દેશમાં એકસાથે અનેક સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

Spread the love

Heavy Rain Alert India: જો તમે આગામી દિવસોમાં ક્યાંય બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો જરા હવામાન વિભાગની આ ચેતવણી પર નજર કરી લેજો. દેશમાં હાલ એકસાથે ઘણી બધી હવામાન સિસ્ટમ અને ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation) સક્રિય થયા છે. આ સિસ્ટમ્સની અસરને કારણે દેશના અનેક રાજ્યોમાં આગામી 7 દિવસ સુધી ક્યાંક ભારે વરસાદ, તો ક્યાંક ગાજવીજ સાથે વાવાઝોડું અને તોફાની પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

એક તરફ ઉત્તર અને મધ્ય ભારતમાં પવન ફૂંકાશે, તો પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ પડશે, જ્યારે ગુજરાત-મહારાષ્ટ્રમાં ધીમે ધીમે તાપમાનનો પારો ઊંચે જશે. આ ખરાબ હવામાનને લઈને ઘણી જગ્યાએ હાઈ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

 

હવામાનમાં અચાનક કેમ આવી રહ્યો છે પલટો?

 

હાલમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પર સર્જાયેલો પશ્ચિમી વિક્ષોભ (Western Disturbance) ભલે નબળો પડી ગયો હોય, પણ બીજી ઘણી સિસ્ટમ્સ હજુ બરાબરની એક્ટિવ છે. અત્યારે ઉત્તર મધ્યપ્રદેશથી લઈને છેક દક્ષિણ તમિલનાડુ સુધી એક ‘ટ્રફ લાઇન’ પસાર થઈ રહી છે, જે વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને કર્ણાટકને કવર કરે છે. આ ઉપરાંત, બિહારથી પશ્ચિમ બંગાળ સુધી પણ એક ટ્રફ સક્રિય છે, જ્યારે ઉત્તર ઓડિશા અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાં ચક્રવાતી પરિભ્રમણ ચાલુ છે. એટલું જ નહીં, આગામી 15 એપ્રિલથી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં એક નવો પશ્ચિમી વિક્ષોભ પણ સર્જાવાની પૂરી શક્યતા છે.

 

કયા રાજ્યોમાં પડશે વરસાદ અને ક્યાં ફૂંકાશે પવન?

 

આ બધી સિસ્ટમની સૌથી વધુ અસર આપણા પૂર્વોત્તર રાજ્યોમાં જોવા મળશે. 12 થી 15 એપ્રિલ સુધી આસામ અને મેઘાલયમાં ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડશે અને સાથે 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે તોફાની પવન ફૂંકાશે. 12 થી 14 એપ્રિલ દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદની આગાહી છે. અરુણાચલ પ્રદેશમાં 13 થી 16 એપ્રિલ સુધી આકાશમાંથી વીજળી પડવાનું જોખમ રહેલું છે અને ત્યારબાદ 17 અને 18 એપ્રિલે ત્યાં તેમજ આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આજે 12 એપ્રિલે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ ભારે વરસાદ અને પવનની ચેતવણી આપવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં પણ આવનારા ઘણા દિવસો સુધી હળવો વરસાદ અને વાવાઝોડું ચાલુ રહેશે.

 

ઉત્તર અને દક્ષિણ ભારતની શું છે સ્થિતિ?

 

ઉત્તર ભારતની વાત કરીએ તો, 12 થી 14 એપ્રિલ વચ્ચે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 20 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં પણ આગામી થોડા દિવસો માટે વરસાદ પડવાની અને વીજળી ત્રાટકવાની પૂરેપૂરી સંભાવના છે.

 

વરસાદ વચ્ચે તાપમાનમાં પણ થશે મોટો ફેરફાર

 

એક તરફ વરસાદ અને વાવાઝોડાની આગાહી છે, તો બીજી તરફ ઘણા વિસ્તારોમાં ગરમી પણ પોતાનો પ્રકોપ બતાવશે. ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારોમાં તાપમાનમાં 4 થી 6 ડિગ્રીનો સીધો વધારો થઈ શકે છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ અને પૂર્વ ભારતના રાજ્યોમાં પણ ગરમીનો પારો સતત ઉપર જશે. આપણા ગુજરાત, મહારાષ્ટ્ર અને દેશના અન્ય ભાગોમાં પણ આવનારા દિવસોમાં તાપમાનમાં ધીમે ધીમે વધારો નોંધાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *