નાગરિકોના જીવનને વધુ સરળ અને સુવિધાસભર બનાવવા રાજ્ય સરકારે પ્રાથમિકતા આપી છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અમદાવાદ વૈશ્વિક ઓળખ તરફ આગળ વધી રહ્યું છે: મુખ્યમંત્રીશ્રી
આવાસ, બ્રિજ, બાગ-બગીચા, તળાવો, ઓડિટોરિયમ અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટથી નાગરિકોને વધુ સુવિધા મળશે
આંગણવાડી કાર્યકર બહેનોને ટેકનોલોજીથી સશક્ત બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ: મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ
અમદાવાદના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ શહેરના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા માટે આજે રૂ.1,099 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અવસરે શહેરના નાગરિકોને આવાસ, બ્રિજ, બાગ-બગીચા, તળાવો, ઓડિટોરિયમ તેમજ અન્ય આધુનિક શહેરી સુવિધાઓની મહત્વપૂર્ણ ભેટ મળી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારે શહેરોના વિકાસમાં નાગરિકોના જીવનને વધુ સરળ અને સુવિધાસભર બનાવવા પ્રાથમિકતા આપી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2005માં “શહેરી વિકાસ વર્ષ”ની ઉજવણીથી જે વિકાસયાત્રાની શરૂઆત કરાવી હતી, તે આજે વધુ ગતિ સાથે આગળ વધી રહી છે. તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં 2025ને પણ “શહેરી વિકાસ વર્ષ” તરીકે ઉજવવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આજે અમદાવાદ શહેર પોતાની વૈશ્વિક ઓળખ જાળવી રાખીને આધુનિક વિકાસ તરફ મક્કમપણે આગળ વધી રહ્યું છે. નાગરિકોની સુખાકારી વધે અને શહેરની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ મજબૂત બને તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
શ્રી પટેલે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અમદાવાદ શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. જેમાં રોડ અને રસ્તાઓના 13,000 થી વધુ કામો, સ્ટોર્મ વોટર અને ગટર વ્યવસ્થા માટે 6,152 કામો, તેમજ નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે પાણી વિતરણ પ્રણાલી મજબૂત બનાવવા અનેક યોજનાઓ અમલમાં મૂકાઈ છે.
તેમણે કહ્યું કે, અમદાવાદને ગ્રીન સિટી બનાવવાના પ્રયાસોને પણ નોંધપાત્ર સફળતા મળી છે. આ દિશામાં ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની પ્રેરણા હેઠળ રૂ.110 કરોડથી વધુના ખર્ચે આશરે 450થી વધુ વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે શહેરને વધુ સારી અને સુવિધાસભર જાહેર પરિવહન વ્યવસ્થા ઉભી કરવા માટે રૂ. 2,561 કરોડથી વધુના ખર્ચે 21 અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ અમલમાં મૂકાયા છે. અમદાવાદમાં બીઆરટીએસ અને મેટ્રો નેટવર્કને આધુનિક અને મોડેલ જાહેર પરિવહન તરીકે વિકસાવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના “દરેકના માથે પાકી છત”ના સંકલ્પને સાકાર કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત અમદાવાદ શહેરમાં નોંધપાત્ર કામગીરી થઈ છે. શહેરમાં રૂ. 4,501 કરોડથી વધુના ખર્ચે હજારો લાભાર્થીઓને આવાસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્વચ્છતા ક્ષેત્રે પણ અમદાવાદે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદને “સૌથી સ્વચ્છ શહેર”નો એવોર્ડ પ્રાપ્ત થયો છે.
તેમણે કહ્યું કે, આવનારા સમયમાં અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ, વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન થવાનું હોવાથી શહેરને ગ્લોબલ સ્ટાન્ડર્ડ મુજબ વિકસાવવા માટેના વિશેષ પ્રયાસો ચાલી રહ્યા છે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટને ગિફ્ટ સીટી સુધી લંબાવવાનું આયોજન છે. ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. જેનાથી સમગ્ર વિસ્તારના હોલિસ્ટિક વિકાસને વેગ મળશે.
મુખ્યમંત્રીશ્રી વધુમાં જણાવ્યું કે, આ સાથે જ રાજ્ય સરકારે સુપોષિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા આંગણવાડી સેવાઓને ડિજિટલ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. “પોષણ ટ્રેક” એપ્લિકેશન દ્વારા લાભાર્થીઓની માહિતી રિયલ ટાઈમમાં અપડેટ થશે, સેવાઓનું મોનિટરિંગ વધુ મજબૂત બનશે અને સગર્ભા માતાઓ તથા બાળકોના આરોગ્યનું સમયસર અનુસરણ શક્ય બનશે. આ માટે આજે આંગણવાડી કાર્યકર બહેનોને સ્માર્ટફોનનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે આપણા શહેરો, મહાનગરો અને ગામો સ્વચ્છ, હરિયાળા અને ક્લાઈમેટ-ફ્રેન્ડલી બને તે માટે સૌએ સંકલ્પબદ્ધ બનીને કાર્ય કરવું જોઈએ. વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે વિકસિત અને સુપોષિત ગુજરાતના નિર્માણ માટે સૌને સાથે મળી કામ કરવા અનુરોધ કર્યો હતો.
*મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ*
મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને ટેકનોલોજી સાથે જોડીને વધુ સશક્ત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યભરની આશરે ૫૫ હજારથી વધુ આંગણવાડી કાર્યકર બહેનોને સ્માર્ટ મોબાઇલ ફોન વિતરણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે આંગણવાડી સેવાઓ વધુ અસરકારક બનશે. તેમણે જણાવ્યું હતું કે આંગણવાડી બહેનો દ્વારા કેન્દ્રોમાં આવતાં બાળકોનું વજન માપવું, પોષણ સંબંધિત માહિતી એકત્ર કરવી અને ‘પોષણ ટ્રેકર’ એપ્લિકેશનમાં ડેટા અપલોડ કરવા જેવી કામગીરી હવે વધુ સરળ અને ઝડપી બની રહેશે. આથી બાળકોના આરોગ્ય અને પોષણ પર સતત નજર રાખી શકાશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આંગણવાડી કેન્દ્રોમાં આવતાં બાળકોને આપવામાં આવતું ટેક હોમ રેશન (THR) યોગ્ય રીતે પહોંચે છે કે નહીં તેમજ ગર્ભવતી અને ધાત્રી માતાઓને આપવામાં આવતી સહાય અને કીટ અંગેની વિગતો પણ હવે સરળતાથી પ્રાપ્ત થઈ શકશે.
મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે આંગણવાડી સુવિધાઓ વધુ મજબૂત બનાવવા માટે રૂ. ૩૬૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે, જેના કારણે નવા આંગણવાડી ભવન અને સુવિધાઓ વિકસાવવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અસરકારક રીતે અમલમાં મૂકાઈ રહી છે.
*રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા*
આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શહેરી વિકાસના ક્ષેત્રમાં દેશભરમાં નવી દિશા મળી છે. અમદાવાદ શહેરના નગરજનોને સારા રસ્તા, સુવિધાસભર માળખાકીય વિકાસ અને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવું રાજ્ય સરકારની મુખ્ય પ્રાથમિકતા છે.
તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ વિકાસકાર્યો માટે કોઈ પણ પ્રકારની આર્થિક અછત રહેતી નથી. સરકાર દ્વારા સતત વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. અગાઉના સમયમાં કોર્પોરેશન પાસે વિકાસ માટે મર્યાદિત સંસાધનો હતા, પરંતુ હાલમાં રાજ્ય સરકારના સહકારથી શહેરોમાં માર્ગ, બ્રિજ અને અન્ય માળખાકીય સુવિધાઓ ઉપરાંત ગરીબો માટે આવાસ નિર્માણ જેવા મહત્વપૂર્ણ કાર્યો પણ કરવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ સ્વાગત પ્રવચનમાં શહેરના વિકાસ કાર્યોની માહિતી સાથે આગામી આયોજન અંગે વિસ્તૃત જાણકારી હતી.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે અમદાવાદના સ્મૃતિ ગ્રંથ – કોફી ટેબલ બુક નું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઇ મકવાણા અને શ્રી નરહરિ અમીન, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, મ્યુનિસિપલ વહીવટદાર શ્રી મુકેશ કુમાર, મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રી રાકેશ શંકર, ઔડાના CEO શ્રી દેવાંગ દેસાઈ સહિત અગ્રણીઓ, આંગણવાડી કાર્યકરો અને નગરજનો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.