કોલેસ્ટ્રોલની નવી ગાઈડલાઈન્સે દુનિયાને ચોંકાવી ! તમારી નસોમાં સાયલન્ટ કિલરની જેમ જામી રહ્યું છે ફેટ.

Spread the love

 

હાર્ટ એટેક અને સ્ટ્રોકના વધતા જતા કેસો વચ્ચે અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી અને અમેરિકન હાર્ટ એસોસિએશને કોલેસ્ટ્રોલ નિયંત્રણ માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આ રિપોર્ટમાં એવી વાતો કહેવામાં આવી છે જેણે ડોક્ટરો અને સામાન્ય જનતા બંનેને વિચારતા કરી દીધા છે. હવે કોલેસ્ટ્રોલની તપાસ માટે મોટી ઉંમરની રાહ જોવી જોખમી સાબિત થઈ શકે છે.

9 વર્ષની ઉંમરથી જ તપાસની સલાહ

નવી ગાઈડલાઈન મુજબ, હવે બાળકોમાં પણ કોલેસ્ટ્રોલની તપાસ શરૂ કરવી જોઈએ. જે પરિવારોમાં આનુવંશિક (Genetic) સમસ્યા હોય, ત્યાં બાળકોના 9 વર્ષની ઉંમરથી જ રિપોર્ટ કરાવવા જરૂરી છે. આ ઉપરાંત, હવે માત્ર સામાન્ય લિપિડ પ્રોફાઇલ જ નહીં, પણ Lp(a) નામના ખાસ ફેટની તપાસ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

નવો ટાર્ગેટ: LDL હવે કેટલું હોવું જોઈએ?

ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL નસોમાં બ્લોકેજ ઉભું કરે છે. નવી ગાઈડલાઈન્સ મુજબ તેના લેવલમાં મોટો ફેરફાર કરાયો છે:

  • સામાન્ય લોકો માટે: LDL 100 mg/dL થી ઓછું હોવું જોઈએ.
  • મધ્યમ જોખમ ધરાવતા લોકો માટે: 70 mg/dL થી ઓછું રાખવું જરૂરી.
  • વધુ જોખમ ધરાવતા લોકો માટે: હવે ટાર્ગેટ 55 mg/dL થી પણ ઓછો રાખવાની સલાહ છે.

PREVENT: ભવિષ્યના જોખમને ઓળખવાનું નવું સાધન

હવે ડોક્ટરો ‘PREVENT’ નામના નવા ટૂલનો ઉપયોગ કરશે. આ કેલ્ક્યુલેટર આગામી 10 થી 30 વર્ષમાં હૃદયની બીમારીનું જોખમ કેટલું છે તે જણાવી શકશે. તેમાં બ્લડ શુગર અને કિડનીની સ્થિતિને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

સારવારમાં નવી ટેકનોલોજી

જો સ્ટેટિન (Statin) દવાઓ અસર ન કરે, તો હવે Ezetimibe અને Bempedoic Acid જેવી નવી દવાઓ તેમજ PCSK9 ઇન્જેક્શનની ભલામણ કરવામાં આવી છે. નસોમાં જમા થયેલા ફેટની ચોક્કસ તપાસ માટે હવે કેલ્શિયમ સ્કેન (Calcium Scan) જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ વધારવા જણાવાયું છે.

શું લાઈફસ્ટાઈલ ખરેખર બચાવશે?

રિપોર્ટ અનુસાર, 80 થી 90 ટકા હૃદયની બીમારીઓ આપણી ખરાબ આદતોને કારણે થાય છે. જો સમયસર પૂરતી ઊંઘ, નિયમિત વ્યાયામ, હેલ્ધી ડાયટ અને વજન પર નિયંત્રણ રાખવામાં આવે, તો આ જીવલેણ જોખમથી બચી શકાય છે.

યાદ રાખો, નસોમાં જામતું આ ફેટ એક દિવસ અચાનક એટેકનું કારણ બની શકે છે, તેથી નવી ગાઈડલાઈન મુજબ વહેલી તપાસ એ જ શ્રેષ્ઠ સુરક્ષા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *