અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે જે ટેકનોલોજીનો દુરુપયોગ કરી વે-બ્રિજ પર વજનમાં છેતરપિંડી આચરતી હતી. વટવા GIDC વિસ્તારમાં દરોડા પાડી પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ છેલ્લા 5 વર્ષથી ગુજરાત સહિત ચાર રાજ્યોમાં સક્રિય હતા. આ ગેંગ હાઈટેક રિમોટ ચિપની મદદથી ટ્રકના વજનમાં 5 થી 10 ટનનો ઘટાડો કરી એક જ ટ્રક પર લાખો રૂપિયાનો માલ બારોબાર વેચી મારતી હતી.
આ હાઈટેક ઠગાઈના નેટવર્કથી અનેક મોટી કંપનીઓને કરોડોનું નુકસાન થયું હોવાની આશંકા છે.
હાઈટેક મોડસ ઓપરેન્ડી: 40 હજારની ચિપ અને કરોડોની ઠગાઈઆ ગેંગની કામ કરવાની પદ્ધતિ અત્યંત ચોંકાવનારી છે. આરોપીઓ પહેલા મોટી કંપનીઓના ટ્રાન્સપોર્ટેશનના ટેન્ડર ઉંચા ભાવે મેળવી લેતા હતા. ત્યારબાદ, વે-બ્રિજના કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરી કાંટામાં 40 થી 50 હજાર રૂપિયાની કિંમતની એક વિશેષ રિમોટ આધારિત ચિપ લગાવી દેતા હતા. જ્યારે માલ ભરેલી ટ્રક કાંટા પર ચઢે, ત્યારે રિમોટથી વજનમાં ચેડાં કરી 5 થી 10 ટન ઓછું વજન બતાવતી સ્લીપ મેળવી લેતા હતા. આ વધારાનો માલ તેઓ બજારમાં વેચીને એક જ ફેરામાં અંદાજે દોઢ લાખ રૂપિયાની કટકી કરી લેતા હતા.
4 રાજ્યોમાં ફેલાયેલું હતું નેટવર્કક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ માત્ર ગુજરાત પૂરતી સીમિત નહોતી. આરોપીઓ ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ પોતાનું નેટવર્ક ચલાવતા હતા. વટવા GIDC ફેઝ-3 માં ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડીને પોલીસે આ આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં હેમંત રાવલ, સંકેત રાવલ, વિજય ઠાકોર, મનીષ રબારી અને પટણી બંધુઓનો સમાવેશ થાય છે.
7 આરોપીઓ પકડાયા, 6 હજુ પણ ફરારઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ નિખિલ બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર, આ કેસમાં અત્યાર સુધીમાં 7 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જોકે, આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય 6 મુખ્ય સાગરીતો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. રજનીશ કશ્યપ, ચિરાગ ગોસ્વામી અને સુનિલ બોડી સહિતના ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. આરોપીઓની પૂછપરછમાં હજુ પણ અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.
પાંચ વર્ષથી ચાલતો હતો કાળો કારોબારઆ ગેંગ છેલ્લા પાંચ વર્ષથી આ રીતે કાર્યરત હતી અને અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરી ચૂકી છે. કંપનીઓના માલસામાનની ચોરી કરવા માટે આ ગેંગે ટેકનોલોજીનો જે રીતે ઉપયોગ કર્યો છે તે જોઈ પોલીસ પણ સ્તબ્ધ છે. આ પર્દાફાશ બાદ હવે અન્ય કંપનીઓ પણ પોતાના વે-બ્રિજની સુરક્ષા અને ઓડિટ બાબતે સતર્ક બની છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ચિપ ક્યાંથી મેળવવામાં આવી હતી અને તેમાં અન્ય કયા વે-બ્રિજ સંચાલકોની સંડોવણી છે.
