સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. પક્ષપલટા અને ઝડપી રાજકીય ગતિવિધિઓ વચ્ચે, તાજેતરમાં જ આમ આદમી પાર્ટી (AAP)ને અલવિદા કહી કેસરિયો ધારણ કરનાર યુવા ખેડૂત નેતા રાજુ કરપડાને ભાજપે મોટું ઈનામ આપ્યું છે. ભાજપમાં જોડાયાના માત્ર ૨૪ કલાકની અંદર જ પક્ષે તેમને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી-2 બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે.
રાજુ કરપડા સૌરાષ્ટ્રના જાણીતા ખેડૂત નેતા ગણાય છે અને અગાઉ તેઓ આમ આદમી પાર્ટીના સક્રિય સભ્ય હતા.
ગઈકાલે જ તેમણે વિધિવત રીતે ભાજપનો ખેસ પહેર્યો હતો. સામાન્ય રીતે કોઈપણ પક્ષમાં જોડાયા બાદ ઉમેદવારી માટે લાંબી રાહ જોવી પડતી હોય છે, પરંતુ ભાજપે રાજુ કરપડાના કિસ્સામાં ભારે તત્પરતા દાખવી છે. તેમના જોડાણના બીજા જ દિવસે જાહેર થયેલી યાદીમાં તેમનું નામ મૂળી-2 બેઠક માટે ફાઇનલ કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે પક્ષે ચોક્કસ રણનીતિ હેઠળ જ તેમને પક્ષમાં સામેલ કર્યા છે.
સમીકરણો બદલાવાની શક્યતા :
રાજુ કરપડાને મૂળી-2 બેઠક પરથી ટિકિટ મળતા જ સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો રચાયા છે. યુવા નેતા અને ખેડૂત લક્ષી છબી ધરાવતા કરપડાને કારણે ભાજપને આ વિસ્તારમાં ખેડૂત મતો મેળવવામાં સરળતા રહી શકે છે. જોકે, આ નિર્ણયથી ભાજપના કેટલાક જૂના અને પાયાના કાર્યકરોમાં ગણગણાટ પણ જોવા મળી રહ્યો છે. પક્ષે નવા આવેલા નેતા પર જે રીતે ભરોસો મૂક્યો છે તે આગામી ચૂંટણીના પરિણામો પર કેવી અસર કરશે તે જોવું રસપ્રદ રહેશે.
પ્રચારના શ્રીગણેશ :
ઉમેદવારી જાહેર થતાની સાથે જ રાજુ કરપડા અને તેમના સમર્થકોએ મૂળી વિસ્તારમાં પ્રચાર કાર્યના શ્રીગણેશ કરી દીધા છે. હરીફ પક્ષો માટે પણ આ એક આશ્ચર્યજનક ચાલ હોવાથી, હવે કોંગ્રેસ અને આપ આ બેઠક પર કેવા ઉમેદવાર ઉતારે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી રાજુ કરપડા વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન પત્ર દાખલ કરશે.