પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ વાતચીતના ટેબલે ભેગા થયા પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં. વાતચીત ફેલ જવાથી હવે દુનિયાની અર્થવ્યવસ્થા પર સંકટ આવી પડ્યું છે. અમેરિકાનું આક્રમક વલણ જોતા કહી શકાય કે હવે દુનિયાભરમાં ઓઈલ સંકટ તોળાઈ રહ્યું છે. અમેરિકાએ તો ઈરાનની હોર્મુઝમાં નાકાબંધી કરવાનું પણ નક્કી કરી લીધુ છે.
આ બધા વચ્ચે દિલ્હીમાં ઈરાની સુપ્રીમ લીડરના પ્રતિનિધિ ડો. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ કહ્યું કે આ મામલો ફક્ત અમેરિકા માટે નહીં પરંતુ સમગ્ર દુનિયા માટે ગંભીર છે.
શું કહ્યું ઈલાહીએ
ડો. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ હોર્મુઝ વિશે બોલતા તેમણે કહ્યું કે અમે તેને ખોલવા માટે તૈયાર ચીએ પરંતુ હજુ ત્યાં સ્થિતિ બરાબર નથી. કેટલાક જહાજોને ત્યાંથી પસાર થવાની મંજૂરી અપાઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ધમકીવાળા નિવેદન પર વળતો પ્રહાર કરતા તેમણે કહ્યું કે દુનિયાભરના જે પણ દેશો કે નેતાઓ શાંતિ ઈચ્છે છે તે બધાની સાથે અમે વાત કરવાની કોશિશ કરી છે. અમે કહ્યું છે કે તેઓ બધા મળીને અવાજ ઉઠાવે અને આ યુદ્ધને અટકાવે. તેમણે કહ્યું કે ફારસની ખાડીમાં અમેરિકી જહાજ શું કરે છે? તેમણે ત્યાંથી નીકળી જવું જોઈએ. અમે હજુ પણ વાત કરવા માટે તૈયાર છીએ પરંતુ માનવ મૂલ્યો, સંપ્રભુતા અને મૂળ અધિકારોનું ધ્યાન રાખીને જ વાતચીત થઈ શકશે. અમે ક્યારેય વાતચીતનું ટેબલ છોડ્યું નથી. પરંતુ તેમની માંગણી જ એવી હતી કે જે સ્વીકારી શકાય નહીં.
હોર્મુઝ વિશે બોલતા તેમણે કહ્યું કે ઈરાન હોર્મુઝ ખોલવા માંગે છે પરંતુ તેના માટે આખી દુનિયાએ અવાજ ઉઠાવવો પડશે અને યુદ્ધ રોકવું પડશે. ભારતમાં ઈરાની સુપ્રીમ લીડરના પ્રતિનિધિએ કહ્યું કે અમેરિકાએ ફારસની ખાડીમાંથી પોતાના જહાજો હટાવવા જોઈએ.
અમેરિકાની નાકાબંધી
અમેરિકી કેન્દ્રીય કમાને સોમવારે ભારતીય સમય મુજબ સાંજે 7.30 કલાકથી ઈરાની પોર્ટ્સમાં આવતા જતા તમામ સમુદ્રી ટ્રાફિકની નાકાબંધી કરવાનું નક્કી કરેલું છે. કમાને એક નિવેદનમાં કહ્યું કે અમેરિકી કેન્દ્રીય કમાન (સેન્ટકોમ) ફોર્સ રાષ્ટ્રપતિના એલાન મુજબ 13 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યાથી (ભારતીય સમય મુજબ સાંજે 7.30 કલાકે) ઈરાની પોર્ટ્સમાં આવતા જતા તમામ જહાજોની નાકાબંધી કરવા લાગશે.
કમાન્ડનું કહેવું છે કે આ નાકાબંધી ઈરાની પોર્ટ્સ અને કાંઠા વિસ્તારોમાં આવતા જતા તમામ દેશોના જહાજો વિરુદ્ધ નિષ્પક્ષ રીતે લાગૂ કરાશે. જેમાં અરબ ખાડી અને ઓમાનની ખાડીના તમામ ઈરાની પોર્ટ્સ સામેલ છે. આગળ કહ્યું કે, સેન્ટકોમ ફોર્સ હોર્મુઝ જળમાર્ગથી ઈરાન સિવાયના પોર્ટ્સમાંથી આવતા જતા જહાજો માટે વિધ્ન નાખશે નહીં.