ગુજરાતમાં સરકારી બાબુઓ ધારાસભ્યોને તો ઠીક,પણ મંત્રીઓને પણ ગાંઠતા નથી! સરકારે ફરી કરવો પડ્યો આદેશ

Spread the love

 

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વહીવટી તંત્રમાં અધિકારીઓ અને મંત્રીઓ વચ્ચેના ગજગ્રાહની ચર્ચાઓ વહેતી થઈ છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલો એક પરિપત્ર આ વાતની સાક્ષી પૂરે છે કે રાજ્યમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓ મંત્રીઓને પણ ગાંઠતા નથી. નિવૃત્ત થતા વર્ગ-1 ના અધિકારીઓ સામેની શિસ્ત વિષયક કાર્યવાહી બાબતે સરકારને ફરીથી પરિપત્ર કરવાની નોબત આવી છે.

નિવૃત્તિ સમયે ફાઈલો દબાવી રાખવાની વૃત્તિ
સામાન્ય રીતે જોવા મળે છે કે જ્યારે કોઈ વર્ગ-1 ના અધિકારી નિવૃત્ત થવાના હોય, ત્યારે તેમની સામેની શિસ્ત વિષયક તપાસની ફાઈલો છેલ્લી ઘડીએ રજૂ કરવામાં આવે છે. આ બાબતને ગંભીરતાથી લેતા પરિપત્રમાં સૂચના અપાઈ છે કે જો કોઈ અધિકારી સામે કાર્યવાહી કરવાની હોય, તો તેની ફાઈલ નિવૃત્તિના એક માસ અગાઉ મળી જવી જોઈએ. જો કોઈ કોર્ટનો ચુકાદો કે અન્ય અનિવાર્ય કારણો હોય, તો પણ ઓછામાં ઓછા 5 દિવસ અગાઉ જાણ કરવી ફરજિયાત રહેશે.

48 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટ ન ખોલ્યું તો પાવર પ્લાન્ટ પર કરીશું હુમલાઃ ટ્રમ્પ

મંત્રી અને વિભાગના વડા વચ્ચેના મતભેદો
પરિપત્રમાં સૌથી ચોંકાવનારો ઉલ્લેખ એ છે કે, ઘણા કિસ્સાઓમાં વિભાગના મંત્રીનો અભિપ્રાય અલગ હોય તેમ છતાં વિભાગના વડા (Head of Department) પોતાની રીતે જ કાર્યવાહી શરૂ કરી દેતા હોય છે. મંત્રીના આદેશ કે અભિપ્રાયની અવગણના કરવાની આ પદ્ધતિને સરકારે તદ્દન ખોટી ગણાવી છે.

વિવાદ થશે તો CM લેશે અંતિમ નિર્ણય
વહીવટી પારદર્શિતા જાળવવા માટે રાજ્ય સરકારે નવી વ્યવસ્થા ગોઠવી છે. જો કોઈ કેસમાં વિભાગના વડા અને મંત્રીના અભિપ્રાય અલગ-અલગ હોય, તો તે ફાઈલ સીધી બંધ કરી શકાશે નહીં. આવી વિવાદાસ્પદ ફાઈલોને મુખ્ય સચિવ (Chief Secretary) અને અંતે મુખ્યમંત્રી સુધી મોકલવાની રહેશે. આ પરિપત્રથી સચિવાલયના આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. સરકારના આ કડક વલણથી સ્પષ્ટ થાય છે કે હવે અધિકારીઓ પોતાની મનમાની ચલાવી શકશે નહીં અને લોકશાહી ઢબે ચૂંટાયેલા મંત્રીઓના નિર્ણયોનું સન્માન કરવું પડશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *