ઈરાનની શેરીઓમાં પરમાણુ બોમ્બની માંગ: બદલાતા સત્તા સમીકરણો વચ્ચે ઈરાનની ન્યુક્લિયર પોલિસીમાં મોટો ફેરફાર!

Spread the love

 

મિડલ ઈસ્ટનું યુદ્ધ હવે એક એવા ખતરનાક વળાંક પર આવી ગયું છે જે સમગ્ર વિશ્વની સુરક્ષા વ્યવસ્થાને હચમચાવી શકે છે. વર્ષો સુધી જે ચર્ચા તેહરાનના બંધ ઓરડાઓમાં થતી હતી, તે હવે ઈરાનની શેરીઓ અને મીડિયામાં ખુલ્લેઆમ થઈ રહી છે. શું ઈરાન પોતાનો પ્રથમ પરમાણુ બોમ્બ તૈયાર કરશે? ઈઝરાયલ અને અમેરિકાના સતત વધતા હુમલાઓ વચ્ચે ઈરાન હવે પોતાની પરમાણુ નીતિ બદલવા તરફ મક્કમ ડગ માંડી રહ્યું હોય તેવું જણાય છે.

સત્તા માળખામાં ફેરફાર અને ખામેનેઈનું મૃત્યુ

અહેવાલો અનુસાર, ઈરાનની વ્યુહરચનામાં આ મોટા પરિવર્તન પાછળનું મુખ્ય કારણ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈનું મૃત્યુ માનવામાં આવે છે. ગત 28મી ફેબ્રુઆરીએ તેમની હત્યા બાદ ઈરાનના સત્તાના સમીકરણો બદલાયા છે. અત્યાર સુધી ખામેનેઈના એક ‘ફતવા’ (ધાર્મિક આદેશ)ને કારણે ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવાથી અંતર જાળવતું હતું, પરંતુ હવે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)નું વર્ચસ્વ વધતા પરમાણુ બોમ્બ બનાવવાની માંગ તેજ બની છે.

શું ઈરાન NPT માંથી બહાર નીકળશે?

ઈરાનના પ્રભાવશાળી નેતાઓ અને વિશ્લેષકો હવે આંતરરાષ્ટ્રીય નિયમોને ફગાવવાની હાકલ કરી રહ્યા છે. મોહમ્મદ જવાદ લારીજાની જેવા નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે જો પરમાણુ અપ્રસાર સંધિ (NPT) ઈરાનના હિતમાં ન હોય, તો દેશે તેમાંથી તાત્કાલિક બહાર નીકળી જવું જોઈએ. જ્યારે ઈરાની વિશ્લેષકોનું માનવું છે કે જો ઈઝરાયલ અને અમેરિકા સતત હુમલા કરી રહ્યા હોય, તો આંતરરાષ્ટ્રીય નિયમો પાળવાનો કોઈ અર્થ રહેતો નથી. દેશની સુરક્ષા માટે પરમાણુ શસ્ત્રો અનિવાર્ય છે.

બે જૂથો વચ્ચે ખેંચતાણ

જોકે, ઈરાનના શાસક વર્ગમાં હજુ પણ બે વિચારધારા જોવા મળી રહી છે. આ જૂથ માને છે કે ઈઝરાયલના અસ્તિત્વના જોખમ સામે પરમાણુ બોમ્બ જ એકમાત્ર ‘શસ્ત્ર’ છે જે દુશ્મનોને રોકી શકે છે. કેટલાક નેતાઓ વૈશ્વિક પ્રતિબંધો અને અમેરિકાની સીધી સૈન્ય કાર્યવાહીથી ડરી રહ્યા છે. તેને ભય છે કે ખુલ્લેઆમ પરમાણુ શસ્ત્રોની જાહેરાત ઈરાન પર વિનાશક હુમલા નોતરી શકે છે.

ઈઝરાયલ અને અમેરિકાની વ્યૂહનીતિ

ઈરાનમાં પરમાણુ બોમ્બ બનાવવાની વધતી માંગને જોતા ઈઝરાયલ પોતાની ગુપ્તચર એજન્સીઓ દ્વારા ઈરાનના પરમાણુ પ્લાન્ટ્સ પર નજર રાખી રહ્યું છે. અમેરિકાએ પણ ચેતવણી આપી છે કે તે ઈરાનને પરમાણુ શક્તિ સંપન્ન દેશ ક્યારેય બનવા દેશે નહીં. આગામી દિવસોમાં મિડલ ઈસ્ટની ભૌગોલિક અને રાજકીય સ્થિતિ કેવી રહેશે, તેનો આધાર ઈરાનની આ ‘પરમાણુ મથામણ’ પર નિર્ભર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *