
રવિવાર, 12 એપ્રિલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વેન્સે કહ્યું કે ઇરાન સાથેની ચર્ચામાં કેટલીક ખામીઓ રહી છે અને ઈરાની પ્રતિનિધિઓએ વોશિંગ્ટનની મુખ્ય શરતો સ્વીકારી નથી. તેમ છતાં, અમેરિકા એક સમજૂતી માટે તૈયાર હતું, પરંતુ ઈરાન તરફથી મહત્વપૂર્ણ અવરોધો ઉભા કરવામાં આવ્યા.
અમે કોઈ કરાર પર પહોંચી શક્યા નથી…
વેન્સના જણાવ્યા મુજબ, “દુઃખદ બાબત એ છે કે અમે કોઈ કરાર સુધી પહોંચી શક્યા નથી. આ સ્થિતિ અમેરિકા કરતાં વધુ ઈરાન માટે નુકસાનકારક બની શકે છે. તેથી અમે કોઈ સમજૂતી વિના પરત જઈ રહ્યા છીએ.” તેમણે આગળ ઉમેર્યું કે આ નિષ્ફળતા માટે પાકિસ્તાન જવાબદાર નથી, કારણ કે યજમાન તરીકે તેણે બંને દેશો વચ્ચે સમજૂતી લાવવા સારો પ્રયાસ કર્યો હતો. લગભગ 21 કલાક સુધી ચાલેલી ચર્ચામાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થઈ.
કોણ હતા બેઠકનો ભાગ
અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઉપપ્રમુખ જેડી વેન્સએ કર્યું હતું. તેમની સાથે જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ હાજર રહ્યા. ઈરાન તરફથી વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલીબાફ ચર્ચામાં સામેલ થયા હતા. પાકિસ્તાન તરફથી વડાપ્રધાન Sશેહબાઝ શરીફ અને સેના પ્રમુખ આસીમ મુનીર હાજર રહ્યા.
પરમાણુ શસ્ત્રો એક મુખ્ય મુદ્દો બન્યો
અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સએ આગળ જણાવ્યું કે સીધી વાત એ છે કે અમેરિકા ઈરાન પાસેથી સ્પષ્ટ અને મજબૂત ખાતરી ઇચ્છે છે કે તેઓ ક્યારેય પરમાણુ હથિયાર બનાવશે નહીં અને એવી કોઈ તકનિકી ક્ષમતા પણ હાંસલ નહીં કરે જેના આધારે ઝડપથી પરમાણુ હથિયાર તૈયાર કરી શકાય. તેમણે કહ્યું કે આ જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મુખ્ય ઉદ્દેશ છે અને આ વાટાઘાટો દ્વારા એ હાંસલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તેમણે વધુમાં ઉમેર્યું કે ઈરાનનો હાલનો પરમાણુ કાર્યક્રમ અને અગાઉથી સ્થાપિત સંવર્ધન કેન્દ્રો નષ્ટ કરવામાં આવ્યા છે, છતાં મૂળ પ્રશ્ન એ છે કે શું ઈરાન તરફથી લાંબા ગાળે પરમાણુ હથિયાર ન બનાવવાની કોઈ મજબૂત પ્રતિબદ્ધતા જોવા મળે છે? માત્ર હાલ માટે નહીં, કે બે વર્ષ માટે નહીં, પરંતુ લાંબા સમય માટે. અત્યાર સુધી એવી સ્પષ્ટ ખાતરી જોવા મળી નથી, પરંતુ અમેરિકા આશા રાખે છે કે ભવિષ્યમાં આવી પ્રતિબદ્ધતા સામે આવશે.
ઈરાને અમેરિકાની શરતો સ્વીકારી નથી
અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સએ જણાવ્યું કે અમેરિકા દ્વારા ઈરાનને અંતિમ અને શ્રેષ્ઠ પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો અને ચર્ચા દરમિયાન લવચીકતા પણ દાખવવામાં આવી હતી. તેમ છતાં, ઈરાની પ્રતિનિધિઓએ કરાર માટે અમેરિકાની શરતો સ્વીકારવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે અમેરિકા તરફથી પૂરતું સહકાર આપવામાં આવ્યું હતું.
વેન્સે ઉમેર્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ તેમને સૂચના આપી હતી કે તેઓ સદભાવના સાથે ચર્ચામાં જોડાય અને સમજૂતી સુધી પહોંચવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરે. તેમણે જણાવ્યું કે અમે આ દિશામાં પ્રયત્ન કર્યો, પરંતુ દુર્ભાગ્યવશ કોઈ પ્રગતિ થઈ શકી નહીં.
અમેરિકાના ઉપપ્રમુખે આગળ જણાવ્યું કે મુખ્ય અડચણ ઈરાનનો પોતાનો પરમાણુ કાર્યક્રમ છોડવા માટે તૈયાર ન હોવાનો મુદ્દો હતો. તેમના મુજબ, અમેરિકા એક સરળ અને સ્પષ્ટ પ્રસ્તાવ સાથે આગળ વધ્યું છે, જે અંતિમ અને શ્રેષ્ઠ ઓફર તરીકે રજૂ કરવામાં આવ્યું છે. હવે જોવાનું એ છે કે ઈરાન આ પ્રસ્તાવ સ્વીકારશે કે નહીં.