Killer Father: તેલંગાણામાં થોડા દિવસ પહેલા એક ઘટના બની હતી, જેમાં માતા અને બે દીકરીઓના સ્વિમિંગ પૂલમાં ડૂબવાથી મોત થયા હતા. ગર્ભવતી પત્ની અને બે દીકરીઓના આ મોતના મામલે હવે નવો ખુલાસો થયો છે. ત્રણેયના મોતને અકસ્માત ગણાવનારા પતિની પોલ ખુલી ગઈ છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે, પતિએ જ પોતાની પત્ની અને બંને દીકરીઓની હત્યા કરી હતી.
પતિ આ વાતથી નારાજ હતો કે તેને કોઈ પુત્ર કેમ નથી. તેના કારણે પતિએ ગર્ભવતી પત્ની અને બે માસૂમ દીકરીઓને સ્વિમિંગ પૂલમાં ફેંકી અને મોતને ઘાટ ઉતારી હતી.
આ રીતે ખુલ્યું રહસ્ય
તેલંગાણા પોલીસે પતિની પૂછપરછ અને પોતાની તપાસમાં એ શોધી કાઢ્યું કે, પતિ અઝહરુદ્દીને જ આ હત્યાનું આખું પ્લાનિંગ કર્યું હતું. અકસ્માતવાળી રાત્રે અઝહરુદ્દીન પોતાના પરિવારને પુન્નોલ ગામ પાસે એક સ્વિમિંગ પૂલ પર લઈ ગયો. શરૂઆતમાં તેણે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેને એક ‘અકસ્માત’ ગણાવ્યો અને કહ્યું કે ત્રણેય ભૂલથી ડૂબી ગયા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, ઘટનાના બરાબર પહેલા સ્વિમિંગ પૂલના CCTV કેમેરા બંધ કરી દેવામાં આવ્યા હતા. સાથે જ, અઝહરુદ્દીનના નિવેદનોમાં પણ ઘણો વિરોધાભાસ જોવા મળ્યો હતો, જેનાથી પોલીસની શંકા ખાતરીમાં બદલાઈ ગઈ. પોલીસે હત્યાનો ગુનો નોંધી લીધો છે અને ફરાર આરોપી અઝહરુદ્દીનને પકડવા માટે સ્પેશિયલ ટીમો બનાવી છે.
આ કારણથી રચ્યું હત્યાનું કાવતરું
અઝહરુદ્દીન અને ફરહતે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમને પહેલાથી જ બે દીકરીઓ હતી, 8 વર્ષની ઉમેરા અને 6 વર્ષની આયશા. ફરહત ત્રીજી વખત ગર્ભવતી થઈ હતી. જ્યારે અઝહરુદ્દીનને ખબર પડી કે આ વખતે પણ દીકરી આવવાની છે, ત્યારે તેણે પત્ની પર ગર્ભપાત કરાવવાનું દબાણ કર્યું હતું. ફરહતના ના પાડ્યા બાદ પતિ અઝહરુદ્દીને આ ખોફનાક સાજિશને અંજામ આપ્યો હતો.