
દીપક બારિયાની નિમણૂક એસઆરપી ગ્રુપ-1 માં થઈ હતી, પરંતુ તેઓ હાલ વડોદરાના ગ્રુપ-9 ખાતે છેલ્લા ચાર અઠવાડિયાથી સઘન તાલીમ લઈ રહ્યા હતા. રોજિંદા ક્રમ મુજબ આજે સવારે પી.ટી. પરેડમાં ભાગ લીધા બાદ તેઓ પોતાના રૂમ પર પરત ફર્યા હતા. સવારે અંદાજે 10 વાગ્યાની આસપાસ જ્યારે તેઓ કપડાં બદલી રહ્યા હતા ત્યારે અચાનક છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કરી હતી, જે તેમની જિંદગીની અંતિમ પળો સાબિત થઈ હતી.
મિત્ર સાથે દવાખાને જતા રસ્તામાં જ ઢળી પડ્યા
છાતીમાં અસહ્ય દુખાવો ઉપડતા દીપકભાઈ પોતાના એક મિત્ર સાથે તાલીમ કેન્દ્ર પર આવેલી ડિસ્પેન્સરી (દવાખાના) તરફ જવા રવાના થયા હતા. જોકે, દવાખાને પહોંચે તે પહેલા જ રસ્તામાં તેઓ અચાનક જમીન પર ઢળી પડ્યા હતા. તાત્કાલિક ધોરણે ત્યાં હાજર ડોક્ટરોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી, જેમાં તેમને જરૂરી ઇન્જેક્શન અને બોટલ ચઢાવવામાં આવ્યા હતા. પરંતુ જવાનની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની એસએસજી (SSG) સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં તોડ્યો દમ
સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં તબીબોની ટીમે જવાનને બચાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા હતા, પરંતુ સારવાર કારગત નીવડી ન હતી અને ટૂંકી સારવાર બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. દીપક બારિયા મૂળ રાજપીપળા નજીક આવેલા તિલકવાડાના રહેવાસી હતા. તેમના અકાળે અવસાનના સમાચાર મળતા જ પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ, તેમને અગાઉ કોઈ ગંભીર બીમારી હોવાનું જાણવા મળ્યું નથી, જેથી આ મોત પાછળ હાર્ટ એટેક હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.
પોલીસ બેડામાં ગમગીની: પરિવારનો આધાર છીનવાયો
માત્ર 29 વર્ષની ઉંમરે દેશ અને રાજ્યની સેવા કરવા નીકળેલા જવાનના નિધનથી એસઆરપી ગ્રુપના અધિકારીઓ અને સાથી તાલીમાર્થીઓમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. પોલીસ વિભાગ દ્વારા હાલ જવાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી મોતના ચોક્કસ કારણ વિશે જાણી શકાય. એક આશાસ્પદ યુવાનનું આ રીતે જવું તિલકવાડા પંથક માટે પણ મોટી ખોટ સમાન છે.