ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે અમેરિકામાં મોંઘવારીએ અચાનક જોરદાર ઉછાળો લીધો છે. માર્ચ મહિનામાં મોંઘવારીનો દર 3.3% પર પહોંચી ગયો છે, જે છેલ્લા બે વર્ષની સૌથી ઊંચી સપાટી છે. તેલની કિંમતોમાં આવેલા તોતિંગ વધારાએ અર્થવ્યવસ્થા અને રાજનીતિ બંનેને હચમચાવી દીધા છે, જેના કારણે ટ્રમ્પ વહીવટીતંત્ર પર દબાણ વધતું દેખાઈ રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે, કારણ કે અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણીઓ પણ નજીક આવી રહી છે.
તેલના ઝટકાથી મોંઘવારી વધી
ઈરાન સાથેના તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સપ્લાય ખોરવાવાને કારણે તેલની કિંમતોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જો કે, આની સીધી અસર અમેરિકી મોંઘવારી પર પડી છે. ફેબ્રુઆરીની સરખામણીએ આ ઝડપી વધારો બજારના અંદાજ મુજબ જ હતો પરંતુ તેનો આંચકો ઘણો મોટો રહ્યો છે.
પેટ્રોલની કિંમતોએ ખેલ બગાડ્યો
મોંઘવારી વધવાનું સૌથી મોટું કારણ ગેસોલિનની કિંમતોમાં આવેલો 21% થી વધુનો ઉછાળો છે. ફ્યુઅલ કોસ્ટમાં આ તેજીએ ટ્રાન્સપોર્ટથી લઈને એવિએશન (વિમાન સેવા) સુધીના દરેક સેક્ટરનો ખર્ચ વધારી દીધો છે. કુલ મોંઘવારી વૃદ્ધિમાં લગભગ 75% યોગદાન માત્ર ઈંધણનું જ રહ્યું છે.
ફેડરલ રિઝર્વ માટે કપરા ચઢાણ
મોંઘવારીમાં આ ઉછાળાએ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાત કરવાની શક્યતાઓને નબળી પાડી દીધી છે. પહેલા જ્યાં બજારને રાહતની આશા હતી, ત્યાં હવે ફેડરલ રિઝર્વે વધુ સાવધ વલણ અપનાવવું પડી શકે છે. કોર ઇન્ફ્લેશન (મુખ્ય મોંઘવારી) નું 2.6% સુધી પહોંચવું આ ચિંતામાં વધારો કરે છે.
ટ્રમ્પ કેમ બેકફૂટ પર આવ્યા?
ઊર્જાના ભાવોમાં ઉછાળો અને મોંઘવારીનું દબાણ સીધી રાજકીય અસર પણ બતાવી રહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્ર પહેલાથી જ ટેરિફ અને જીઓ-પોલિટિકલ નિર્ણયોને કારણે ટીકાઓનો સામનો કરી રહ્યું હતું. હવે મોંઘવારી વધવાથી સામાન્ય જનતાની નારાજગીનું જોખમ વધી ગયું છે, જેના કારણે સરકારનું આક્રમક વલણ નરમ પડતું દેખાઈ શકે છે.
સામાન્ય જનતા પર દબાણ વધ્યું
પેટ્રોલની કિંમતોમાં તેજ ઉછાળાથી અમેરિકી ગ્રાહકોનું બજેટ ખોરવાઈ ગયું છે. ઘણા રાજ્યોમાં ઈંધણના ભાવ ઐતિહાસિક સપાટીની નજીક પહોંચી ગયા છે, જેના કારણે રોજિંદા ખર્ચમાં વધારો થયો છે. આગામી સમયમાં તેની અસર ખાદ્ય ચીજો અને સર્વિસ સેક્ટર પર પણ જોવા મળી શકે છે.
શું આગળ મુશ્કેલી વધશે?
એકંદરે તેલની કિંમતોમાં થોડો ઘટાડો થયો છે પરંતુ તે હજુ પણ ઊંચા સ્તરે છે. સપ્લાય સામાન્ય થવામાં સમય લાગી શકે છે, જેના કારણે મોંઘવારીનું દબાણ ચાલુ રહી શકે છે. આ જ કારણ છે કે, બજાર અને નીતિ-નિર્માતાઓ બંને હાલમાં સાવચેત દેખાઈ રહ્યા છે.