રાજકોટ સહિત સમગ્ર ગુજરાતની 53,000 આંગણવાડીઓની 1.06 લાખ કાર્યકર અને હેલ્પર બહેનો આજે 19 માર્ચે સતત બીજા દિવસે કામથી અળગા રહીને સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજકોટના જયુબેલી ચોક ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલી બહેનોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે સરકારનો વિરોધ નોંધાવ્યો હતો.
આંગણવાડી કર્મચારી સંગઠનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની 12 જેટલી મુખ્ય માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તમામ કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે.
ગત 5 માર્ચથી ઓનલાઇન કામગીરી બંધ કરવા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી, જેના કારણે આજે આંગણવાડીઓને તાળા મારીને રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. હાલમાં વર્કરને માત્ર રૂ. 10,000 અને હેલ્પરને રૂ. 5,500 આપવામાં આવે છે, જે આટલી મોંઘવારીમાં ઘર ચલાવવા માટે પૂરતા નથી. વર્કરનો પગાર વધારીને રૂ. 24,800 અને હેલ્પરનો રૂ. 20,400 કરવામાં આવે. હાઈકોર્ટ દ્વારા પણ પગાર વધારાનો ચુકાદો આપવામાં આવ્યો હોવા છતાં સરકાર તેનો અમલ કરવાને બદલે અપીલ કરી રહી છે, જે અન્યાયકર્તા છે.
સી.આઈ.ટી.યુ (ઈઈંઝઞ) સંકલિત સંગઠન દ્વારા 18, 19 અને 20 માર્ચના રોજ કામગીરીથી અળગા રહેવાનું એલાન અપાયું છે. જેમાં નવા મોબાઈલ આપવા, નિવૃત્તિ વય 60 વર્ષ કરવા અને બાળકોના પોષણ આહારના દરમાં વધારો કરવા સહિતના 12 મુદ્દાઓ સામેલ છે. વર્ષ 2018 પછી પોષણ આહારના દરોમાં કોઈ વધારો કરાયો નથી, જેનાથી બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી રહ્યું છે. અત્યાર સુધીમાં સરકાર સાથે 27 વખત બેઠકો યોજાઈ હોવા છતાં અને ગત 10 માર્ચ 2025ના રોજ મુખ્યમંત્રીએ હૈયાધારણા આપી હોવા છતાં પ્રશ્નો ઠેરના ઠેર રહેતા આંગણવાડી બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા ચીમકી:ચેતનાબેન જાગાણી
અબતક’ સાથેની ખાસ વાતચીતમાં અગ્રણી ચેતનાબેન જાગાણીએ સરકારની ઉદાસીનતા સામે આકરો રોષ વ્યક્ત કર્યો હતો.
ચેતનાબેન જાગાણીએ જણાવ્યું હતું કે, અમારી મુખ્ય માંગણી હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવાની છે. કોર્ટનો આદેશ હોવા છતાં સરકાર દ્વારા હજુ સુધી કોઈ હકારાત્મક પગલાં લેવાયા નથી. આ ઉપરાંત સરકારે અગાઉ મોબાઈલ આપવાનું વચન આપ્યું હતું, જે હજુ સુધી પૂર્ણ થયું નથી. મોંઘવારીના આ સમયમાં આંગણવાડી બહેનોને પણ વ્યાજબી મોંઘવારી ભથ્થું મળવું જોઈએ તેવી અમારી સ્પષ્ટ માંગ છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, સરકારની પોષણલક્ષી યોજનાઓ હોય કે અન્ય જનકલ્યાણકારી કાર્યો, તેને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ આંગણવાડી બહેનો જ કરે છે. અમે સરકારના મુખ્ય પાયા સમાન છીએ, છતાં સરકાર અમારા પ્રત્યે કેમ રોષ રાખી રહી છે તે સમજાતું નથી. રેલીઓ અને આવેદનપત્ર આપવા છતાં પ્રશ્નો ઉકેલાયા નથી, તેથી હવે જ્યાં સુધી સરકાર અમારી માંગણીઓનો ન્યાયી ઉકેલ નહીં લાવે ત્યાં સુધી તમામ બહેનો ધરણા પર બેસી રહેશે અને લડત ચાલુ રાખશે.