
હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આ પાઈલોટને સજા થશે, તેને મારી નંખાશે, કે પછી સુરક્ષિત છોડી દેવાશે? આના જવાબ માટે આપણે જાણવું પડશે કે આંતરરાષ્ટ્રીય કાયદા શું કહે છે.
પાઈલોટની કાનૂની સ્થિતિ શું? યુદ્ધકેદી (POW) કે ગુનેગાર?
દુશ્મન દેશમાં પકડાયેલો લશ્કરી પાઈલોટ કોઈ સામાન્ય ગુનેગાર ગણાતો નથી. જીનીવા કન્વેન્શન (1949)ના નિયમો અનુસાર, તેને ‘યુદ્ધકેદી'(Prisoner of War – POW)નો દરજ્જો આપવામાં આવે છે. એટલે કે, તેના પર જાસૂસી કે આતંકવાદના આરોપ ના લગાવી શકાય. તે ફક્ત એક સૈનિક છે જે પોતાનો દેશની સેના માટે લડી રહ્યો હતો. આ નિયમ અમેરિકા, ઈરાન અને દુનિયાના લગભગ તમામ દેશોએ માન્ય રાખ્યો છે.
જીનીવા કાયદાના ચોક્કસ નિયમો: શું કરી શકાય અને શું નહીં?
જીનીવા કન્વેન્શન યુદ્ધકેદી સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ તેની સ્પષ્ટ રૂપરેખા આપે છે:
માનવીય વર્તન: પકડાયેલા પાઈલોટને માર મારી શકાતો નથી, માનસિક ત્રાસ આપી શકાતો નથી, એનું જાહેરમાં અપમાન કરી શકાતું નથી. તેને માનવતા અને સન્માન સાથે રાખવો જરૂરી છે.
ફરજિયાત માહિતી: કેદીને ફક્ત પોતાનું નામ, રેન્ક અને સર્વિસ નંબર જ આપવો ફરજિયાત છે. તેની પાસેથી લશ્કરી ગુપ્ત માહિતી કઢાવવા માટે તેની સતામણી કરવાની છૂટ નથી.
સુવિધાઓ: તેને સુરક્ષિત સ્થળે રાખીને તબીબી સારવાર અને પૂરતો ખોરાક આપવો ફરજિયાત છે.
ફક્ત ‘દુશ્મન દેશનો સૈનિક’ હોવાના કારણે તેને સજા કરી શકાતી નથી. સજા ફક્ત ત્યારે જ થઈ શકે જો તેના પર કોઈ યુદ્ધ અપરાધ(War Crime)નો આરોપ સાબિત થાય, અને તે પણ નિષ્પક્ષ ટ્રાયલ બાદ.
શું ઈરાને પાઈલોટને તરત મુક્ત કરવો પડશે?
ના, એવો કોઈ કાયદો નથી. ઈરાન પાસે પાઈલોટને યુદ્ધ સમાપ્ત થાય ત્યાં સુધી કસ્ટડીમાં રાખવાનો કાનૂની અધિકાર છે. યુદ્ધવિરામ(Ceasefire) કે શાંતિ કરાર પછી જ સામાન્ય રીતે યુદ્ધકેદીઓની અદલાબદલી કરવામાં આવે છે. જો પાઈલોટ ગંભીર રીતે ઘાયલ હોય, તો માનવતાના આધારે તેને વહેલો મુક્ત કરવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ તે ફરજિયાત નથી.
કાગળ પરના નિયમોનો હકીકતમાં અમલ થાય છે ખરો?
કાગળ પરના નિયમો અને જમીની વાસ્તવિકતામાં ઘણો તફાવત હોય છે. ઈતિહાસ જોઈએ તો, ઘણા દેશોએ યુદ્ધકેદીઓનો ઉપયોગ પ્રચાર માટે કર્યો છે. તેમને ટીવી પર બળજબરીથી નિવેદન આપવા માટે દબાણ કરવામાં આવે છે અથવા તેમના પર જાસૂસીના ખોટા આરોપ મૂકીને અલગ કાયદા લગાડવામાં આવે છે. ઈરાનની ‘ઈનામ’ની જાહેરાતને પણ રાજકીય દબાણ વધારવાની યુક્તિ તરીકે જોવામાં આવી રહી છે. આ કિસ્સામાં જો ઈરાન પાઈલોટને પકડે છે, તો તે એક મોટું રાજદ્વારી હથિયાર બની શકે છે.
પાઈલોટને બચાવવા અમેરિકા પાસે ત્રણ વિકલ્પ છે
અમેરિકા પોતાના પાઈલોટને બચાવવા માટે ત્રણ રસ્તા અપનાવી શકે છે:
1. લશ્કરી બચાવ કાર્યવાહી(Rescue Operation): ઈરાનમાં ઘૂસીને લશ્કરી કાર્યવાહી દ્વારા પાઈલોટને છોડાવવાનો આ વિકલ્પ સૌથી જોખમી છે, કેમ કે આ વિકલ્પ અમેરિકા અજમાવી ચૂક્યું છે અને એમાં સફળ નથી થયું, કેમ કે ઈરાને બચાવ દળ પર વળતો હુમલો કર્યો હતો.
2. રાજદ્વારી દબાણ: સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ મારફતે ઈરાન પર દબાણ બનાવી શકાય.
3. કેદીઓની અદલાબદલી(Prisoner Swap): આ સૌથી સલામત રસ્તો છે. અમેરિકન પાઈલોટના બદલામાં અમેરિકામાં કેદ ઈરાની નાગરિકો અથવા સૈનિકોને અમેરિકા છોડી શકે છે.
અમેરિકન બચાવ દળને ઈરાને મારી ભગાવ્યા
F-15E ફાઈટર જેટના પાઈલોટને બચાવવા માટે હાલમાં અમેરિકાએ એક મોટું ઓપરેશન અમલમાં મૂક્યું હતું. UH-60 બ્લેક હોક હેલિકોપ્ટર સહિતના તેના બે હેલિકોપ્ટર ઈરાની હવાઈ ક્ષેત્રમાં ઘૂસ્યા હતા. ઈરાને તેના પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે હેલિકોપ્ટરને નુકસાન તો થયું, પરંતુ તે ભાગી છૂટવામાં સફળ રહ્યા.
કાયદો નહીં, રાજકારણ આપશે ચુકાદો
આ સમગ્ર મામલો જટિલ છે. જીનીવા કન્વેન્શન સ્પષ્ટ કહે છે કે પકડાયેલા પાઈલોટને સજા ન કરી શકાય અને તેની સાથે માનવીય વર્તન કરવું જોઈએ. પરંતુ, આ કેસમાં અંતિમ ફેંસલો ફક્ત કાયદા પર નહીં, પરંતુ ઈરાન અને અમેરિકા વચ્ચેના રાજકારણ, લશ્કરી તાકાત અને વાટાઘાટો પર નિર્ભર રહેશે. આ પાઈલોટ માત્ર સૈનિક નથી, તે એક એવું પ્યાદું છે જે હાથમાં આવ્યું તો ઈરાન અમેરિકાનું નાક દબાવવાની પેરવી કરવામાંથી ન ચૂકે. એમ થયું તો આ મુદ્દે સમગ્ર યુદ્ધની દિશા બદલાઈ જવાની શક્યતા છે.