કેન્દ્ર સરકારે વિદેશમાં ડીઝલ અને વિમાનનું ઈંધણ (ATF) વેચીને મસમોટો નફો કમાતી તેલ કંપનીઓ પર લગામ કસવા માટે એક મોટો નિર્ણય લીધો છે. દેશના સ્થાનિક બજારમાં ઈંધણની કોઈ અછત ન સર્જાય તે હેતુથી નાણા મંત્રાલયે ડીઝલની નિકાસ (એક્સપોર્ટ) પરનો ટેક્સ ₹21.5 પ્રતિ લિટરથી વધારીને સીધો બમણાથી વધુ એટલે કે ₹55.5 પ્રતિ લિટર કરી દીધો છે. આ આદેશથી હવે રિફાઈનરી કંપનીઓ માટે વિદેશમાં તેલ વેચવું ઘણું મોંઘુ પડશે અને તેમણે સ્થાનિક બજાર પર વધુ ધ્યાન આપવું પડશે.
જોકે, આકરા ટેક્સ વચ્ચે રાહતની વાત એ છે કે પેટ્રોલની નિકાસ પર કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી.
નવા ટેક્સનું માળખું કેવું છે?
સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, ડીઝલની નિકાસ પરની ડ્યૂટીમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. અત્યાર સુધી તેલ કંપનીઓ વિદેશમાં ડીઝલ વેચવા માટે પ્રતિ લિટર ₹21.5 નો ટેક્સ ચૂકવતી હતી, જે હવે વધારીને ₹55.5 કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, વિમાનોમાં વપરાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પર પણ ટેક્સનો બોજ વધારાયો છે. ATF પર લાગતી નિકાસ ડ્યૂટી ₹29.5 પ્રતિ લિટરથી વધારીને ₹42 પ્રતિ લિટર કરી દેવાઈ છે.
સરકારે આવું શા માટે કર્યું?
જ્યારે પણ કોઈ રિફાઇનરી કંપની ભારતમાં ક્રૂડ ઓઇલ આયાત કરીને તેને રિફાઇન કરે છે, ત્યારે તેમની પાસે બે રસ્તા હોય છે: કાં તો તે ઈંધણ દેશમાં વેચે અથવા તો વિદેશમાં નિકાસ કરીને મોટો નફો કમાય. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઊંચા હોય ત્યારે કંપનીઓ વધુ નફાની લાલચમાં દેશની જરૂરિયાતને અવગણીને વિદેશમાં તેલ વેચવા લાગે છે. આવું ન થાય અને દેશમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો જળવાઈ રહે, તે માટે સરકાર આ એક્સપોર્ટ ડ્યૂટી (નિકાસ કર) લગાવે છે. ટેક્સ વધવાથી વિદેશમાં તેલ વેચવું કંપનીઓ માટે મોંઘુ પડે છે, પરિણામે તેઓ ફરજિયાતપણે દેશમાં જ તેલ વેચવા પર ધ્યાન આપે છે અને આપણે ત્યાં તેલની અછત પડતી નથી.
પેટ્રોલના મોરચે સારા સમાચાર
આ બધા કરવેરા અને ટેક્સ વધારા વચ્ચે સૌથી આશ્વાસન આપનારા સમાચાર પેટ્રોલને લઈને છે. નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પેટ્રોલની નિકાસ પર કોઈ નવો ટેક્સ લગાવવામાં આવ્યો નથી. પેટ્રોલ પરની નિકાસ ડ્યૂટી પહેલાની જેમ જ શૂન્ય (0) રહેશે. આનો સીધો અર્થ એ છે કે, સરકારને હાલમાં સ્થાનિક બજારમાં પેટ્રોલના પુરવઠાને લઈને કોઈ કટોકટી કે અછત દેખાઈ રહી નથી.