અમેરિકાનું એ વિમાન જે પરમાણુ હુમલો થાય છતાં સતત સાત દિવસ સુધી ઊડી શકે છે

Spread the love

 

Getty Images’ડૂમ્સડે’ વિમાન શક્તિશાળી ક્ષમતાઓથી સજ્જ છે, તેથી તે પરમાણુ હુમલા અને ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો (ઇએમ તરંગો) ની હાજરીમાં પણ સુરક્ષિતપણે રીતે ઊડી શકે છે

તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું કે પરમાણુ હુમલા કે મોટી આપત્તિના કિસ્સામાં પણ તે હવામાંથી કમાન્ડ સેન્ટર તરીકે કામ કરી શકે.

આ વિમાનને 1974માં શીત યુદ્ધ દરમિયાન અમેરિકન સેનામાં સામેલ કરવામાં આવ્યું હતું.

આ વિમાનનો હેતુ અમેરિકામાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર જાય અને ગ્રાઉન્ડ કંટ્રોલ (કમાન્ડ) સેન્ટરોમાં વિક્ષેપ સર્જાય ત્યારે ઍર કમાન્ડ સેન્ટર તરીકે કામ કરવાનો હતો.

ભારે કટોકટીના સમયમાં, અમેરિકન રાષ્ટ્રપતિ, સંરક્ષણ સચિવ અને સંયુક્ત ચીફ ઑફ સ્ટાફ પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને સરકારના અન્ય વિભાગો સાથે વાતચીત કરવા માટે આ વિમાનનો ઉપયોગ કરે છે.

આ વિમાન સતત સાત દિવસ સુધી થંભ્યા વિના ઊડી શકે છે. તે લાંબા સમય સુધી આકાશમાં રહેવા અને લશ્કરી કામગીરીમાં મદદ કરવા સક્ષમ છે.

શક્તિશાળી લશ્કરી વિમાનોનો કાફલો

અમેરિકા પાસે ચાર ઇ-4B વિમાનનો કાફલો છે. આ વિમાનો આખા વર્ષ દરમિયાન નિયમિતપણે ઉડાણ ભરે છે.

અમેરિકન ઍરફોર્સ હાલમાં પાંચ બોઇંગ 747-8 વિમાનોના પુનર્નિર્માણ અને રૂપાંતર પર કામ કરી રહી છે, જેનો ઉપયોગ ઇ-4B વિમાનને બદલવા માટે થઈ શકે છે.

આ વિમાનો પહેલાં દક્ષિણ કોરિયન ઍરફોર્સની માલિકીનાં હતાં.

તેમાં રેડિયેશન અને ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો સામે રક્ષણ માટે ખાસ શિલ્ડિંગ હશે. તેમજ આધુનિક કૉમ્યુનિકેશન એન્ટેના, કમ્પ્યુટરો, મિશન સિસ્ટમ્સ, અત્યાધુનિક ઇન્ટિરિયર ડિઝાઇન અને ફ્લાઇટમાં રિફ્યૂઅલિંગની સુવિધાઓ પણ હશે.

આ પાંચ વિમાનોની કુલ કિંમત લગભગ 13 અબજ ડૉલર (લગભગ 1.25 લાખ કરોડ રૂ.) હશે.

ડૂમ્સડે પ્લેનમાં ખાસ સુવિધાઓ છે જે તેને પરમાણુ આપત્તિઓ અને અન્ય મોટી કટોકટી દરમિયાન પણ સુરક્ષિત રીતે ઉડાણ ભરવા સજ્જ બનાવે છે.

આ સુવિધાઓ સામાન્ય રીતે અન્ય સામાન્ય વિમાનોમાં ઉપલબ્ધ હોતી નથી.

Getty Imagesઆ વિમાનન સતત સાત દિવસ સુધી ઊડતું રહી શકે છે

આ વિમાનો મિસાઇલો છોડી શકે છે. તેમાં પરમાણુ હુમલા, સાઇબર હુમલા અને ઇલેક્ટ્રોમેગ્નેટિક અસરોનો સામનો કરવાની ક્ષમતા પણ છે.

તેમજ તે અત્યાધુનિક સંચાર સુવિધાઓથી સજ્જ છે. તેમાં 67 એન્ટેના છે, તેથી તેનો સંપર્ક કોઈ પણ સ્થળેથી કરી શકાય છે.

આ વિમાન ચાર એન્જિન પર ચાલે છે. તેની પાંખો પહોળી છે અને તે હવામાં ઈંધણ ભરવામાં સક્ષમ છે.

અમેરિકાએ 1974ના અંતમાં તેના બોઇંગ ઇ-4એ વિમાનને અપગ્રેડ કરીને ઇ-4B બનાવ્યું. યુએસ ઍરફોર્સને 1980માં તેનું પ્રથમ બી-સિરીઝ વિમાન મળ્યું.

યુએસ ઍરફોર્સ અનુસાર, ડૂમ્સડે પ્લેનનો ઉપયોગ યુએસ કમાન્ડરોને અસરકારક નિયંત્રણ અને સંદેશાવ્યવહાર માટે એક મજબૂત કમાન્ડ સેન્ટર પ્રદાન કરવા માટે થાય છે.

આ વિમાન થકી રાષ્ટ્રીય કટોકટી સમયે અથવા જમીન પરનાં કમાન્ડ સેન્ટરો નાશ પામવાની સ્થિતિમાં પણ અમેરિકન સૈન્યને માહિતી આપી શકાય છે

આ વિમાન તોફાન અને ભૂકંપ જેવી કુદરતી આફતો પછી વિવિધ વિસ્તારોમાં કમાન્ડ સેન્ટરો સાથે સંપર્ક કરી શકે છે.

આ વિમાનની વિશેષતા શું છે?

Getty Imagesકટોકટીના સમયમાં અમેરિકન રાષ્ટ્રપતિ, સંરક્ષણ સચિવ અને જૉઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ ડૂમ્સડે પ્લેનમાં મુસાફરી કરે છે (પ્રતીકાત્મક તસવીર)

  • ડૂમ્સડે પ્લેન સતત સાત દિવસ સુધી થંભ્યા વિના ઊડી શકે છે
  • ફ્લાઇટ દરમિયાન, ક્રૂ અને મુસાફરો વિશ્વમાં ગમે ત્યાંથી જમીન પર સંપર્ક સાધી શકે છે
  • તેની ક્ષમતા અમેરિકન ઍર ડિફેન્સ ફોર્સના કાફલા કરતાં વધારે છે
  • આ વિમાન એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે પરમાણુ હુમલો, ઉલ્કાના હુમલા અને અન્ય કોઈ પણ હવાઈ ખતરાનો સામનો કરી શકે.
  • તેનું એન્જિન વર્ષના 365 દિવસ, 24 કલાક સતત ચાલે છે. તેનો અર્થ એ છે કે તે ક્યારેય બંધ થતું નથી અને કોઈ પણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક ઉડાણ ભરવા માટે તૈયાર હોય છે
  • આ વિમાનની કિંમત 223 મિલિયન અમેરિકન ડૉલર છે
  • અમેરિકા પછી રશિયા એકમાત્ર એવો દેશ છે જેની પાસે આ પ્રકારનું વિમાન છે
  • તે રેડિયેશનથી સુરક્ષિત હોવાને કારણે આ વિમાન હુમલાની મિનિટોમાં ઊડી શકે છે
  • આ વિમાન ત્રણ માળનું છે અને તે અત્યાધુનિક સાધનોથી સજ્જ છે, જે તેને ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રભાવો સામે વધુ પ્રતિરોધક બનાવે છે
  • વિમાનના કમાન્ડર-પાઇલટ આંતરિક સ્ક્રીનનો ઉપયોગ કરીને યુએસ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સંરક્ષણ સચિવ, રાજ્ય સચિવ અને ઍટર્ની જનરલનાં લોકેશન જોઈ શકે છે.
  • આના થકી ઊંડા સમુદ્રમાં છુપાયેલી સબમરીન પણ લશ્કરી આદેશો મેળવી શકે છે
  • ‘ડૂમ્સડે પ્લેન’ અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા નિયમિત મુસાફરી માટે ઉપયોગમાં લેવાતા ‘ઍરફોર્સ વન’ વિમાનથી અલગ છે

ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં ચર્ચામાં આવ્યું હતું આ વિમાન

આ વિનાશક વિમાનોનો કાફલો યોગ્ય રીતે જાળવાયેલો છે કે નહીં અને તેની લશ્કરી ક્ષમતાઓ પર્યાપ્ત છે કે નહીં તે જોવા માટે આ વિમાનો સમયાંતરે ઉડાણ ભરે છે.

આ વિમાનની અનોખી ક્ષમતાઓ અને વિશેષતાઓએ મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન જ્યારે તેમની અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન વચ્ચે વાકયુદ્ધ તીવ્ર બન્યું ત્યારે આ વિમાન વધુ ચર્ચામાં આવ્યું.

Getty Imagesટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં તેઓ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે વાક્યુદ્ધમાં ઊતર્યા હતા (પ્રતીકાત્મક તસવીર)

જાન્યુઆરી 2018 માં બંને નેતાઓ વચ્ચે ‘વાકયુદ્ધ’ વધુ તીવ્ર બન્યું. તે સમયે, કોરિયન સર્વોચ્ચ નેતાએ કહ્યું હતું કે, “અમેરિકા યુદ્ધ શરૂ ન કરે એ માટે હું હંમેશાં મારા ડેસ્ક પર પરમાણુ બટન રાખું છું.”

આ વિમાન ગયા વર્ષે જૂનમાં વૉશિંગ્ટન તરફ જતું જોવા મળ્યું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં તે ફરીથી જોવા મળ્યું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *