મુશ્કેલીમાં મૂકવું હોય તો તે આ કેબલ્સને નુકસાન પહોંચાડી શકે છે.

જો આ કેબલને નુકસાન થાય તો એની અસર ફોન અને વેબસાઇટ્સ સુધી મર્યાદિત નહીં રહે. બેન્કો, શેરબજાર, હોસ્પિટલો અને AI સિસ્ટમો બધું જ આ કનેક્શન પર નિર્ભર છે. સૌથી પહેલા ગલ્ફ દેશોને અસર થશે, પરંતુ ભારતને પણ ધીમું ઇન્ટરનેટ અનુભવવું પડી શકે છે. યુરોપથી એશિયા સુધીનો ડેટા લાંબા માર્ગથી પસાર કરવો પડી શકે છે જેના કારણે વિશ્વભરમાં ઇન્ટરનેટ ધીમું ચાલશે. હાલમાં તો આ તમામ કેબલ્સ કામ કરી રહ્યા છે, પરંતુ પાણીમાં માઇન્સ છે અને હુમલાઓ પણ થઈ રહ્યાં છે. આથી આ કેબલ્સને ફિક્સ કરવા માટેના જહાજો ત્યાં પહોંચી ન શકતા હોવાથી જોખમ વધુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *