સરકારી કચેરીમાં જ ખેલ ખતમ ! ₹20 હજારની લાંચ લેતા નાયબ મામલતદાર અને પટાવાળો ACBના સકંજામાં, ખેડૂતની ફરિયાદ પર મોટી કાર્યવાહી

Spread the love
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચારનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ છટકું ગોઠવીને નાયબ મામલતદાર અને એક આઉટસોર્સિંગ પટાવાળાને રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીને પગલે સમગ્ર મહેસૂલ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે.

શું હતો આખો મામલો?

 

મળતી માહિતી મુજબ, એક અરજદારને પોતાની ખેતીની જમીનમાં નોંધ પડાવવાની હતી. આ કાયદેસરના કામ માટે નાયબ મામલતદાર જયદીપસિંહ પરમારે ₹20,000 ની લાંચની માગણી કરી હતી. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત ACBનો સંપર્ક કર્યો હતો.

 

ACBનું સફળ ટ્રેપ અને ધરપકડ

 

ફરિયાદના આધારે ACBએ લખતર મામલતદાર કચેરીમાં જ છટકું ગોઠવ્યું હતું. નાયબ મામલતદાર જયદીપસિંહ પરમાર વતી જ્યારે આઉટસોર્સિંગ પટાવાળા કનકસિંહ ઝાલાએ લાંચની રકમ સ્વીકારી, ત્યારે જ ACBની ટીમે બંનેને રંગેહાથ દબોચી લીધા હતા. કચેરીની અંદર જ થયેલી આ કાર્યવાહીથી અન્ય કર્મચારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી.

 

ACBએ હાલ બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સરકારી બાબુઓ દ્વારા સામાન્ય જનતા પાસે કરવામાં આવતી આવી ગેરકાયદે માંગણીઓ સામે ACBનું આ આકરું વલણ પ્રશંસનીય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *