સાઇબર ક્રાઇમે ખજાનો પકડ્યો, પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં 16 આરોપી જબ્બે, 77 કરોડના તાર વિદેશ સુધી પહોંચ્યા

Spread the love

ગાંધીનગર CID ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે દેશવ્યાપી સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કરીને આંતરરાજ્ય નેટવર્ક ઝડપી પાડ્યું છે. પોલીસે વડોદરા, પાલનપુર અને ગોવા એમ ત્રણ સ્થળોએ એકસાથે દરોડા પાડીને કુલ 16 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગે દેશભરમાં અંદાજે ₹77 કરોડની છેતરપિંડી આચરી છે.

 

દરોડામાં કુલ 16 આરોપીઓની ધરપકડ

 

સાયબર ક્રાઇમની ટીમે દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ કરવા માટે અલગ-અલગ ટુકડીઓ બનાવી ગોવા, વડોદરા અને પાલનપુરમાં સઘન કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન કુલ 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ગોવાથી મુખ્ય સૂત્રધાર જીતુભાઇ ભુરાભાઇ ઠક્કર (પાટણ) સહિત 9 લોકો ઝડપાયા છે, જેઓ ત્યાંથી સમગ્ર નેટવર્ક ઓપરેટ કરતા હતા. વડોદરાથી મુખ્ય સંચાલકો કિરણ જોષી અને સિદ્ધરાજ શિરવાડિયા સહિત 5 આરોપીઓ અને પાલનપુરથી મીત શ્રીમાળી તથા મેહુલ સોલંકી નામના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ડિજિટલ પુરાવાઓનો મોટો જથ્થો જપ્ત

 

આ કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી ડિજિટલ પુરાવાઓનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.

 

જેમાં 15 લેપટોપ, 87 મોબાઇલ ફોન, 126 સીમકાર્ડ, 2 રાઉટર, 15 ડેબિટ કાર્ડ અને 4 કોરા ચેકનો સમાવેશ થાય છે. આ સાધનોનો ઉપયોગ ગેંગ દ્વારા દેશભરમાં સાયબર ગુનાઓ આચરવા માટે કરવામાં આવતો હતો.

 

પૈસાને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરીને વિદેશ મોકલી આપતા હતા

 

તપાસમાં ખુલેલી વિગતો અનુસાર, આ ગેંગે દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 375 સાયબર ગુનાઓ આચરીને અંદાજે ₹૭૭ કરોડનું જંગી કૌભાંડ કર્યું છે. તેમની મોડસ ઓપરેન્ડી મુજબ તેઓ ખોટી પેઢીઓ ઊભી કરીને અથવા નિર્દોષ લોકોના નામે ‘મ્યુલ એકાઉન્ટ્સ’ (બેંક ખાતાઓ) ખોલાવતા હતા. સાયબર ફ્રોડ અને ઓનલાઇન ગેમિંગ દ્વારા મેળવેલા નાણાં આ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા અને ત્યારબાદ તે રકમને ડોલર કે ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરીને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલી દેવામાં આવતી હતી.

સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસ.પી. વિવેક ભેડાએ આ ગેંગની આંતરરાજ્ય સક્રિયતા અંગે જણાવતા કહ્યું કે, અન્ય રાજ્યોમાંથી વધુ માહિતી મળતા હજુ પણ મોટા ગુનાઓ બહાર આવવાની શક્યતા છે. આ સાથે જ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, કોઈપણ અજાણી વ્યક્તિને લાલચમાં આવીને ભાડે કે અન્ય હેતુ માટે પોતાનું બેંક એકાઉન્ટ વાપરવા ન આપવું. વધુમાં, શંકાસ્પદ લિંક, કોલ કે મેસેજથી સાવચેત રહેવું અને જો સાયબર ફ્રોડનો ભોગ બનો તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી જાણ કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *