ચાણસ્મા તાલુકાના ઝીલિયા ફાર્મ હાઉસમાં પોલીસ પર થયેલા હુમલાના મામલે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ કેસમાં પકડાયેલા આરોપીઓનો પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યા બાદ અને આરોપીઓને જાહેરમાં માર મારતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો હતો, સાથે જ પોલીસની કાર્યવાહી સામે સવાલ ઊભા થયા હતા. જે મામલે પાટણ LCBના ફરજ બજાવતા ચાર પોલીસકર્મીઓને હાલ સસ્પેન્ડ કરાયા હોવાની વિગતો હાલ સામે આવી રહી છે.
શું હતી ઘટના?
ગત 15મી માર્ચના રોજ પાટણના ચાણસ્મામાં ઝીલિયા ગામે મસ્તાની અને વામૈયા એમ બે ગેંગ વચ્ચેની બબાલમાં પોલીસ કુખ્યાત ભાવેશ રબારી ઉર્ફે ભાવેશ ઝીલિયાના સ્ટેટ ઓફ રામાધણી નામના ફાર્મ હાઉસે સુરક્ષા માટે પહોંચી હતી, ત્યારે આઠથી વધુ ફોર વ્હીલર ભરીને લુખ્ખા તત્વો આવી પહોંચ્યા હતા. આ લોકોએ ત્યાં પહોંચીને હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. આ લોકો ધારિયા, તલવાર અને લાકડીઓ લઈને આવ્યા હતા. લુખ્ખા તત્વોએ પોલીસની ગાડી પર પણ હુમલો કર્યો હતો. જોકે, પોલીસનો કાફલો વાનમાં બેસીને ત્યાંથી જતા રહ્યા હતા. તો બીજી બાજુ આ અસામાજિક તત્વોએ ફાર્મ હાઉસમાં તોડફોડ પણ કરી હતી.
બાદમાં આ મામલે પાટણ પોલીસે 18 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને હિંસા ફેલાવનાર આ ગુંડાઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. તમામ લુખ્ખા તત્વોનો ચાણસ્મા બાદ ઝીલિયા ફાર્મ ખાતે સરઘસ કાઢવામાં આવ્યું છે. પોલીસે 18 આરોપીઓને દોરડાઓ બાંધીને જાહેરમાં ઢોર માર માર્યો હતો. જોકે આ મામલે હાલ ઠાકોર-ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફાટી નીકળતા હાલ ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા હોવાની માહિતી મળી રહી છે.
ઝીલિયા ફાર્મ હાઉસ હુમલા કરવાના આરોપમાં પોલીસે 18 આરોપીઓને ઝડપ્યા બાદ તેમનો વરઘોડો કાઢી જાહેરમાં માર મારતા ઠાકોર સમાજના આગેવાનો પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. સમગ્ર મામલે ક્ષત્રિય ઠાકોર સમાજમાં રોષ ફેલાયો છે. ત્યારે આજે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત સમાજના આગેવાનોની SP સાથે બેઠક કરી હતી.
બેઠક બાદ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મીડિયાને નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાટણમાં અલગ અલગ ગેંગો અને અલગ અલગ ગ્રુપો દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે. સામાન્ય પરિવારોને રંજાડે, વ્યાજ વટાવના મોટા ધંધા કરે, આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી થવી જોઈએ, પરંતુ પોલીસની કામગીરી ક્યાંક ખૂબ સારી થઈ તો ક્યાંક ત્રુટિઓ રહી છે. ગુનેગારને દંડ આપો તેમાં કોઈ વાંધો નથી, પણ બંને ગ્રુપના જે ગુનેગારો હોય તેમના વરઘોડા નીકળવા જોઈએ.
અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું કે, અસામાજિક તત્વો સામે કાયદાનું શસ્ત્ર અજમાવવું જોઈએ. નિર્દોષને જાહેરમાં મારનારા ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને આવું ન થયું તો આગામી 23 તારીખે સોમવારે પાટણ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન યોજવાની તૈયારી દર્શાવી હતી. જોકે હાલ 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાતા હાલ ક્ષત્રિય સમાજની સભા મોકૂફ કરાઈ છે.
મળતી માહિતી મુજબ, પાટણ LCB ના ફરજ બજાવતા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. હસમુખ સિંહ (UHC) બિન હથિયારધારી પોલીસ, અતુલ કુમાર (UHC), કુલદીપ કુમાર (UHC), આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિરણ ભાઈ (APC)ને સસ્પેન્ડ કરાયા છે. ફરજમાં બેદરકારીના ભાગરૂપે આ પોલીસકર્મીઓ સામે પણ કાર્યવાહી થઈ છે. જે મામલો સામે આવતા ક્ષત્રિય સમાજનો રોષ હાલ શાંત પડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.