અમદાવાદ: ટ્રાફિક નિયમના ભંગ બદલ ઇ-ચલણના નામે ઠગ ટોળકીએ ખેતીકામ કરતા આધેડને એપીકે ફાઈલ મોકલીને રૂ.14.05 લાખની ઠગાઈ આચરી છે. ગઠિયાઓએ પહેલા ઇ-ચલણની એપીકે ફાઈલ મોકલીને આધેડનો ફોન હેક કર્યો હતો. બાદમાં આધેડનો મોબાઈલ અને વોટ્સએપ હેક કરીને ચાર વોટ્સએપ ગ્રૂપ બનાવીને ભોગ બનનારના સંબંધીઓને આ એપીકે ફાઈલ ફોરવર્ડ કરી હતી. ગઠિયાઓએ ભોગ બનનારના બેંક એકાઉન્ટમાંથી 13.14 લાખનું ક્રેડિટકાર્ડનું બિલ ભરી દીધું હતું, જ્યારે 91 હજાર રૂપિયા કોઈ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા.
આમ, કુલ 14.05 લાખના સાયબર ફ્રોડ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
રામોલમાં રહેતા આધેડ ગતરાડ ગામમાં આવેલી જમીનમાં ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.28 નવેમ્બરે આધેડને અજાણ્યા વોટ્સએપ નંબર પરથી ઇ-ચલણ ભરવાની એપીકે ફાઈલ આવી હતી. જે ફાઈલની નીચે તમારું ચલણ ચેક કરવા ફાઈલ ઓપન કરો, કારણ કે આજે છેલ્લી તારીખ છે, તેવો મેસેજ કરવામાં આવ્યો હતો.
જેથી આધેડે ઘરે બેઠા ચલણ ભરવા માટે એપીકે ફાઈલ ઓપન કરતા તે ફાઈલમાં કોઈ લખાણ નહોતું. જે બાદ તે સંબંધીના ત્યાં પ્રસંગમાં ગયા હતા ત્યારે તેમનો મોબાઈલ હેક કરીને ગઠિયાઓએ તેમના જ બેંક એકાઉન્ટમાંથી કેટલીક રકમ તેમના જ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી હતી. આમ, આધેડના ખાતામાંથી એક પછી એક કુલ રૂ. 14.05 લાખ ડેબિટ થયા હતા.
ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર બીજા દિવસે બેંકમાં ગયા હતા અને ત્યાં તપાસ કરતા 13.14 લાખનું અલગ અલગ ક્રેડિટકાર્ડનું પેમેન્ટ થયું હોવાની જાણકારી મળી હતી. જ્યારે 91,500 રૂપિયા કોઈ ખાતામાં ટ્રાન્સફર થયા હતા. જેથી કુલ 14.05 લાખના સાયબર ફ્રોડ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
