
ન્યૂયોર્ક ટાઈમ્સે આ અંગે એક લાંબુ ઈન્વેસ્ટિગેશન કરીને લાંબોલચક રિપોર્ટ પબ્લિશ કર્યો છે જેમાં કઈ રીતે ટ્રમ્પ સરકાર ઈમિગ્રેસન જજિસ પર ડિપોર્ટેશન વધારવા માટે પ્રેશર કરી રહી છે, તેમની સામે શિસ્તભંગના પગલાં લેવાની ધમકી આપી રહી છે અને તેમ છતાંય જો કોઈ જજ સરકારના કહ્યા અનુસાર કામ ના કરે તો તેમને ઘરભેગાં કરાઈ રહ્યા છે. આ આર્ટિકલમાં આપણે સમજીશું કે ટ્રમ્પ સરકારે ઈમિગ્રેશન કોર્ટ્સમાં કયા પ્રકારે નવા ખેલ શરૂ કર્યા છે અને તેનું શું પરિણામ આવી રહ્યું છે.
યુએસમાં કોઈ સ્ટેટસ વિના રહેતા લગભગ તમામ લોકો એવું જ માનતા હોય છે કે પોતાને કોઈ દિવસ ડિપોર્ટ કરવામાં નહીં આવે, અને તેમાંય જે ઈલીગલ ઈમિગ્રન્ટ્સ પાસે સોશિયલ સિક્યોરિટી અને વર્ક પરમિટ આવી ગયા હોય તે તો જાણે પોતાને ગ્રીન કાર્ડ મળી ગયું હોય તેવા વ્હેમમાં રહેતા હોય છે. જોકે, ટ્રમ્પ જ્યારથી સત્તા પર આવ્યા છે ત્યારથી તેમણે આવા તમામ લોકોની હવા કાઢી નાખી છે. અત્યારસુધી અસાયલમના કેસ વર્ષોના વર્ષો સુધી ચાલતા હતા અને પાંચ વર્ષની વર્ક પરમિટ ઓટોમેટિક રિન્યૂ પણ થઈ જતી હતી પણ હવે આ બધુંય બંધ થઈ ગયું છે.
ટ્રમ્પે જે આક્રમકતા સાથે માસ ડિપોર્ટેશન શરૂ કર્યું છે અને જે રીતે આડેધડ ઈમિગ્રેશન રેડ્સ કરાઈ રહી છે અને આખાને આખા શહેરોમાં ICEના એજન્ટ્સનો ખડકલો કરી દેવાય છે તેની સૌ કોઈને જાણ છે અને પબ્લિકમાં તેને લઈને ગુસ્સો પણ વધી રહ્યો છે. જોકે, આ બધા સિવાય ઈમિગ્રેશન કોર્ટ્સમાં જે કંઈ ચાલી રહ્યું છે તે બધું એટલું ચૂપચાપ થઈ રહ્યું છે કે કોઈને તેની ખાસ માહિતી નથી.
ઈમિગ્રેશન જજિસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ હેઠળ કામ કરે છે અને તેઓ સરકારના નિર્દેશોને માનવા માટે બંધાયેલા છે. ફેડરલ જજિસને સરકાર આડેધડ ફાયરિંગ નથી કરતી પરંતુ ઈમિગ્રેશન જજિસને ગમે ત્યારે ઘરભેગાં કરી શકાય છે. ઈમિગ્રેશન જજનું મુખ્ય કામ અસાયલમ માગનારા અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટને અમેરિકામાં રહેવા દેવો કે પછી ડિપોર્ટ કરી દેવો તે નક્કી કરવાનું છે.
ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારે 750 ઈમિગ્રેશન જજિસ હતા જેમાંથી 100ને ફાયર કરી દેવાયા હતા અને તેની સામે અત્યારસુધીમાં 143 પરમેનન્ટ તેમજ ટેમ્પરરી જજિસની ભરતી કરવામાં આવી છે. ટ્રમ્પ સરકાર હવે આ જજિસને ડિપોર્ટેશન જજિસ તરીકે ઓળખાવી રહી છે. મતલબ કે, સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આ જજોનું મુખ્ય કામ ડિપોર્ટેશનનું છે, અસાયલમ આપવાનું નહીં. સરકારની આ નીતિને કારણે છેલ્લા સવા વર્ષમાં માંડ દસ ટકા કેસમાં જ અસાયલમના દાવા મંજૂર થયા છે.
ન્યૂયોર્ક ટાઈમ્સે લગભગ બે ડઝન જેટલા ઈમિગ્રેશન જજિસ સાથે વાત કરી હતી, જેમનું કહેવું હતું કે તેમના પર ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરી દેવાનું એટલું બધું પ્રેશર છે કે જો તેઓ સરકારના કહ્યા અનુસાર કામ ના કરે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. ઈમિગ્રેશન કોર્ટ્સમાં હાલ જે માહોલ જોવા મળી રહ્યો છે અને જજિસ જે રીતે પ્રેશરમાં છે તે બધાયની પાછળ ટ્રમ્પના સલાહકાર અને ઈમિગ્રેશનના કટ્ટર વિરોધી સ્ટિફન મિલરનું દિમાગ હોવાનું કહેવાય છે.
તેમનું તો ત્યાં સુધી કહેવું છે કે કોઈ ઈમિગ્રન્ટનો કેસ કોર્ટમાં ચલાવીને સમય વેડફવા કરતાં તેને પકડીને સીધો ડિપોર્ટ જ કરી દેવો જોઈએ. ટ્રમ્પની સેકન્ડ ટર્મ દરમિયાન વ્હાઈટ હાઉસ અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટ ઈમિગ્રેશન જજિસ દ્વારા અપાયેલા ચુકાદા પર સતત નજર રાખી રહ્યા છે. તેઓ કેટલા લોકોને અસાયલમ આપે છે અને સામે કેટલા ડિપોર્ટ થાય છે તેનો નિયમિત રિપોર્ટ તૈયાર થાય છે અને તેના આધારે ભવિષ્યની નીતિ નક્કી કરવામાં આવે છે.
ઈલીગલી બોર્ડર ક્રોસ કરીને આવતા લોકોને બોન્ડ ના આવા તેવો પણ ટ્રમ્પ સરકારે કડક આદેશ કરી રાખ્યો છે, આ ઉપરાંત યુએસમાં વર્ષોથી રહેતા હોય અને કોઈ ક્રિમિનલ રેકોર્ડ ના હોય તેવા લોકોને પણ હવે અરેસ્ટ બાદ લાંબો સમય જેલમાં રાખવામાં આવે છે. યુએસમાં પ્રેક્ટિસ કરતા ઈમિગ્રેશન લૉયર્સ પણ જણાવે છે કે સરકારની આ પોલિસીને કારણે જેલમાં રહેવા કરતાં તેમના ક્લાયન્ટ્સ ડિપોર્ટેશન માટે તૈયાર થઈ જવાનું પસંદ કરે છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે કસ્ટડીમાં હોય અને કેસ લડવાનું પડતું મૂક્યું હોય તેવા એલિયન્સની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે.
ઈમિગ્રેશન જજિસને એવી સ્પષ્ટ સૂચના આપી દેવાઈ છે કે અતિ દુર્લભ સંજોગોમાં જ કોઈને અસાયલમ આપવું અને બાકીના તમામ કેસમાં રિમૂવલ ઓર્ડર ઈશ્યૂ કરી દેવો. આ જ કારણે ટ્રમ્પ 2.0માં અસાયલમ મંજૂર થવાના કેસમાં ઘટાડો થયો છે અને અસાયલમ માગનારાના ડિપોર્ટેશન ઓર્ડર ઈશ્યૂ થઈ ગયા હોય તેવા મામલા ઝડપથી વધી રહ્યા છે અને સાથે જ કેસ પૂરા કરવાની ઝડપ પણ વધી રહી છે જેને લીધે પેન્ડિંગ કેસોની સંખ્યામાં છેલ્લા 20 વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.
અમેરિકામાં 70થી વધુ ઈમિગ્રેશન કોર્ટ્સ આવેલી છે જેમાંની કેટલીક ડિટેન્શન સેન્ટર્સની અંદર છે, કેટલીક ફેડરલ બિલ્ડિંગ્સમાં છે અને અમુક કોર્ટ્સ વર્ચ્યુઅલી જ ચાલે છે. ઈમિગ્રેશન કોર્ટ્સની શરૂઆત 1983માં થઈ હતી, રેફ્યુજી એક્ટ 1980 હેઠળ ઈમિગ્રેશન જજ કોઈપણ ઈમિગ્રન્ટને તેના દેશમાં જાતિ, ધર્મ, રાજકારણ કે પછી અમુક ચોક્કસ ગ્રુપના સભ્ય હોવાના કારણે થતાં ભેદભાવને ધ્યાનમાં રાખી અસાયલમ આપી શકે છે. આ કાયદાનો ઉદ્દેશ ઘણો ઉમદા હતો પરંતુ ગુજરાતી સહિતના લોકોએ તેનો મિસયુઝ કરી દે ધનાધન અસાયલમના ખોટા કેસ કરતા આવા લાખો કેસોનો હાલ ભરાવો થઈ ગયો છે.
અસાયલમનો કેસ ચાલે ત્યાં સુધી વર્ક પરમિટ મળતી હોવાથી લોકો ઈલીગલી અમેરિકા જઈને કેસ કર્યા બાદ વર્ષોના વર્ષો સુધી ત્યાં રહેવાની વ્યવસ્થા કરી લેતા હતા અને અમુક તો આ દરમિયાન જાતભાતના કાવાદાવા કરી ગ્રીન કાર્ડ પણ લઈ લેતા હતા. જોકે, ટ્રમ્પને આ બધાથી સખ્ત નફરત હતી અને તેમણે પોતે પ્રેસિડેન્ટ બનતાં જ આ બધું બંધ કરાવી દેશે તેવી જાહેરાત અનેકવાર કરી હતી.
ટ્રમ્પના પ્રેસિડેન્ટ બન્યા બાદ નોકરી ગુમાવનારા ઈમિગ્રેશન જજિસનું કહેવું છે કે સરકારે તેમને પપેટ બનાવી દીધાં છે અને એડમિનિસ્ટ્રેશનનો એકમાત્ર લક્ષ્યાંક બને તેટલા વધુ લોકોને અને શક્ય હોય તેટલી ઝડપથી ડિપોર્ટ કરવાનો છે. આ જ કારણે વધુ પ્રમાણમાં અસાયલમ આપતા જજિસની હકાલપટ્ટી કરવાનું શરૂ થયું હતું અને નવા ભરતી કરાયેલા જજિસ 100માંથી માંડ પાંચ-છ કેસમાં જ અસાયલમ આપી રહ્યા છે.
ટ્રમ્પની પહેલી ટર્મ દરમિયાન પણ ઈમિગ્રેશન જજિસને રોજના કેટલા કેસની હિયરિંગ કરવાની છે તેનો ટાર્ગેટ આપવામાં આવતો હતો પરંતુ ટ્રમ્પ 2.0માં તો આ પ્રેશર અનેકગણું વધી ગયું છે. જોબ ગુમાવનારા કેટલાક જજિસ એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે ટ્રમ્પ સિસ્ટમમાં મોટાપાયે ભાંગફોડ કરી રહ્યા હોય તેવી હાલત છે જેનાથી જજિસ માટે જોબમાં ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે.
માસ ડિપોર્ટેશનમાં ઈમિગ્રેશન કોર્ટ્સ જ સૌથી મોટી બાધા સાબિત થાય તેમ હતું, પણ ટ્રમ્પે પોતાની રીતે તેનો એવો રસ્તો શોધી કાઢ્યો છે કે ઈમિગ્રેશન જજિસ સરકારનો આદેશ માનવા માટે મજબૂર થઈ ગયા છે. હવે જો ગુજરાતીઓની જ વાત કરીએ તો અસાયલમ માગનારા મોટાભાગનાં લોકોની સ્ટોરી ફેક છે અને હિયરિંગ શરૂ થતાં જ ડિપોર્ટેશનનો ઓર્ડર ઈશ્યૂ થઈ ગયો હોય તેવા કેસ વધી રહ્યા છે.
ખાસ તો જે લોકો સિંગલ છે તેમને તો હવે પહેલી જ હિયરિંગમાં અરેસ્ટ કરી લેવાયાના અમુક કિસ્સા બન્યા છે. ફ્લાઈટ રિસ્ક હોવાથી આ લોકોને બોન્ડ પર રિલીઝ નથી કરાતા, ધરપકડ બાદ તેમને એવું કહેવાય છે કે જો પોતાની રીતે ટિકિટ લઈને અમેરિકા છોડવા તૈયાર થશો તો જેલમાં લાંબો સમય નહીં રહેવું પડે અને જો સરકારી ખર્ચે ડિપોર્ટ થવું હોય તો લાંબો સમય રાહ જોવી પડશે. જોકે, હાલ જેલોમાં ઈમિગ્રન્ટ્સની જે હાલત છે તેને ધ્યાનમાં રાખી કોઈ અંદર રહેવા માટે તૈયાર નથી.