મધ્ય-પૂર્વના યુદ્ધ વચ્ચે ઊર્જા સુરક્ષા પર ઉભા થયા મોટા સવાલોઃ નવા પાદુર અને ચાંડીખોલ પ્રોજેક્ટ્સ હજુ પણ કાગળ પર
નવી દિલ્હી
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકેબંધી વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષાને લઈને એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. એક RTI (માહિતી અધિકાર) ના જવાબમાં ખુલાસો થયો છે કે ભારતનો વ્યૂહાત્મક ક્રૂડ ઓઇલ ભંડાર જો સંપૂર્ણ ક્ષમતા પર હોય તો પણ દેશની જરૂરિયાતોને માત્ર 9.5 દિવસ સુધી જ પૂરી કરી શકે છે. 23 માર્ચ, 2026ના રોજ રાજ્યસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ, ભારત પાસે હાલમાં 3.372 મિલિયન મેટ્રિક ટન કાચું તેલ ઉપલબ્ધ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 64% જેટલું જ છે. એટલે કે, જો આયાતમાં કોઈ મોટો વિક્ષેપ આવે, તો વર્તમાન સ્ટોક 10 દિવસ પણ પૂરો ચાલી શકે તેમ નથી, જે અર્થતંત્ર માટે જોખમી સંકેત છે.
ભારતીય વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામત લિમિટેડ (ISPRL) દ્વારા હાલમાં ત્રણ મુખ્ય સ્થળોએ તેલનો સંગ્રહ કરવામાં આવે છે: વિશાખાપટ્ટનમ (1.33 મિલિયન ટન), મેંગલુરુ (1.5 મિલિયન ટન) અને પાદુર (2.5 મિલિયન ટન). આ ભંડાર ભૂગર્ભ ખડકોની ગુફાઓમાં રાખવામાં આવે છે, જેનો ઉપયોગ યુદ્ધ અથવા કુદરતી આફતો જેવી કટોકટીની સ્થિતિમાં જ કરવામાં આવે છે. જોકે, વર્તમાન વૈશ્વિક તણાવને જોતા ભારતની આ ક્ષમતા અન્ય વિકસિત દેશોની સરખામણીએ
ઘણી ઓછી છે. અમેરિકા અને ચીન જેવા દેશો પાસે મહિનાઓ સુધી ચાલે તેટલો તેલનો જથ્થો અનામત હોય છે, જ્યારે ભારત હજુ પણ માત્ર સિંગલ ડિજિટ (દિવસો) પર નિર્ભર છે.
સરકારે આ જોખમને ઓળખીને જુલાઈ 2021માં બીજા તબક્કાના વિસ્તરણને મંજૂરી આપી હતી, જેમાં ઓડિશાના ચાંડીખોલ અને કર્ણાટકના પાદુરમાં વધારાની 6.5 મિલિયન મેટ્રિક ટનની સુવિધાઓ ઊભી કરવાનું આયોજન હતું. જોકે, RTIમાં એ પણ પુષ્ટિ મળી છે કે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડેલ હેઠળ પ્રસ્તાવિત આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ હજુ સુધી કાર્યરત થયા નથી. નિષ્ણાતોનું માનવું છે કે જો ભારત આ પ્રોજેક્ટ્સને ઝડપથી પૂરા નહીં કરે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં થતો ઉછાળો અને પુરવઠાની અછત દેશના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર ભારે પડી શકે છે.
