
ક્યાં ક્યાં પડ્યો વરસાદ (Unseasonal Rain)?
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગીર સોમનાથના વેરાવળ અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે તોફાની પવન સાથે માત્ર 20 મિનિટમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ, ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠાના દાંતીવાડા, પાંથાવાડા સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ માવઠાની અસર જોવા મળી છે, જ્યાં દ્વારકાના સલાયામાં સવારે ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો અને પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર તેમજ ભચાઉમાં પણ ગાજવીજ સાથે માવઠું થયું છે. ભાવનગરમાં પણ બપોર બાદ વાતાવરણ પલટાયું હતું અને ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું હતું.
હવામાન વિભાગની આગાહી
હવામાન વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એમ બે વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે. આ બંને સિસ્ટમમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી દિવસોમાં પણ જોવા મળશે, જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનની સૌથી વધુ અસર ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે.
આગામી 24 કલાકમાં રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. તેમજ 7 એપ્રિલે ફરી એકવાર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ખેડૂતો પર ‘આભ ફાટ્યું’
ભર ઉનાળે થયેલા આ વરસાદે લોકોને ગરમીથી તો રાહત આપી છે, પરંતુ ખેડૂતો માટે આ ‘માવઠું‘ આફત બનીને આવ્યું છે. કેરીના પાકની વાત કરીએ તો, ખાસ કરીને આંબાના બગીચાઓમાં તૈયાર થયેલી કેરીને ભારે પવન અને કરાને કારણે મોટું નુકસાન થવાની ભીતિ છે. આ ઉપરાંત અન્ય પાકો, જેમ કે બાજરી અને જીરું જેવા ઉનાળુ પાકની ગુણવત્તા બગડવાની શક્યતાથી પણ ખેડૂતો ભારે મુંઝવણમાં મુકાયા છે.