રાજનીતિમાં સમયનું ખુબ મહત્વ હોય છે. ક્યારે સૂર્ય ઉદય કે અસ્ત થઈ જાય તેની ખબર પડતી નથી. ક્યારેક એવી સ્થિતિ પણ આવે છે જ્યારે કોઈએ વિચાર્યું ન હોય તેવા નેતાને મોટું પદ મળી જાય છે અને જેની ચર્ચા થતી હોય તે સાઇડલાઇન થઈ જાય છે. પરંતુ સમય પલટાઈ જાય ત્યારે હાંસિયામાં ધકેલાઈ ગયેલા નેતાઓ પણ ફરી રાજનીતિના મુખ્ય કેન્દ્રમાં આવી જાય છે.
ગુજરાત ભાજપમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે. એક સમયે સાઇડલાઇન કરેલા નેતાઓની ફરી વાપસી થઈ રહી છે.
જગદીશ વિશ્વકર્મા કેપ્ટન બનતા જૂના જોગીઓની વાપસી
ગુજરાતમાં સીઆર પાટિલ બાદ જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ જગદીશ વિશ્વકર્માએ ગ્રામ્ય સ્તરથી લઈને રાજ્ય સ્તર સુધી પોતાની ટીમની જાહેરાત કરી છે. જેમાં ઘણા એવા નેતાઓને સંગઠનમાં જગ્યા મળી છે, જેઓ એક સમયે સાઇડલાઇન થઈ ગયા હતા. એટલે કે પાટિલના કાર્યકાળમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા નેતાઓએ કમબેક કર્યું છે.
સંગઠનમાં કમબેક
ગુજરાત ભાજપની કમાન મળવાની સાથે જગદીશ વિશ્વકર્માએ સંગઠનમાં ઘણા મહત્વના ફેરફાર કર્યાં છે. ભાજપના વિવિધ સંગઠનોની જાહેરાત બાદ હવે ગઈકાલે ગુજરાત ભાજપની સૌથી શક્તિશાળી કોર કમિટીની જાહેરાત કરી છે. આ કોર કમિટીમાં કુલ 11 નેતાઓને સામેલ કરાયા છે. જેમાં બે નામ એવા છે જે એક સમયે સાઇડલાઇન થઈ ગયા હતા. પરંતુ હવે તેમને ભાજપની કોર કમિટીમાં સ્થાન મળ્યું છે. આ બે નેતાઓ પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા અને પૂર્વ મંત્રી તથા ભાજપના ઉપાધ્યક્ષ રહેલા આઈ.કે. જાડેજાને પણ કોર કમિટીમાં સ્થાન મળ્યું છે.
પાટિલના કાર્યકાળમાં સાઇડલાઇન, હવે દમદાર વાપસી
આઈ.કે. જાડેજા ભાજપના દિગ્ગજ નેતા છે. તેઓ રાજ્ય સરકારમાં મંત્રીથી લઈને સંગઠનમાં ઉપાધ્યક્ષ સહિત અનેક હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. પરંતુ જ્યારે ગુજરાત ભાજપની કમાન સીઆર પાટિલના હાથમાં આવી તો લગભગ ચાર વર્ષ સુધી આઈ.કે. જાડેજા સાઇડલાઇન થઈ ગયા હતા. પરંતુ વિશ્વકર્મા કેપ્ટન બન્યા બાદ તેમની મહત્વની ઇલેવનમાં આઈ.કે. જાડેજાની વાપસી થઈ છે.
કોણ છે ઈન્દ્રવિજયસિંહ કિશોરસિંહ જાડેજા
આઈકે જાડેજા એટલે કે ઈન્દ્રવિજયસિંહ કિશોરસિંહ જાડેજાનો જન્મ ધાંગધ્રામાં થયો હતો. ક્ષત્રિય સમાજમાંથી આવતા જાડેજા ભાજપના વરિષ્ઠ નેતા છે. તેઓ ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ રહી ચુક્યા છે. વિદ્યાર્થી જીવન દરમિયાન આઈ.કે. જાડેજાએ રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. કોલેજ દરમિયાન તેઓ વિદ્યાર્થી યુનિયનના જનરલ સેક્રેટરી તરીકે કામ કર્યું હતું. તેમણે વર્ષ 1980થી ભાજપમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે સંગઠનમાં વિવિધ જવાબદારી સંભાળી હતી.
તેઓ 1983થી 1998 સુધી ધાંગ્રધ્રા નગરપાલિકાના સભ્ય રહી ચૂક્યા છે અને 1995મા નગરપાલિકાના પ્રમુખ પણ બન્યા હતા. ત્યારબાદ 1995મા તેઓ ધાંગધ્રાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે રાજ્ય સરકારમાં વિવિધ મંત્રાલયો પણ સંભાળ્યા હતા. આ સિવાય સંગઠનમાં તેઓ વિવિધ જવાબદારી સંભાળી ચુક્યા છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
વિશ્વકર્માની ટીમમાં એક સમયે ભાજપના દિગ્ગજ નેતા અને મુખ્યમંત્રી પદના દાવેદાર ગણાતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પણ વાપસી થઈ છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારમાં મંત્રી રહી ચુક્યા છે. તેઓ ધાળકા વિધાનસભા સીટનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં હતા. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભાની ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી.
અનેક વખત ડેમેજ કંટ્રોલરની ભૂમિકા નિભાવી ચુક્યા છે ચુડાસમા
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ક્ષત્રિય સમાજમાંથી આવે છે. તેઓ કેશુભાઈ પટેલની સરકારમાં પણ મંત્રી હતા. ત્યારબાદ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તો તેમની ટીમમાં પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હતા.આનંદીબહેન પટેલ હોય કે વિજય રૂપાણી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સતત ગુજરાત સરકારમાં સામેલ રહ્યાં છે. તેઓ શિક્ષણ મંત્રી, કાયદા મંત્રી સહિત વિવિધ જવાબદારી સંભાળી ચુક્યા છે.
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સ્થાન ન મળ્યું
જ્યારે વિજય રૂપાણી બાદ ગુજરાતની કમાન ભૂપેન્દ્ર પટેલને મળી તો તેમના મંત્રીમંડળમાંથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની બાદબાકી કરવામાં આવી હતી. ત્યારબાદ 2022ની ચૂંટણીમાં તેમને ટિકિટ પણ મળી નહીં. આમ તેઓ ભાજપમાં હાંસિયામાં પહોંચી ગયા હતા. સીઆર પાટિલની ટીમમાં વરિષ્ટ નેતા ચુડાસમાને સંગઠનમાં પણ કોઈ મહત્વની જવાબદારી મળી નહીં. પરંતુ હવે વિશ્વકર્માની ટીમમાં ભાજપની મહત્વની ગણાતી કોર કમિટીમાં ચુડાસમાની વાપસી થઈ છે.