ચૂંટણી પહેલા ભાજપનું ‘ઓપરેશન ડેમેજ કંટ્રોલ’: પુત્રને ટિકિટ ન મળતા નારાજ થયેલા જ્યોતિન્દ્ર મામાના ઘરે પહોંચ્યા જગદીશ વિશ્વકર્મા

Spread the love

રાજકોટ મનપાની ચૂંટણીના જંગ વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ ફાળવણી બાદ ઉભો થયેલો અસંતોષ ડામવા માટે પ્રદેશ નેતાગિરી હરકતમાં આવી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોતે રાજકોટના મેદાનમાં ઉતરીને ‘ડેમેજ કંટ્રોલ’ની કવાયત તેજ કરી દીધી છે. ખાસ કરીને નારાજ નેતાઓ અને સમાજના વિવિધ આગેવાનોને મનાવવા માટે ગુપ્ત બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

જ્યોતિન્દ્ર મહેતા (મામા)ના નિવાસ્થાને ગુપ્ત બેઠક

 

આ કવાયતના ભાગરૂપે જગદીશ વિશ્વકર્મા સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા જ્યોતિન્દ્ર મહેતા (મામા) ના નિવાસ્થાને પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જ્યોતિન્દ્ર મહેતાના પુત્ર રાહુલ મહેતાએ પક્ષ પાસે ટિકિટની માંગણી કરી હતી, પરંતુ પાર્ટીએ તેમને ટિકિટ ન આપતા મહેતા પરિવાર અને તેમના સમર્થકોમાં નારાજગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ નારાજગી ચૂંટણીમાં ભારે ન પડે તે માટે ખુદ પ્રદેશ પ્રમુખે તેમના ઘરે જઈને મધ્યસ્થી કરી હતી.

 

દિગ્ગજ નેતાઓ અને ઉદ્યોગપતિઓની હાજરી

 

આ બેઠક કેટલી મહત્વની હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેમાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવે અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને જ્યોતિ CNCના માલિક પરાક્રમસિંહ જાડેજાની હાજરીએ પણ અનેક તર્ક-વિતર્ક સર્જ્યા છે.

 

જૈન વાણિયા સમાજમાં રોષ

 

બેઠક પાછળનું એક મુખ્ય કારણ જ્ઞાતિગત સમીકરણો પણ હોવાનું મનાય છે. રાજકોટમાં જૈન વાણિયા સમાજના અંદાજે પોણા બે લાખ જેટલા મતદારો છે, તેની સામે ભાજપે જાહેર કરેલા 72 ઉમેદવારોમાંથી માત્ર એક જ ઉમેદવાર ધૈર્ય પારેખને ટિકિટ આપી છે. આ બાબતે સમાજમાં અંદરખાને વ્યાપેલો રોષ આગામી ચૂંટણીના પરિણામો પર અસર ન કરે તે માટે ભાજપ ડેમેજ કંટ્રોલ કરી રહ્યું છે. આમ, રાજકોટ ભાજપમાં ટિકિટ કપાતા સર્જાયેલી નારાજગીને ખાળવા માટે જગદીશ વિશ્વકર્માની આ ગુપ્ત બેઠકો કેટલી સફળ રહે છે, તે તો આવનારો સમય જ બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *