ગાંધીનગરની જીએમઈઆરએસ (GMERS) મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં થોડા સમય બાદ ઇન્સ્પેક્શન આવવાનુ છે. આ દોડધામ વચ્ચે મેડિકલ કોલેજના ડીન દ્વારા એક મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલના જુદા જુદા વિભાગોમાં આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કામ કરતા 16 જેટલા કર્મચારીની એકસાથે બદલી કરી દેવામાં આવી છે.
ડીન ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા ઓફિસ ઓર્ડર મુજબ, ફિઝિયોલોજી,માઇક્રોબાયોલોજી,મહેકમ શાખા, એનાટોમી, ફાર્માકોલોજી,બાયોકેમેસ્ટ્રી,પેથોલોજી,સ્ટુડન્ટ શાખા, સ્ટોર અને અલગ અલગ મેડિકલ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને બીજા વિભાગોમાં ખસેડવામાં આવ્યા છે. આ આદેશમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ ફેરફારનો અમલ ‘તાત્કાલિક ધોરણે’ કરવાનો રહેશે. એટલે કે, જે-તે કર્મચારીએ તરત જ પોતાની નવી જગ્યાએ રિપોર્ટ કરવાનો રહેશે.
સામાન્ય રીતે ઇન્સ્પેક્શન વખતે વહીવટી કામગીરી પર ખૂબ ભાર હોય છે, ત્યારે આ રીતે સામૂહિક બદલીઓ થતા હોસ્પિટલ કેમ્પસમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે,ગાંધીનગર સિવિલમાં જ્યારે ઇન્સ્પેક્શન થોડા સમયમાં આવવાનુ હોય ત્યારે તંત્ર ખૂબ જ સતર્ક હોય છે.