ટ્રમ્પના એક ફેંસલાથી દિલ્હીમાં દોડધામ! રસોડાનો ગેસ અને ગાડીનું પેટ્રોલ બચાવવા સરકારે રાજ્યોને શું આપ્યા કડક ઓર્ડર?

Spread the love
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ (દરિયાઈ માર્ગ) અંગે લેવાયેલા આકરા પગલાં બાદ ભારત સરકારે પરિસ્થિતિ સંભાળી લીધી છે. સરકારે દેશની જનતાને સ્પષ્ટ કહી દીધું છે કે ગભરાવાની જરા પણ જરૂર નથી, કારણ કે ભારતમાં પેટ્રોલ, ડીઝલ કે અન્ય કોઈ ઈંધણની અછત નથી. દેશની તમામ રિફાઈનરીઓ પોતાની પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે અને આપણી પાસે ક્રૂડ ઓઈલનો પૂરતો સ્ટોક પડેલો છે.

આ સાથે જ સરકારે તમામ રાજ્ય સરકારોને પણ એલર્ટ કરી દીધી છે કે કાળાબજારી કરનારાઓ પર બાજ નજર રાખવામાં આવે અને તેમની સામે કડક પગલાં લેવાય જેથી સામાન્ય જનતાને કોઈ હાલાકી ન ભોગવવી પડે.

 

ગેસનો 100% પુરવઠો ચાલુ, નાના સિલિન્ડરનો સપ્લાય ડબલ કરાયો

 

યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના સપ્લાય પર ચોક્કસથી થોડી અસર પડી છે, પરંતુ સરકારે ખાતરી આપી છે કે ઘરમાં વપરાતા રાંધણ ગેસ (LPG), પાઇપલાઇન ગેસ (PNG) અને વાહનો માટેના CNG નો 100% પુરવઠો રાબેતા મુજબ સામાન્ય જ રહેશે. LPG પરનું ભારણ ઘટાડવા માટે કેરોસીન અને કોલસા જેવા બીજા બેકઅપ વિકલ્પો પણ બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ખાસ કરીને રોજમદારી કરતા અને સ્થળાંતરિત મજૂરોને તકલીફ ન પડે તે માટે 5 કિલોવાળા નાના (FTL) સિલિન્ડરનો સપ્લાય ડબલ કરી દેવામાં આવ્યો છે.

 

કાળાબજારીયાઓ પર તવાઈ, દેશભરમાં 2950 થી વધુ દરોડા

 

સરકારે કાળાબજારી કે સંગ્રહખોરી કરીને ખોટી અછત ઊભી કરનારાઓ સામે લાલ આંખ કરી છે. રાજ્ય સરકારોને ‘આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955’ હેઠળ બજાર પર બરાબર નજર રાખવા અને નિયમો તોડનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાનો સીધો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશના ભાગરૂપે જ દેશભરમાં કાળાબજારી રોકવા માટે 13 એપ્રિલ, 2026 સુધીમાં 2950 થી પણ વધુ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે.

 

સરકારની જનતાને ખાસ અપીલ

 

આ પરિસ્થિતિને સરળતાથી પાર પાડવા સરકારે સામાન્ય જનતાને પણ સાથ આપવા અપીલ કરી છે. સરકારે લોકોને કહ્યું છે કે ગેસ બુકિંગ માટે એજન્સી કે ડિસ્ટ્રીબ્યુટરની ઓફિસે રૂબરૂ જવાનું ટાળો અને તેના બદલે ઓનલાઈન અથવા ડિજિટલ પ્લેટફોર્મનો જ વધુમાં વધુ ઉપયોગ કરો. આ ઉપરાંત, ગેસ સિલિન્ડર પરની નિર્ભરતા અમુક અંશે ઓછી કરવા માટે લોકો ઘરમાં PNG કનેક્શન લે અથવા તો ઇલેક્ટ્રિક સગડી અને ઇન્ડક્શન કુકટોપ જેવા આધુનિક વિકલ્પો અપનાવે તે માટે પણ સરકારે પ્રોત્સાહન આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *