અમદાવાદ: ગુજરાતમાં થોડા સમય અગાઉ ચકચારી બનેલા યોગગુરુ પ્રદિપ જોટાંગિયા નકલી નોટ કૌભાંડ બાદ હાલ આવા જ એક વધુ પ્રકરણનો અમદાવાદ શહેર એસ.ઓ.જી. (SOG) એ પર્દાફાશ કર્યો છે અને આ મામલે પોલીસે એક વેપારી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધની વેપાર પર અસર પડતાં આ પીડિત વેપારીને 30 લાખનું દેવું થઈ જતાં તેણે ડુપ્લીકેટ નોટ છાપવાનો ઓર્ડર આપી દીધો હોવાનું ખુલતાં આ કિસ્સાથી હાલ શહેરમાં ચકચાર મચી છે.
વિગતે વાત કરીએ તો, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે, અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં કેટલાક શખ્સો નકલી નોટોનો જથ્થો પધરાવવાની ફિરાકમાં છે. જે બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી ત્યારે કેટલાક લોકો શંકાના દાયરામાં આવ્યા હતા. જે બાદ પોલીસે દરોડો પાડીને આ ત્રણ લોકો સાથે 500ના દરની 133 ડુપ્લીકેટ નોટો ઝડપી પાડી હતી. આ ટોળકી બજારમાં નકલી નોટો ફેરવે તે પહેલા જ પોલીસના સકંજામાં આવી ગઈ હતી.
આ મામલે પકડાયેલા આરોપીઓની ઓળખ મોરબીના અનિલ ઈશ્વર, ભાવેશ મકવાણા અને ભાવેશના મિત્ર રાહુલ કાલિયા તરીકે થઈ છે. તેઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ નકલી નોટો સુરેન્દ્રનગરના લીંબડી ખાતે એક ઝેરોક્સ મશીન પર છાપવામાં આવી હતી. વેપારી અનિલે મોરબીના ભાવેશ મકવાણાનો સંપર્ક કર્યો હતો અને 1 લાખ અસલી નોટ સામે 3 લાખની નકલી નોટોની ડિમાન્ડ કરી હતી. ભાવેશે તેના મિત્ર રાહુલ કાલિયાને આ કામ સોંપ્યું હતું. રાહુલે લીંબડીમાં નોટો છાપી હતી, જેની પણ પોલીસે અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
વધુમાં આ મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, ધરપકડ કરાયેલ આરોપીઓ પૈકી અનિલ ઈશ્વર મોરબીનો સિરામિક વેપારી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર સિરામિક ઉદ્યોગ પર પડતાં અનિલને ધંધામાં ભારે નુકસાન થયું હતું. વેપારમાં અંદાજે 30 લાખનું દેવું થઈ જતાં તેણે ટૂંકા રસ્તે નાણાં કમાવવા માટે નકલી નોટો છાપવાનો અને બજારમાં વટાવવાનો ખતરનાક રસ્તો અપનાવ્યો હતો.
સાથે જ પોલીસના હાથે ઝડપાયેલા ત્રીજા આરોપી જીતેન્દ્ર પ્રજાપતિનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો છે. અમદાવાદના રહેવાસી જીતેન્દ્ર અગાઉ ડ્રગ્સ કેસ અને દેહવ્યાપાર જેવા ગંભીર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. આ ટોળકી લીંબડીમાં નોટો છાપ્યા બાદ અમદાવાદમાં એકઠી થઈ હતી, પરંતુ તેમનું મિશન સફળ થાય તે પહેલા જ એસ.ઓ.જી.એ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.
હાલમાં પોલીસે ભાવેશ મકવાણા, અનિલ ઈશ્વર અને જીતેન્દ્ર પ્રજાપતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નકલી નોટો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ આરોપીઓએ અગાઉ કોઈ નકલી નોટો બજારમાં ફેરવી છે કે કેમ, અને આ રેકેટમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
